અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
તમામ લોકો ઉપર અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની ફઝીલત

તમામ લોકો ઉપર અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની ફઝીલત

મોઅતબર સુન્ની કિતાબોમાંથી અલી (અ.સ.)ની અફઝલીયતના 10 પુરાવાઓ.

ઈમામ અહેમદ ઈબ્ને હમ્બલ કહે છે “અલી (અ.સ.)ની જેટલી ફઝીલતો બયાન થઈ છે તેવી કોઈપણ સહાબીની ફઝીલત બયાન થઈ નથી.”

પ્રથમ પુરાવો: તેઓ પ્રથમ મુસલમાન પુરૂષ હતા.

મશ્હુર ઈતિહાસકાર ઈબ્ને હિશામ લખે છે: રસુલે અકરમ (સ.અ.વ.) ઉપર પ્રથમ ઈમાન લાવનાર અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) હતા અને તેઓ આપ (સ.અ.વ.) પાછળ નમાઝ પઢતા હતા જ્યારે કે તેઓની ઉમ્ર મુબારક ફકત 10 વર્ષ હતી. (સીરતે ઈબ્ને હિશા, ભાગ-1, પા. 245)

મશ્હુર ઈતિહાસકાર તબરી લખે છે: ‘સૌથી પ્રથમ 3 વ્યકિતઓ જેઓએ નમાઝ પઢી તેઓ મોહમ્મદ (સ.અ.વ.), જ. ખદીજા (સ.અ.) અને અલી (અ.સ.) છે. (તારીખે તબરી, બહાગ-2, પા. 65)

 

પવિત્ર પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.)એ તેમની પુત્રી જ. ફાતેમા (સ.અ.)ને ફરમાવ્યું: ‘મેં તમારી શાદી ઉમ્મતના શ્રેષ્ઠ વ્યકિત સાથે કરી છે, તેઓ ઉમ્મતના સૌથી શ્રેષ્ઠ આલીમ છે, તેઓ શ્રેષ્ઠ સબ્ર કરનારા છે અને ઉમ્મતના પ્રથમ મુસલમાન છે.’ (ક્ન્ઝુલ ઉમ્માલ, મુત્તકી અલ હીન્દી, ભાગ-6, પા. 398)

બીજો પુરાવો: પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના જાનશીન અને વસી

નબુવ્વતની શરૂઆતથી જ તેમને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના જાનશીન અને વસી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

નબુવ્વતની શરૂઆતમાંજ રસુલે અકરમ (સ.અ.વ.) એ એક ખુત્બામાં ફરમાવ્યું: (જ. અબુ તાલિબ (અ.સ.)ના ઘરે દાવતે ઝુલઅશીરામાં) “તમારામાંથી કોણ છે કે જે આ અમ્ર (નબુવ્વત)માં મારી મદદ કરે અને તે મારો ભાઈ, મારો વઝીર અને મારો જાનશીન (ખલીફા) બને?

બધા સાંભળનારા ખામોશ રહ્યા સિવાય કે અલી (અ.સ.) કે જેઓ તેઓમાંથી સૌથી નાના હતા. અલી (અ.સ.) એ આ રીતે જવાબ આપ્યો: “હું તમારી મદદ કરીશ અય અલ્લાહના રસુલ.”

રસુલે અકરમ (સ.અ.વ.)એ ત્યારબાદ પોતાનો હાથ અલી (અ.સ.)ની ગરદન પાછળ રાખ્યો અને ફરમાવ્યું: “આ મારા ભાઈ, મારા વસી અને મારા જાનશીન છે. તેથી તેને સાંભળો અને તેમની ઈતાઅત કરો.”

આ હદીસ સહીહ છે કે જેને ઘણા સુન્ની કિતાબોમાં વર્ણવવામાં આવી છે. તારીખે તબરી, તારીખે ઈબ્ને અસાકીર, અદ દુર્ર અલ મનસૂર, સિયુતી, અબુલ ફીદાની અલ મુખ્તસર.

ત્રીજો પુરાવો: અલી (અ.સ.) એ રસુલ (સ.અ.વ.)ને જરૂરત વખતે કદી તરછોડયા નથી.

રસુલે અકરમ (સ.અ.વ.)ના મહાન સહાબી ઈબ્ને અબ્બાસ (અ.ર.) ફરમાવે છે: “અલી (અ.સ.) પાસે 4 એવી ખાસીયતો છે જેમાં તેમનો કોઈ ભાગીદાર નથી: તેઓ પ્રથમ હતા જેમણે અલ્લાહના રસુલ (સ.અ.વ.)ની સાથે નમાઝ પઢી. તેઓ દરેક જંગમાં અલમદાર હતા અને તેઓ આપ (સ.અ.વ.)ની સાથે અલ મિહરાસ (જંગે ઓહદ)ના દિવસે મક્કમપણે રહ્યા અને તેઓ તે છે કે જેમણે આપ (સ.અ.વ.)ના પવિત્ર શરીરને ગુસ્લ આપ્યું અને તેમને તેમની કબ્રમાં ઉતાર્યા. (અલ હાકીમ તેની મુસ્તદરકમાં, ભાગ-3, પા. 111)

સવાલ: શા માટે અબુબક્ર અને ઉમર પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની દફનવીધીમાં હાજર ન હતા? અને શા માટે તેઓ જંગે ઓહદમાંથી ભાગી ગયા કે જ્યાં ફકત અલી (અ.સ.)એ રસુલે અકરમ (સ.અ.વ.)ની હિફાઝત માટે મક્કમપણે બાકી રહ્યા હતા?

ચૌથો પુરાવો: અલી (અ.સ.)  નબીઓ (અ.મુ.સ.)ની સામ્યતા ધરાવતા હતા.

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ ફરમાવ્યું: “જે કોઈ નૂહ (અ.સ.)ને તેના ઈરાદામાં, આદમ (અ.સ.)ને તેમના ઈલ્મમાં, ઈબ્રાહીમ (અ.સ.)ને તેમની મહેરબાનીમાં, મુસા (અ.સ.)ને તેમની અકલમંદીમાં અને ઈસા (અ.સ.)ને તેમની ઈબાદતમાં જોવા ચાહતો હોય તો તેમણે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) તરફ નજર કરવી જોઈએ.”

(સોનન અલ બયહકી, મુસ્નદે અહેમદ ઈબ્ને હમ્બલ, તફસીરે કબીર, ફખ્રુદ્દીન રાઝી અને બીજાઓએ પણ લખ્યું છે.)

પાંચમો પુરાવો: અલી (અ.સ.) રસુલ (સ.અ.વ.)ના પ્રતિનિધી હતા.

રસુલે અકરમ હઝરત મોહમ્મદ (સ.અ.વ.) એ ફરમાવ્યું: “અલી મારાથી છે અને હું અલી (અ.સ.) થી છું અને મારૂ પ્રતિનિધિત્વ કોઈ નહી કરે સિવાય કે અલી (અ.સ.).” (સોનન ઈબ્ને માજા, હદીસ નં. 119)

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) એ અલી (અ.સ.)ને ફરમાવ્યું: “તમારૂ સ્થાન મારી પાસે એવું છે જેવું જ. હારૂન (અ.સ.)નું હ. મુસા (અ.સ.)ની પાસે હતું સિવાય એ કે મારા પછી કોઈ નબી નથી.”

(સહીહ અલ બુખારી, ભાગ-5, પ્ર. 59, હદીસ નં. 700, સહીહ મુસ્લીમ, પ્ર. 31, હદીસ નં. 5913)

છઠ્ઠો પુરાવો: રસુલે અકરમ (સ.અ.વ.) પછી અલી (અ.સ.) સૌથી વધારે ઈલ્મ ધરાવતા હતા.

રસુલે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું: “હું ઈલ્મનું શહેર છું અને અલી (અ.સ.) તેના દરવાજા છે. તેથી જે કોઈને ઈલ્મ પ્રાપ્ત કરવું હોય તેઓએ આ દરવાજાથી દાખલ થવું જોઈએ.”

આ ઘણી બધી સુન્ની કિતાબોમાં વર્ણવવામાં આવે છે અને તેનું વર્ગીકરણ ઘણા સુન્ની આલીમો જેવા કે ઈમામ હજર અલ અસ્કારની, ઈમામ તબરી, ઈમામ સિયુતી અને ઈમામ હાકીમે વિ. એ કર્યું છે.

ઉમર ઈબ્ને ખત્તાબ પોતાની ખિલાફતના સમયમાં વારંવાર પોતાના મુંઝવણભર્યા પ્રશ્નોના ઉકેલ માટે અલી (અ.સ.)ની સલાહ લેતા. ઘણા પ્રસંગોએ ઉમરે અલી (અ.સ.) વિષે ફરમાવ્યું છે: “અગર અલી ન હોતે તો ઉમર હલાક થઈ જતે.”

(ફઝાએલ અસ્સહાબા, લેખક અહેમદ ઈબ્ને હમ્બલ, ભાગ-2, પા. 647, હદીસ 1100, અલ ઈસ્તીઆબ, લેખક ઈબ્ને અબ્દુલ બરર, અલ કુરતુબી, ભાગ-3, પા. 39, મનાકીબ, લેખક અલ ખ્વારઝમી, પા. 48, અલ રિયાઝ અન્નઝરહ, લેખક મોહીબ્બુદ્દીન તબરી, ભાગ-2, પા. 194, તારીખ અલ ખોલફા, જલાલુદ્દીન અલ સિયુતી, પા. 171)

કુરઆન એઅલાન કરે છે: "શું તે કે જે સત્ય સુધી પહોંચાડી દે તે તેનો વધુ હકદાર છે કે તેની તાબેદારી કરવામાં આવે અથવા તે કે જેને કોઈ બીજો માર્ગ દેખાડે નહિ ત્યાં સુધી તેને કોઈ માર્ગ જડે નહિ?"

સાતમો પુરાવો: અલી (અ.સ.) મોઅમીનોના અમીર (ઈમામ) છે.

રસુલે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું: “અલી (અ.સ.) મારાથી છે અને હું અલી (અ.સ.)થી છું. તેઓ મારા પછી દરેક મોઅમીનોના સરપરસ્ત (વલી) છે.”

(સોનને તીરમીઝી, ભાગ-2, પા. 298, મુસ્તદરક અલ હાકીમ, ભાગ-3, પા. 111, સવાએક અલ મુહર્રેકા,

પા. 122, ઈજીપ્ત પ્રકાશન)

“મને જાણ કરવામાં આવી છે કે અલી (અ.સ.) પાસે 3 અલગ જુદી પડતી ફઝીલતો છે કે તેઓ મુસ્લીમોના સરદાર છે, નેક લોકોના પેશ્ર્વા છે અને જેઓની પેશાની ઈમાનના નૂરથી પ્રકાશિત છે તેઓના ઈમામ છે.’

(મુસ્તદરક અલ હાકીમ, પા. 138, ભાગ-3, કન્ઝુલ ઉમ્માલ, ભાગ-6, પા. 157, હદીસ નં. 2628, તેમજ અલ બદી, ઈબ્ને ફાની, અબુ નઈમ અને અલ બઝઝારે પણ તેને નકલ કરી છે)

આઠમો પુરાવો: તેઓ એહલેબૈતમાંથી છે અને ઈમામો (અ.મુ.સ.)ના પિતા છે.

અલી (અ.સ.) રસુલે અકરમ (સ.અ.વ.)ના ભાઈ છે. અલી (અ.સ.) સૈયદતુન્નીસાઈલ આલમીનના શૌહર છે. અલી (અ.સ.) જન્નતના જવાનોના સરદારોના પિતા છે. અલી (અ.સ.) મહદીએ મુન્તઝર (અ.સ.)ના પિતા છે.

નવમો પુરાવો: અલી (અ.સ.) હક્ક અને બાતિલને પારખવાનું માપદંડ છે.

રસુલે અકરમ (સ.અ.વ.) એ ફરમાવ્યું: “નજીકમાંજ મારા બાદ તમારી વચ્ચે ફિત્ના અને દુશ્મનાવટ જાહેર થશે, જ્યારે આવી પરિસ્થિતિ આવે ત્યારે તમે જાઓ અને અલી (અ.સ.)ને શોધો કારણકે તેઓ જ હક્કને બાતિલથી અલગ કરી શકે છે.”  (કન્ઝુલ ઉમ્માલ, ભાગ-2, પા. 612)

“જેણે અલી (અ.સ.)ની ઈતાઅત કરી તેણે મારી ઈતાઅત કરી, જેણે મારી ઈતાઅત કરી તેણે અલ્લાહની ઈતાઅત કરી, જેણે અલી (અ.સ.)ની નાફરમાની કરી તેણે મારી નાફરમાની કરી અને જેણે મારી નાફરમાની કરી તેણે અલ્લાહની નાફરમાની કરી.”

(કન્ઝુલ ઉમ્માલ, હદીસ નં. 32973, 32976, મુસ્તદરક અલ હાકીમ, ભાગ-3, પા. 123, રિયાઝ અન્નઝરહ, ભાગ-3, પા. 110)

દસમો પુરાવો: અલી (અ.સ.)નું નામ જન્નતના દરવાજા ઉપર લખ્યું છે.

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ફરમાવે છે: “જન્નતના દરવાજાની ઉપર લખ્યું છે: અલ્લાહ સિવાય બીજો કોઈ ખુદા નથી, મોહમ્મદ (સ.અ.વ.) તેમના રસુલ છે અને અલી (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ભાઈ છે.”

(અલ મવસત, લે. તબરાની, અલ મુત્તફક વલ મુતફરરક, લે. અલ ખતીબ, ક્ધઝુલ ઉમ્માલ, મુસ્નદે અહેમદ ઈબ્ને હમ્બલ, પા. 35, ભાગ-5, ઈબ્ને અસાકીર, પા. 46)

આ તો ફકત અલી (અ.સ.)ની ફઝીલતોની એક નાનુ ઉદાહરણ છે.

આ લખાણ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નો હક અદા ન કરી શકે.

અહેમદ ઈબ્ને હમ્બલ કહે છે: “અલી (અ.સ.)ના ઘણા દુશ્મનો હતા કે જેમણે તેમની ખામીઓ શોધવાનો અથાગ પ્રયત્નો કર્યા પરંતુ તેઓ તેમાં નિષ્ફળ રહ્યા. તેથી તેઓ એક એવા માણસને લઈ આવ્યા જેની સાથે અલી (અ.સ.)એ જંગ કરી હતી અને તેઓ અલી (અ.સ.)ની દુશ્મનીમાં તેના વખાણ કરવા લાગ્યા.”

તેઓ ઈમામ અલી (અ.સ.)ની ખામીઓ શોધી ન શકયા તેથી તેઓએ તેમના દુશ્મનોની ફઝીલતમાં હદીસો ઘડી.

 

સવાલ આ દોઆ કયાંથી આવી છે?

إِنَّ اللهَ وَمَلَائِكَتَهُ يُصَلُّونَ عَلَى النَّبِيِّ ۚ يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا صَلُّوا عَلَيْهِ وَسَلِّمُوا تَسْلِيمًا

“બેશક અલ્લાહ તથા તેના ફરિશ્તા નબી પર દુરૂદ મોકલતા રહે છે; માટે અય ઈમાનવાળાઓ! તમે પણ તેના પર દુરૂદ મોકલો અને એવી રીતે સલામ મોકલો જેવો કે સલામ મોકલવાનો હક છે.”

હવે વિચારો અને ખુદ ફેંસલો કરો.

રસુલે અકરમ (સ.અ.વ.)ના તમામ સહાબીઓમાં બધી ફઝીલતોમાં સૌથી અફઝલ કોણ હતું?

તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે તેઓ હ. અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) હતા.

રસુલે અકરમ (સ.અ.વ.) ફરમાવે છે: “અલી (અ.સ.)ના ચહેરા તરફ જોવું ઈબાદત છે.”