અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
શહીદે સાલીસ કાઝી નુરુલ્લાહ શુસ્તરી (નુરુલ્લાહો મરકદહ)

લેખક: એહકાકુલ હક્ક વ ઇઝહાકુલ બાતીલ

નવા ટેકનોલોજીના યુગમાં આખી દુનિયામાં હકારાત્મક (સારા) સંકેતોની સાથે નકારાત્મક પરિણામો પણ દેખાઈ રહ્યા છે. નવી ટેકનોલોજીની આડઅસરમાંથી એક એ છે કે નવી યુવાપેઢીનું પોતાના આદાબ અને સામાજીક વાતાવરણથી અલગ થઈ જવું અને પોતાની ઓળખાણને ખોઈ બેસવી પણ છે.

હકીકતમાં આ યુવાપેઢી પોતાની જ ઓળખાણથી અપરિચિત થઇ ગઈ છે. જેવી રીતે આપણા મહાન આલિમોમાંથી થોડા આલિમો સિવાય બીજા કોઈ ઓલમાની ઓળખાણ કે તેનાથી પરિચિત નથી અને અગર કોઈનાથી પરીચીત પણ છે તો તે ફક્ત થોડો ઘણો પરિચય હોય છે. એટલે કે તેમની કિતાબના હવાલાથી અથવા કોઈ જગ્યાએ તેમનો ઝીક્ર સાંભળી લે છે તો તેની ઉપરછલ્લી જાણકારી મળી જાય છે. બીજી નકારાત્મક અસર અને પરિણામ એ છે કે ઇલ્મને ફક્ત આર્થિક બાબતો પુરતુ માર્યાદિતકરી દીધું છે. જેના લીધે આજના ઝમાનામાં આલિમો અને બુધ્ધિશાળીઓ માટે આ વાત આશ્ર્ચર્યજનક અને પરેશાનીરુપ છે કે એક આલીમે દીન અડધી રાતે મુશ્કિલ હાલાતોમાં પોતાની અકલ, ફિક્ર અને ઇલ્મના પરિણામને ખુબજ કાળજી અને ખંત દ્વારા તેને કાગળ પર લખે છે. તે પણ એ ખ્યાલ વગર કે જાહેરમાં તેનો પ્રોત્સાહન મળે કે તેનો ફેલાવો થશે કે નહિ, ન ફકત એ કે તેમને કોઈ ઉમ્મીદ કે ઈંતેઝાર નથી હોતો કે તેની આ મેહનત અને લખાણોથી કોઈ દુન્યવી ફાયદો મળશે પરંતુ તેનાથી વધીને પોતે તેના તમામ ખચર્ઓિને પહોંચી વળવા માટે પણ તૈયાર રહે છે.

જ્યારે કે નવી યુવાપેઢીને આવો કોઈ મકસદ કે વિચાર નથી કે એક આલીમ ઘણા બધા વર્ષોની ખાલિસ મેહનતના પછી ઈમામતના મહાન હોદ્દાને જીવંત રાખવા માટે પોતાની જાનને હથેળીમાં રાખી પોતાના પુરા વજુદની સાથે કહે છે કે એક દિવસ અગર આપની વિલાયત મારા માટે જાનની બલા બની જાયતો યા અલી (અ.સ) હું આ બલાને આપની વિલાયતના બદલમાં ખરીદી લઈશ.

કાઝી નુરુલ્લાહ મરઅશી શુસ્તરી ઇલ્મ, જેહાદ અને શહાદત આપનાર મર્દોમાં તેમનો શુમાર થાય છે. એક જવામર્દ કે જેમણે મેદાદે ઓલમાંઅ (ઓલમાંની કલમ)ને દીમાંએ શોહદાઅ (શહીદોના લોહી)થી મેળવી દીધી અને બલ અહયાઅ (હંમેશા જીવંત)નો ગૌરવભર્યો મરતબો મેળવ્યો.

કાઝી નુરુલ્લાહ શુસ્તરી ખાલિસ મુદર્રીસ, મહાન ફકીહ અને કાઝી (ન્યાયધીશ) હતા. અડધી રાતના સમયને દુનિયા અને તેની લઝ્ઝતોથી દુર થઈને કબુલ થવાવાળી ઇબાદતોમાં ગુઝારતા હતા.

આપે લખેલી કિતાબો જેવી કે એહકાકુલ હક્ક, મજાલીસુલ મોઅમેનીન, મસાએબુન્નવાસીબ અને સવારેમુલ મોહર્રેકા વગેરે આજ પણ ઉપલબ્ધ છે. જ્યારે કે આપનાથી કોઈએ આની પ્રકાશન કરવાની કે ફેલાવવાનો વાયદો કર્યો ન હતો પરંતુ ઈતિહાસ ગવાહ છે કે આપની ખુલુસતાની બરકતો અને આપ ઉપર મૌલાની બરકતોને લીધે આપના ઈલ્મની અસરોની ખ્યાતી બાકી છે અને આપણને ખુલુસતાનો બોધ આપે છે અને તમામ લોકોને પૈગામે ઇલાહીની યાદદહાની કરાવે છે.

وَمَن يَتَّقِ اللهَ يَجْعَل لَّهُ مَخْرَجًا

وَيَرْزُقْهُ مِنْ حَيْثُ لَا يَحْتَسِبُ

"જે શખ્સ અલ્લાહથી ડરશે તેના માટે અલ્લાહ છુટકારાનો માર્ગ કરી દેશે અને તેને એવા સ્થળેથી રોઝી પહોંચાડશે કે જ્યાંથી તેને ગુમાન પણ નહિ હોય.

(સુરએ તલાક, આયત 2 અને 3)

કાઝી નુરુલ્લાહ શુસ્તરીએ અડધી રાત્રીઓ સુધી જાગીને અઈમ્માહ (અ.મુ.સ)નાં નુરના પરચમને લહેરાવ્યો હતો કે જેથી પોતાની ફરજ (અલ્લાહની મદદ)ને અદા કરે અને ખુદાએ હકીમે પણ પોતાના મદદના વાયદાને પુરો કર્યો.

يَا أَيُّهَا الَّذِيْنَ آمَنُوْا إِنْ تَنْصُرُوْا اللهَ

يَنْصُرْكُمْ وَيُثَبِّتْ أَقْدَامَكُمْ

"અય ઇમાન લાવનારાઓ ! અગર તમે અલ્લાહ (ના દીન)ની મદદ કરશો તો તે પણ તમારી મદદ કરશે, અને તમારા પગ જમાવી દેશે.

(સુરએ મોહમ્મદ, આયત 7)

અમોએ ઉપરોક્ત વાત જે નવી યુવાપેઢીનાં આદાબ, રીતભાત, સામાજીક વાતાવરણથી અજાણ હોવા વિષે કરી છે તે એ નવી યુવાપેઢી છે કે જે કાઝી નુરુલ્લાહ શુસ્તરી જેવા મહાન આલીમથી અજાણ છે. આપણા હિન્દુસ્તાનમાં આટલા મહાન શહીદની મઝાર (કબ્રે મુબારક) આગ્રામાં છે પરંતુ આપણી નવી પેઢીનું ધ્યાન તેના તરફ નથી. અગર કોઈ થોડા લોકો આ શહીદ આલીમ વિષે જાણે પણ છે તો ફક્ત એટલુજ કે તેમની કબ્રે મુબારક આગ્રામાં છે અને વાર્ષિક મજ્લીસનો પ્રોગ્રામ થાય છે. ત્યાં મુરાદો પૂરી થાય છે. એટલા માટે અમુક લોકો તેમની ઝીયારતે જાય છે.

પરંતુ સંપુર્ણ રીતે નવી યુવાપેઢીને તેના કસુરવાર હોવાનું નહી કહી શકાય પરંતુ થોડી ભૂલ એ આલીમેદીનની પણ છે કે જેઓએ આ મહાન શહીદની ઓળખાણ કરાવવામાં પોતાની ઈલ્મી જવાબદારીઓને બરાબર અંજામ આપી નથી.

જેમકે કાઝી નુરુલ્લાહની ખીદમતો જે બેશુમાર છે. પરંતુ ફક્ત થોડી જ કિતાબોની ઓળખાણ કરાવે છે કે જેને આપણે આંગળીઓના વેઢે ગણી શકીએ કે જે પણ અરબી ભાષામાં અને આ ભાષાની જાણકારી ન હોવાના કારણે આપણી નવી પેઢી કાઝી નુરુલ્લાહ શુસ્તરી (અ.ર.)ની અમુલ્ય ખિદમતોથી અજાણ રહે છે.

શહીદે સાલીસ (અ.ર.)નું ખાનદાન:

આ વિષયની વિગતો માટે અમે આ લખાણ ફયઝુલ એલાહ ફી તરજુમતે કાઝી નુરુલ્લાહમાંથી લખ્યું છે. આ આર્ટીકલ લગભગ 68 વર્ષ પહેલા હિ.સ. 1327 માં મોહક્કીકે ફકીહ મર્હુમ સૈયદ જલાલુદ્દીન મોહદ્દીસે અમ્રવી કુદ્સ સરહનાં હાથે લખાયેલ છે, જે શહીદે સાલીસની કિતાબ અસ્સવારેમુલ મોહર્રેકા ફી નકદે સવાએકુલ મોહર્રેકા નામની કિતાબની પ્રસ્તાવનામાં લખાયેલું છે. આ કિતાબ અરબી ભાષામાં હતી. આથી લોકો આ કીતાબથી ફાયદો મેળવવાથી વંચિત હતા. તેથી લગભગ છ વર્ષ પહેલા સન 1386 શમ્સીમાં (ઈરાની વર્ષ 21 માર્ચથી શરુ થાય છે. ઈરાની વર્ષનો પહેલો મહિનો ફરવરદીન કેહવાય છે. આજ સન 1394 શમ્સી ઈરાની વર્ષ છે એટલે કે 21 માર્ચ 2015થી ઈરાની વર્ષ સન 1394 શમ્સી શરુ થયું છે).

ફાઝીલ મોહક્કીક જનાબ ડોક્ટર આકાએ અબ્દુલ હસન તાલઈ (ખુદા તેમની તૌફીકાતમાં વધારો કરે) તેમણે આ કિતાબ ફારસી ભાષામાં તરજુમો કરવાનો ઈરાદો કર્યો પરંતુ તેમનું સંશોધન અને મહેનત મર્હુમ મોહદ્દીસે અરમુવીના ઈલ્મી માર્ગદર્શન હેઠળ હતી. તે કહે છે કે ડોક્ટર અબ્દુલહમીદ તાલઈની મુલાકાત સન 1991માં પેહલી વાર થઇ. તેમની ઈલ્મી કાબેલીયત અને ખાસ કરીને કિતાબોની ઓળખમાં તેમનું પ્રભુત્વ જોઇને હું ઘણો જ પ્રભાવિત થયો. તેમણે મને ઘણી બધી ફારસી અને અરબી કિતાબોની ઓળખ આપી કે જેમાં ઘણી બધી હદીસો અને રિવાયતોની કિતાબ પણ હતી અને અમુક કિતાબો તેમણે મને ભેટ તરીકે આપી. તેમની કિતાબો અને સંશોધનોનો ઘણો મોટો સિલસિલો છે. અહી તે બધા વિષયો અને કિતાબોનું વર્ણન શક્ય નથી. તેમજ આપ નીચે  મુજબની ઈલ્મી કમિટીઓના સભ્યો પણ છે.

(1) હીયતે ઈલ્મી ગિરોહ કીતાબદારી વ ઇત્તેલ્લાઅ રસાની દાનીશગાહ-કુમ

(2) કમીતે તવલીદે કીતાબ દર પઝોશ્કદહ તાઅલીમ વ તરબીયત

(3) અઝવ્હીયતે મવસીસ વ રઈશ હિયત મદીયરહ અંજુમને કીતાબદારી વ ઇત્તેલાઅ રસાની મશાહખહ ઇસ્નાન કુમ

તારણ એ કે અમે અહી ફયઝુલ એલાહ ફી તરજુમતે કાઝી નુરુલ્લાહનાં ફારસી તરજુમામાંથી કાઝી નુરુલ્લાહ શુસ્તરીનું જીવન ચરિત્ર લખી રહ્યા છીએ.

વંશ:

મોહદ્દીસે અરમુવીએ અલ્લામાં અમીની (અ.ર.)ની કિતાબ શોહદાઉલ ફઝીલહનાં હવાલાથી લખ્યું છે કે અલ્લામાં અમીની (અ.ર.) ફરમાવે છે કે કાઝીનું વંશ આ રીતે છે.

સૈયદ ઝીયાઉદ્દીન કાઝી નુરુલ્લાહ બિન સૈયદ શરીફ બિન નુરુલ્લાહ બિન મોહમ્મદ શાહ બિન મુબરઝદિન મન્ઝત બિન હુસૈન બિન નજમુદ્દીન મોહમ્મદ બિન એહમદ બિન હુસૈન બિન મોહમ્મદ બિન અબી મુફાખર બિન અલી બિન એહમદ બિન અબી તાલિબ બિન ઈબ્રાહીમ બિન યહ્યા બિન હુસૈન બિન મોહમ્મદ બિન અબી અલી બિન હમ્ઝાહ બિન અલી બિન હમ્ઝાહ બિન અલી અલ મરઅરા બિન અબ્દુલ્લાહ બિન મોહમ્મદ (સીયાકનો લકબ ધરાવનાર) બિન અલ્ હસન બિન હુસૈનીલ અસગર બિન અલ્ ઈમામ અલી ઝયનુલ આબેદીન બિન અલ્ ઈમામ હુસૈન બિન અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.).

વિલાદત:

વિલાદતની તારીખ વિષે એટલુ મળે છે કે આપ હિજરી સન 956માં ઈરાનનાં શહેર શુસ્તરમાં પૈદા થયા શુસ્તરને અરબી કિતાબોમાં તુસ્તર લખવામાં આવે છે.

તાઅલીમ (શિક્ષણ):

શરુઆતની તાલીમ ઉલુમે અકલી અને કુરઆન અને હદીસોનું ઇલ્મ તેમણે પોતાના વાલીદથી તેમના વતન શુસ્તરમાં જ લીધુ હતું. આપના ઉસ્તાદોમાં મીર સફીયુદ્દીન અને મીર જલાલુદ્દીન મોહમ્મદ સદ્ર પણ હતા.

મશહદમાં પ્રવેશ:

    લગભગ 23 વર્ષની ઉમ્રમાં હિજરી સન 979માં શુસ્તરથી ઝીયારત માટે અને વધારે ઈલ્મ હાંસિલ કરવા અને તઝકીએ નફસ માટે મશહદે મુકદ્દસે રીઝવી તરફ રવાના થયા અને માહે મુબારકે રમઝાનમાં મશ્હદ પહોચ્યા અને દીનનું ઇલ્મ અને હકાએકની ઊંડી સમજણ માટે કાર્યરત થઇ ગયા.

મશહદમા આપ (અ.ર)એ મશહુર આલીમેદિન મૌલાના અબ્દુલ વાહીદ બિન અલી કુદ્સ સરહનાં દર્સમા શિરકત કરી.

કાઝી નુરુલ્લાહના ફરઝંદ એલાઉલમુલ્કે તેમની કિતાબ મહેફીલે ફીરદોસમાં પોતાના વાલીદના ઉસ્તાદ અબ્દુલ વાહીદનો ઝીક્ર આ રીતે કર્યો છે. અલ મવલલ મોહક્કિક અલ તહરીર વલ બહર અલ ગઝીર અબ્દુલ વાહીદ બિન અલી (કુદ્દ્સ સરરહમાં)ની અકલ તેમજ છેવટ સુધીની મેહનત ફાયદામંદ હતી. તેમજ આપની ફિક્ર બલંદ હતી આપનો નફસ ઇસ્લામની શરીઅત અને કાનૂનોને હાંસીલ કરવા માટે ઇલ્હામથી જોડાયેલ હતો અને આપની ઊંડી સમજણ દરેક અકલોને ચુપ કરી દેતી હતી.

મૌલાના અબ્દુલ વાહીદ સિવાય કાઝી કુદ્સ સરહના બીજા ઉસ્તાદો પણ મશહદમાં હતા, જે આપણને એલાઉલમુલક તેમના પુત્રના લખાણ પરથી જ ખબર પડે છે. તે કહે છે કે આપ (કાઝી નુરુલ્લાહ સાહેબ) સંશોધનકાર મૌલાના અબ્દુલ વાહીદ અને બીજા અલગ અલગ ઉસ્તાદોથી ફાયદો હાસિલ કરતા હતા.

આવી જ રીતે ખુદ પોતે કાઝી સાહેબ મજાલેસુલ મોઅમેનીન નામની પોતાની કિતાબના સાતમાં પ્રકરણના અંતમાં મોહક્કીકે દવાનીની ઝીંદગી અને તેના લખાણોનો ઝીક્ર કયર્િ પછી ફરમાવે છે કે

આ તમામ ઉપરોક્ત કાર્યો જે તેમની (મોહક્કીકે દવાની) કલમનાં કારણે છે, જે મારા ઉસ્તાદો કે જેમની લાંબા સમય સુધી મેં એમની શાગીર્દીમા ગુઝારી છે તેમના કારણે છે.

ખુલાસો:

કાઝી સાહેબના બીજા ઉસ્તાદ મોહક્કીકે દવાનીના શાગીર્દોના શાગિર્દમાંથી છે. આપે મૌલાના અબ્દુલ વાહીદથી ફીકહ, ઉસુલ, કલામ, હદીસ અને તફસીરનું ઇલ્મ હાસિલ કર્યું. મોહમ્મદ અદીબ કારી શુસ્તરીથી મશહદમાં જ અદબીય્યાતે અરબ અને કુરઆને કરીમની તાલીમ લીધી હતી. આ દરમ્યાન આપને બુઝુર્ગ ઓલમાંઅથી ઈજાઝાએ રિવાયત મળી ગઈ હતી. ખાસ કરીને આપને મૌલા અબ્દુલ રશીદ બિન ખ્વાજાનુરુદ્દીન તબીબ શુસ્તરીથી આપે ઈજાઝાએ રિવાયત હાસિલ કર્યો. ખ્વાજા નુરુદ્દીનની મશહુર કિતાબ મજાલેસુલ ઈમામીયાહ છે.

કાઝી નુરુલ્લાહની હિન્દુસ્તાન તરફ હિજરત:

બાર વર્ષ મશહદે મુકદ્દસમાં તાલીમ અને તરબીયત પુર્ણ કયર્િ પછી શવ્વાલ મહિનાની શરુઆતમાં હિજરી સન 992માં આપ હિન્દુસ્તાન તરફ હિજરત માટે નીકળ્યા. મશહુર એ છે કે આપ હિન્દુસ્તાનમાં સીધા દરબારે અકબરમાં પહોચ્યા. અમુક લોકોએ આપની હિજરતનું અસલ કારણ એવું બયાન કર્યું છે કે તે સમયે મશહદમાં સતત મુસીબતો, દર્દનાક બનાવો, બગાવતો અને ઇન્કેલાબાતોનું થવુ અને તે સમયે હિન્દુસ્તાનમાં મોગલ બાદશાહ અકબરનો સમય હતો. અને તેને શાંતિ અને સલામતીનો સમય માનવામાં આવતો હતો. આથી આપે એહલેબૈત (અ.મુ.સ)નું ઇલ્મ અને શિય્યતની પ્રચાર માટે આ ઝમીનને પોતાની હંમેશાની રહેવાની જગ્યા કરાર દીધી.

ઈતિહાસ તે વાતની ગવાહી આપે છે કે અકબરના દરબારમાં ઘણાબધા શિઆઓ મોટા મોટા ઓહદાઓ પર હતા અને અકબરથી ઘણાબધા નઝદીક હતા તેમાંથી બીરમમખાન, અલીકલીખાન, મીર મુર્તઝા શીરફી, હુસૈન ખાન ટકરયહ, શૈખ મુબારકલ્લાહ, અબુલ ફઝલ, ફૈઝી, હકીમ અબુલ ફતહ ગીલાની અને ફતહુલ્લાહ શીરાઝી હકીમ અબુલ ફઝલ હિજરી સન 983માં હિન્દુસ્તાન આવ્યા હતા અને અકબરના નજીકના વર્તુળ માંહેના માણસ બની ગયા હતા.

ઉપર બતાવેલા નામોમાંથી ફતહુલ્લાહ શીરાઝી અને હકીમ અબુલ ફતહ ગીલાનીએ કાઝી નુરુલ્લાહની ઓળખ અને પરિચય બાદશાહ અકબરથી કરાવ્યો. તે સમયે અકબર લાહોરમાં હતો બે વર્ષ પછી આપ અકબરના હુકમથી કાઝીયુલ કઝાત મુખ્ય ન્યાયધીશનાં ઓહદા ઉપર આવ્યા હતા પરંતુ આપે આ ઓહ્દાને આ શર્તની સાથે કબુલ કર્યો

ન્યાયધીશનાં ઓહદા માટેની શર્ત:

આપે અકબરથી કહ્યું કે હું આ ઓહદોએ શરતની સાથે સ્વીકારીશ કે હું ખુદ પોતાની નઝરીયાત અને દલીલો ધરાવું છું તેમજ હું મસાએલ માટે ચારો ફીકહ (હનફી, શાફેઈ, માલીકી અને હમ્બલી ફિકહ)નો કૈદી નથી સમજતો પરંતુ હું આ ચારે ફીકહની બહારનો ફેંસલો નહિ આપું. આ ચારેય ફીકહ ઉપરથી નતીજો મેળવીને પછી ફેંસલો આપીશ. (કોઈ એક ફિકહ મુજબ ફેંસલો નહિ કરું)

બાદશાહે આ શર્ત કબુલ રાખી જ્યારે કે કાઝી નુરુલ્લાહ મઝ્હબે ઈમામીયા મુજબ જ ચુકાદો કરતા હતા, જ્યારે લોકો તેમના ચુકાદા ઉપર એઅતેરાઝ (વાંધો) કરતા તો આપ તેમને આ ચાર ફિકહમાંથી કોઈ એક ફિકહની રોશનીમાં ચુકાદાને સમજાવી દેતા. આવી રીતે પક્ષપાતી અને હસદ કરનારાઓનું શર્મની સાથે મોઢું બંધ થઇ જતું પરંતુ તેઓના પક્ષપાતી વલણ અને હસદમાં વધારો થતો ગયો પરંતુ અકબરના ઝમાનામાં પક્ષપાતી અને હસદખોરોનું કઈ ન ચાલ્યું. તેમની દાળ ન ગળી અને તેમના ષડયંત્રો નાકામ થઇ ગયા અને તે લોકો કાઝી નુરુલ્લાહને કોઈ નુકસાન ન પહોચાડી શક્યા, ત્યાં સુધી કે અકબર મરી ગયો અને તેનો દીકરો નુરુદ્દીન જહાંગીર તખ્ત પર આવ્યો અને તે બાદશાહ બન્યો. જહાંગીરને શહેઝાદાએ સલીમ પણ કહેવામાં આવે છે. સલીમ ચિશ્તી જહાંગીરનો સલાહકાર હતો. પરંતુ અમુક રિવાયતો મુજબ સલીમ ચિશ્તીની દોઆના કારણે જ જહાંગીર પૈદા થયો હતો અને તેના નામ પરથી જ સલીમ નામ રાખવામાં આવ્યું  હતું.

ખુલાસો:

અકબરની રાજધાની લાહોરમાં હતી પરંતુ હિજરી સન 981માં તેમણે દિલ્હીની નજીક યમુના નદીના કિનારે નવું શહેર વસાવ્યું, જેમનું નામ અકબરાબાદ રાખવામાં આવ્યું અને તેને જ પોતાની રાજધાની કરાર દીધી. પછીથી આ શહેરનું નામ આગ્રા થયું, જે આજ સુધી આ જ નામ છે. જૂની કિતાબોમાં કાઝી નુરુલ્લાહ શુસ્તરીનું દફનનું સ્થળ અકબરાબાદ લખવામાં આવ્યું છે.

દોસ્તોની મૌત અને મદદગારોનુ ચાલ્યું જવું:

કાઝી નુરુલ્લાહ પોતાના અમુક દોસ્તો અને ચાહવાવાળા અને બાદશાહોના વફાદાર લોકોના ઇન્તેકાલ અને પોતાના મદદગારોની કમીના કારણે બેસુકુન અને વ્યાકુળ હતા અને તે કોશિશમાં હતા કે ઈરાન પરત ચાલ્યા જાય પરંતુ તેમની આ કોશિશ કામ્યાબ ન થઈ. હકીમ અબ્દુલ ગીલાનીનો ઇન્તેકાલ પણ અકબર બાદશાહના આખરી ઝમાનામાં થઇ ગયો હતો. આથી આપ એકલા થઇ ગયા હતા. જહાંગીરના સમયકાળમાં અમુક પક્ષપાતી સુન્નીઓ કે જે આપનાથી દુશ્મની રાખતા હતા, તે લોકોની દુશ્મનીના કારણે આપનું જીવન સખ્ત થઇ ગયું હતું. આ વિષે ખુદ કાઝી નુરુલ્લાહનું બયાન ધ્યાન આપવા લાયક છે કે ઓલમાએ એહલે સુન્નત તેમની જુની પરંપરા મુજબ હાકીમને (રાજાને) બીજાના વિરુદ્ધ બહેકાવતા અને તેમાં ખાસ કરીને શિઆ આલિમોની વિરુદ્ધ ઘણી સખ્ત રીતે હાકીમોને બહેકાવતા. આથી આપ ફરમાવતા કે અમુક એહલે સુન્નતની દરમિયાન રીવાજ હતો કે જયારે હદીસ અને મોઅજીઝનુમા વાતના મતલબની સામે આજીઝ અને લાજવાબ થઇ જતા.

أَلَمْ تَرَ إِلَى الَّذِيْ حَاجَّ إِبْرَاهِيْمَ فِي رَبِّهِ أَنْ آتَاهُ اللهُ الْمُلْكَ إِذْ قَالَ إِبْرَاهِيْمُ رَبِّيَ الَّذِيْ يُحْيِيْ وَيُمِيْتُ قَالَ أَنَا أُحْيِيْ وَأُمِيْتُ ۖ قَالَ إِبْرَاهِيْمُ فَإِنَّ اللهَ يَأْتِيْ بِالشَّمْسِ مِنَ الْمَشْرِقِ فَأْتِ بِهَا مِنَ الْمَغْرِبِ فَبُهِتَ الَّذِيْ كَفَرَ ۗ وَاللهُ لَا يَهْدِيْ الْقَوْمَ الظَّالِمِيْنَ

"(અય રસૂલ!) શું તમે (નમરુદ)ની સ્થિતિ ઉપર નજર નથી નાખી જેણે ઈબ્રાહીમ સાથે તેના પરવરદિગાર સબંધી દુરાગ્રહ કર્યો એટલા માટે કે તે (નમરુદને) અલ્લાહે સલ્તનત આપી હતી. જયારે ઈબ્રાહીમે કહ્યું કે મારો પરવરદિગાર તે છે જે જીવાડે છે અને મારે (પણ) છે (ત્યારે) તેણે કહ્યું કે હું પણ જીવાડુ છું અને માં છું, (પછી) ઈબ્રાહીમે કહ્યું કે નિસંશય અલ્લાહ સૂયર્ને પૂર્વ બાજુએથી ઉગાડે છે (તો) તું તેને પશ્ર્ચિમ બાજુએથી ઉગાડ, આથી તે નાસ્તિક ગૂંચવાડામાં પડયો અને અલ્લાહ ઝુલમગાર લોકોને માર્ગ દેખાડતો નથી.

(સુરએ બકરહ, આયત: 257)

અને જયારે હદીસ અને મોઅજીઝાના અર્થની સામે પોતાના જુઠ્ઠા દ્રષ્ટાંતો ખોટા સાબિત થતા ત્યારે દુશ્મનો જવાબ આપી શકતા ન હતા અને ઈલ્મની રોશનીમાં કોઈ પ્રશ્નનો ઉકેલ ન લાવી શકતા તો તલ્વાર, લાકડી અને કલમતરાશી વડે તેમનાથી વાદ-વિવાદ કરતા અને તેમાં પણ હારનો સામનો કરવો પડે તો તેના પર તોહમત લગાવતા અને હાકીમને તેના વિરુદ્ધ કાન ભંભેરણી કરતા અને આ કાર્યમાં પણ સફળ ન થાય તો તેના મૌતની તમન્ના કરતા.

હસદખોરો હંમેશા કોશિશમાં રહેતા કે કોઈ પણ રીતે કાઝી નુરુલ્લાહનું શિઆ હોવું સાબિત થઇ જાય. આથી એ લોકો અલગ અલગ પ્રકારના પ્રશ્નો કરતા. ઇતિહાસમાં ઘણા બધા પ્રસંગો મૌજુદ છે.

(1) મુફ્તિઓએ એક દિવસ સાંભળ્યું કે કાઝીએ અલી (અ.સ.) માટે અસ્સલાતો વસલ્લમ શબ્દ વાપર્યો છે આથી તે લોકોએ તેને બિદઅત કહ્યું અને કહ્યું કે આ વાક્ય (અસ્સલાતો વસલ્લમ) રસુલે ખુદા (સ.અ.વ.) માટે જ ખાસ છે અને આ રીતે આપના ખૂનને હલાલ હોવાનો ફતવો જાહેર કર્યો. બધાએ આ ફતવા પર સહી કરી દીધી અને અકબરની પાસે મોકલ્યો. બધાએ સહીઓ કરી હતી પરંતુ એક મુફ્તીએ સહી કરી ન હતી અને આ ફતવાનો વિરોધ કર્યો અને એક શેઅર લખીને અકબરની પાસે મોકલ્યો.

અગર લહમોક લહમી આ હદીસે નબવી છે તો પછી સલ્લે અલા વિના નામે અલી બે    અદબી છે.

(એહકાકુલ હકક આયતુલ્લાહ શાહબુદ્દીન નજફીની ઓળખાણ અને પ્રસ્તાવના શહીદ કાઝીનું જીવન માંથી ભાગ-1 પેજ: 159)

અકબર પર આ શેઅરની એવી અસર થઇ કે તે કાઝીના કત્લથી ફક્ત દુર જ ન રહ્યો, બલ્કે તેના દિલમાં કાઝી પ્રત્યે મોહબ્બત વધી ગઈ.

અકબરના દરબારમાં અસંખ્ય ઈલ્મી વાકેઆતો પેશ આવ્યા અને આ વાકેઆતોના મરકઝ કાઝી નુરુલ્લાહ હતા. અઈમ્માહ (અ.મુ.સ)ની મદદથી આપે શિઆ અકાએદને ખુબ મશ્હુર કર્યા

આપની હોશિયારી અને સમજણનો એક વધુ વાકેઓ જોઈએ:

(2) ચલબી તબ્રઝી જે ખાક્યા કબીલામાંથી હતા અને હિન્દુસ્તાનમાં ફઝલના નામે ઓળખાતા હતા અને તેમનો લકબ અલામી હતો તેને તનાહી અબઆદ (તનાહી અબઆદ: ફિલોસોફી ચચર્ઓિમાંથી એક છે ફિલોસોફીના પ્રમાણેની આ ચર્ચાછે, તેની હકીકત કાંઈ નથી. કાઝી સાહેબે આ બહસને રદ્દ કરી છે) આ બહસ વિષે દલીલ કાએમ કરી હતી. તેમના અમુક વિદ્યાર્થીઓ આ ચચર્નિો જવાબ મેળવવા આ લખાણને કાઝી નુરુલ્લાહ પાસે લાવ્યા. કાઝી નુરુલ્લાહે આ લખાણ વાંચ્યું અને તેની ઉપર લખ્યું اجلاف અમુક બેવકૂફ ખાલી દિમાગ (કમ અકલ) કહેવાય છે. જ્યારે આ લખાણ તબ્રઝીની પાસે પહોચ્યું તો તે જવાબ ન આપી શક્યા અને પરેશાનીની હાલતમાં બાદશાહની પાસે આવ્યા અને કહ્યું મીર નુરુલ્લાહે મને અજ્લાફ (મુર્ખ) કહ્યો છે અને જ્યારે જનાબ મીર અકબરના દરબારમાં આવ્યા તો તેમને કહ્યું લોકોની ઝબાન ઉપર એવું છે કે તમને શું થયું કે તમે ચલબી તબ્રીને અજ્લાફ લખી નાખ્યા છે.

કાઝી નુરુલ્લાહ સાહેબે જવાબ આપ્યો કે મેં તેમને ઇખ્લાફ اخلاف (જાનશીન / પછી આવનાર) લખ્યું છે, પણ તેમણે ખે ને બદલે જીમ પડ્યો છે.

આવી ચર્ચાઓ અને ઈલ્મી વાદવિવાદ ઇતિહાસમાં મૌજુદ છે.

કાઝી નુરુલ્લાહ સાહેબના પ્રકાશનો (કિતાબો):

સફ્વી હુકુમતના સમયમાં આપનો શુમાર મહાન આલીમોમાં થતો હતો. આપ શૈખ બહાઈ (ર.અ.)ના સમકાલીન હતા કે જેમનો શુમાર બહુજ બુદ્ધિશાળી લોકોમાં થતો હતો.

આપની કિતાબોની સંખ્યા લગભગ 140 કિતાબ, સામયિકો અને નોંધ (ફુટનોટ)ના સ્વરુપે મૌજુદ છે અથવા બીજા આલીમોની કિતાબોમાં મૌજુદ છે.

આપ શાયરીનો શોખ પણ ધરાવતા હતા અને નઝમ અને તેના દરેક પ્રકારોનાં બારામાં નિપુણતા ધરાવતા હતા. આપના અશઆરના કલામ પણ મૌજુદ છે આપનું ઉપનામ નુરી હતું. આપ અરબી અને ફારસી બંને ભાષાઓમાં શેર કહેતા. આપની મશહુર કિતાબોમાંથી આ ચાર કિતાબ બહુજ મશહુર છે (1) એહકાકુલ હકક (2) મજાલીસુલ મોઅમેનીન (3) અલ સવારેમુલ મોહર્રેકા (4) મસાએબુન્ નવાસીબ

અલ્લામાં અમીની (ર.અ.)એ તેમની કિતાબ શોહદા વલ ફઝીલતમાં લગભગ એકસો કરતા વધુ આર્ટીકલો અને ફુટનોટનો ઉલ્લેખ કર્યો છે અને તેવી જ રીતે આયતુલ્લાહ સૈયદ શાહબુદ્દીન હુસૈની મરઅશી નજફી એ એહકાકુલ હક્કના ત્રીજા ભાગની પ્રસ્તાવનાની ફુટનોટમાં હયાતે કાઝી શહીદના નીચે મુઝાતહ વ મવલુકાતહનાં શીર્ષક નીચે  140 કિતાબોનો ઉલ્લેખ કર્યો છે. અમે તેમાંથી અમુક કિતાબોના નામ અહી લખીએ છીએ.

ઉપરોક્ત ચાર કિતાબો સિવાય ઇખ્વાતો મસાએલ સૈયદ હસન ગઝનવી, અલ્ઝામ અલ્નાસીબ ફી રદ્દે અલા અલ મિરઝા મખદુમશશરીફી, અલકામ અલ હિજરની અલ રદ અલ ઇબ્ને અલ હજર, બેહરુલ ગદીર ફી અસબાત તવાતર હદીસ અલ ગદીર તફ્સીરે કુરઆન કિતાબ ફી તફ્સીરે આયાત રુવયા હાસીયા અલ તહઝીબુલ એહકામ લીલ શૈખે તુસી, હાશીયાતો અલા ક્ધઝુલ ઈરફાન લીલ્ફાઝીલ અલ મીક્દાદ ફી આયાતીલ અહકામ, હાશીયતો અલ મબહસ અઝાબ અલ કબ્ર મીન શરહે કવાએદ અલ અકાએદ, હાશીયતો અલ હિદાયતે ફીલ ફીકહ અલ હનફી હાશીયતો અલા શર્હે અલ વેકાયત ફિલ ફિકહે, અલ હનફી દલાએલ શીયઅત ફિલ ઇમામત (ફારસી) દીવાનુલ કસાએદ દીવાનુલ શઅર, રિસાલાતો તફસીર ફિલ આયાતે ઇન્નમલ મુશરીકૂન નજસુન રીસાલાતો ફી રદ્દે શીયઅતે ફી તહકીકીલ ઈલ્મે ઇલાહી અલ લમએતો ફી સલ્લાતીલ જુમાહ અલ સહાબો અલ મતીર ફી તફ્સીરે આયાતે તતહીર શર્હે દોઆએ સબાહ વલ મસાઅ લે અલી (અ.સ.) (ફારસી) અલ શર્હે અલા સહીફતે કામેલાહ (સંપૂર્ણ નથી) અલ તઅલ્લીકતે અલ રવ્ઝાતુલ કાફી. વધુ કિતાબોના નામ માટે એહકાકુલ હક્કની પ્રસ્તાવના વાંચે.

ઔલાદ:

આપના પાંચ દીકરા હતા અને પાંચેય દીકરા આલીમ, બુધ્ધિશાળી, શાએરે નબીલ અને હોશિયાર હતા.

1) અલ્લામાં સૈયદ મોહમ્મદ યુસુફ બિન નુરુલ્લાહ અલ્હુસૈની કે જેમણે પોતાના પિતા અને બીજા ઉસ્તાદો પાસેથી ઇલ્મ હાસિલ કર્યું.

2) સૈયદ અલ્લામા શરીફુદ્દીન બિન નુરુલ્લાહ આપ આપના ઝમાનાના પ્રખ્યાત આલિમોમાંથી હતા.

19 રબીઉલ અવ્વલ હિજરી સન 992 અને રવિવાર ના દિવસે આપની વિલાદત થઈ.

પોતાના વાલીદથી ઈલ્મે હદીસ અને તફ્સીર અને ઈલ્મે કલામ શીખ્યા. મૌલાના અબ્દુલ્લાહ શુસ્તરીથી ઈલ્મે હદીસ અને શૈખ બહાઈથી ફીકહ સૈયદ તકીયુંદ્દીન અલ નસાબાહ શીરાઝીથી ઉસુલ અને ફિકહ સૈયદ મિઝર્િ ઈબ્રાહિમે હમ્દાનીથી ઇલ્મે મઆકુલ અને ઈલ્મે ઈરફાન હાસિલ કર્યું. આપના લખાણો આ મુજબ છે. હાશીયાહ અલ શર્હે અલ મુખ્તસર લીલ અઝદી અને ફુટનોટ અલ તફસીર અલ બય્ઝાવી અને  હાશીયાહ અલ શર્હે અલ મતાલેઅ અન રીસાલાતો ફી ગુલ્સીયાત અલ ઓલુમ આપની વફાત જુમ્આના દિવસે 5 રબીઉલ આખર હિજરી સન 1020 આગ્રામાં થઇ અને ત્યાજ દફન થયા.

3) સૈયદ અલ્લામાં અલમલક બિન નુરુલ્લાહ પોતાના ઝમાનાના શ્રેષ્ઠ વ્યક્તિઓમાંથી હતા. ફીકહી, મોહદદીસ, ઇતિહાસકાર, ફિલોસોફર, વક્તા, શાએર હતા. પોતાના વાલીદથી અને બીજા આલિમોથી ઇલ્મ હાસિલ કર્યું. આપની પણ કિતાબો અને સંકલન છે. કિતાબ અન્વારુલ હોદા ફીલ ઈલાહીયાત અલ સેરાત અલ વસિત ફી અસ્બાતુલ વાજિબ મહફીલે ફિરદોસ (આ કિતાબમાં તેમને પોતાના ખાનદાનના હાલાત અને અમુક આલિમોની ઝીંદગી વિષે લખ્યું છે. આ લેખમાં પણ અમે અમુક માહિતી તેમાંથી અન્ય સ્ત્રોત દ્વારા લીધી છે) અલ મહઝુબ ફિલ મંતિક સાહિબે સુબહે ગુલશનના પેજ 290 કે જે ભોપાલથી પ્રકાશિત થયેલ છે કે આ મહાન સૈયદને સુલતાન શાહજહાએ પોતાના દીકરા મોહમ્મદ શુજાઅના માટે મોઅલ્લીમ નક્કી કયર્િ હતા.

1) મોગલ બાદશાહના ઈતિહાસ ઉપર ધ્યાન દેવાથી ખબર પડે છે કે આ સલ્તનતના ઉચ્ચ હોદાઓ ઉપર અસંખ્ય શીઆઓના નામ શામિલ છે. કાઝી નુરુલ્લાહની જેમ તેમના દીકરાઓનો પણ પ્રભાવ હતો. મશહુર છે કે શાહશુજાઅના દરબારમાં ઘણા બધા ઈરાની આલિમો અને શાએરો મૌજુદ હતા. અબુલ મઆલી અલાઅલમુલક અને અલાઉદ્દીન કે જે કાઝી નુરુલ્લાહનાં ફરઝંદ હતા તે પણ શામિલ હતા. અલાઉલમુલ્ક એ શાહશુજાઅના ઉસ્તાદ હતા તેમની માતા મુમતાઝ કે જેના નામે તાજમહલ છે તે શિઆ હતી. મોગલોના મહેલોમાં શિઆ અકીદાઓ ધરાવનારા ઘણા બધા હતા અને શાહી ઔરતો પણ શિઆ અકીદાને માનનારી હતી અને ઈરાની ઔરતો ચારે તરફ ફેલાયેલી હતી. રાણી નુરજહાં (મેરુન્નીસા) જહાંગીરની પત્ની પણ શિઆ હતી. મુમતાઝ મહલ નુરજહાંની ભત્રીજી હતી.

4) સૈયદ અબુ અલ મઆલી બિન નુરુલ્લાહ એક હુશિયાર અને પવિત્ર ચારિત્ર્યવાળા આલીમ હતા. 3 ઝીલ્કાદ હિજરી સન 1004 અને જુમેરાતનાં દિવસે આપની વિલાદત થઇ અને રબીઉલ આખર હિજરી સન 1046માં આપની વફાત થઇ. આપે આપના ભાઈ અને મૌલા હસન શુસ્તરી અને સૈયદ મોહમ્મદ કાશ્મીરી વિગેરેથી ઇલ્મ હાસિલ કર્યું. આપની કિતાબો અને સંકલનમાં મોઅઝલાતુલ ઓલુમ, રીસાલાતો ફી નફી રોયત તઆલા, રીસાલતો ફીલ જબ્ર વ તફ્વીઝ, તઅલીકત અલા તફ્સીરુલ બય્ઝાવી, કિતાબો ફી શર્હ અલ્ફય્ત અલ નહવ

5) સૈયદ અલાઉદ્દદોઅલા રુલ્હ બિન કાઝી નુરુલ્લાહ એક અકલમંદ અને હોશિયાર શાએર હતા. 4 રબીઉલ અવ્વલ હિજરી 1012 હિન્દુસ્તાનમાં પૈદા થયા અને તેમને તેમના ભાઇઓથી અને મૌલાના મોહમ્મદ હિન્દીથી તેમણે ઉચ્ચ પ્રકારનું ઇલ્મ હાસિલ કર્યું. આપની પણ કિતાબો અને સંકલનમાં કિતાબ અલ બવારીકુલ હાફઝીય્યાહ વ રવાએદુલ આસેફાહ ફી અલરદ્દે અલા સવાએકુલ મોહર્રેકા, હાશીયાહ અલા શરહે અલ લુમઅહ, હાશીયાહ અલા અલમદારેક, હાશીયાહ અલા તફ્સીરુલ કાઝી, દીવાન શેઅર વિગેરે.

(એહકાકુલ હક્ક મઅ તાઅલીકાત પ્રસ્તાવના પેજ.100 થી 111)

શહાદત સમયની રીત:

આપની શહદાતમાં કોઈ ઇખ્તેલાફ નથી પરંતુ શહાદતની રીત સબંધે થોડો ઇખ્તેલાફ છે આપણા તમામ મહાન ઓલમાઓ જેમકે શૈખ અબ્બાસ કુમ્મી (ર.અ.), મોહદ્દીસે નુરી (અ.ર.), અલ્લામાં સૈયદ એજાઝહુસૈન મુફ્તી મોહમ્મદ કલી (અ.ર.) (સૈયદ એજાઝ અને હામીદ હુસૈન સાહેબ અબકાતુલ અનવાર બંને સગા ભાઈઓ છે અમુક લોકોનું કેહવું છે કે સૈયદ એજાઝ ઇલ્મની દ્રષ્ટિએ સૈયદ હામીદ હુસૈનથી વધુ અગ્રણી હતા આપના પિતાએ તેમને લાઈબ્રેરીનાં સરપરસ્ત મુકરર કયર્િ હતા.), મૌલવી સૈયદ હામીદ હુસૈન ઇબ્ને મુફ્તી મોહમ્મદ કુલી, શૈખ હુર્રે આમેલી (અ.ર.), અલ્લામાં મુઝફ્ફર આકા બુઝુર્ગ તેહરાની, મોહમ્મદ તકી મજ્લીસી અલ્લામાં મજ્લીસીના પિતા, સૈયદ શાહબુદ્દીન મરઅશી આ સિવાયના બીજા અસંખ્ય ઓલમાએ હિન્દુસ્તાન અને ઈરાક અને ઈરાને આપની શહાદતનો ઝીક્ર કર્યો છે. ત્યાં સુધી કે સુન્ની ઓલમાએ પણ આપની મઝલુમીય્યતભરી શહાદતનુ વર્ણન કર્યું છે. અમે અહી સંશોધનની રોશનીમાં શહાદતની રીતને તે રજુ કરીએ છીએ.

શહાદતનો પ્રસંગ એ મુજબ છે કે એ સમયે જહાંગીર રાજગાદી પર આવ્યો, તે સમયે કાઝી નુરુલ્લાહ ઓહદએ કાઝી (ન્યાયધીશ) ઉપર ફાએઝ હતા. વિરોધી ઓલમાઓને અને પક્ષપાતી આલીમોને કાઝી સાહેબનું શિઆ હોવું ખબર હતી અને તે લોકો બાદશાહોને વારંવાર ચુગલી (ચાડી) કરતા હતા કે આ શિઆ છે અને તે કોઈ મઝહબ (હનફી, શાફેઈ, માલીકી, હમ્બલી)ને અનુસરતા નથી અને તે ઈમામીયા મઝહબના પ્રમાણે ફતવાઓ આપે છે. બાદશાહે કહ્યું તેમને પહેલા શરત મૂકી હતી કે તે આ ચાર મઝહબમાંથી કોઈનાં સંપૂર્ણપણે પાબંદ નહિ રહે. તેઓ તેના સંશોધનના પ્રમાણે ફતવો આપશે. હવે પક્ષપાતીઓ એ ફિક્રમાં હતા કે ગમે તેમ કરીને તેમનું શિઆ હોવું સાબિત થઇ થઇ જાય. આથી ઇબ્ને ઝ્યાદ જેવી યોજના શૈતાને વિરોધી આલીમોને બતાવી અને એક ખબીસને આપની પાસે મોકલવામાં આવે અને પોતાને શિઆ તરીકે ઓળખાવે અને તેમણે લખેલી કોઈ કિતાબ લાવે અને એવુ જ થયું તે શખ્સ કાઝી નુરુલ્લાહના વિદ્યાર્થીઓમાં શામિલ થઇ ગયો અને પોતાની જાતને શિઆ તરીકે ઓળખાવા લાગ્યો અને એક લાંબા સમય સુધી તેમની પાસે રહ્યો ત્યાં સુધી કે કાઝી નુરુલ્લાહને તેમની પર ભરોસો આવી ગયો. એક દિવસ તેમને બહુ જ ખુશામત કરીને આપની લખેલી કિતાબ મજાલીસુલ મોઅમેનીન મેળવી લીધી અને પછી તેણે આ કિતાબ વિરોધી આલિમો અને મુફ્તિઓને પહોચાડી દીધી. આ લોકોએ આ કિતાબ બાદશાહ સુધી પહોચાડી અને કહ્યું કે આ કિતાબ આ રાફ્ઝીએ લખી છે અને તેમને સજા મળવી જોઈએ. બાદશાહે પૂછ્યું કે સજા શું હોવી જોઈએ? આ લોકોએ કહ્યું કે તેમને તાઝીયાનાથી (ચાબુકથી) મારવા જોઈએ. બાદશાહે આ કામને તેજ લોકોના હવાલે કરી દીધું. આ લોકોએ બહુજ જલ્દીથી આ હુકમ ઉપર અમલ કર્યો. એક કાંટાળો ચાબુક બનાવવામાં આવ્યો અને તેનાથી એટલું બધું મારવામાં આવ્યું કે આપના બદનનું બધુ જ ગોશ્ત ટુકડા ટુકડા થઇ ગયું અને આપ એ જ હાલતમાં શહીદ થઇ ગયા અને આપના જદ સૈયદુશશોહદા અબી અબ્દીલ્લાહ (અ.સ.)થી જઈને મળી ગયા. અમુક રિવાયાતોના પ્રમાણે આપના કપડાને શરીર પરથી ઉતારી લીધા હતા અને તાંબા અથવા લોઢાને પિગળાવીને આપના સર-મુબારક પર નાખવામાં આવ્યું ત્યાં સુધી કે આપના માથાના હાડકામાંથી હાડકાનો રસ થઈને બહાર આવ્યો અને આપની શહાદત થઇ ગઈ.

(એહકાકુલ હક્ક પ્રસ્તાવનામાંથી મઅ તઅલીકાત 158, 159)

શહાદતની તારીખ:

નીચે મુજબ નો શેર પરથી આપની તારીખે શહાદત ખબર પડે છે.

અફજદના કાયદા મુજબ અફ્ઝાલુલ એબાદ બરાબર 1019 થાય છે

અને તેજ રીતે કેહવાય છે કે સૈયદ નુરુલ્લાહ શહીદ = 1019

26 રબીઉલ આખર હિજરી 1019ની અર્ધી રાત્રે આપની શહાદત 64 વર્ષની ઉમરે થઈ.