અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
જ્યારે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) માટે સૂરજ પાછો ફર્યો.

જ્યારે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) માટે સૂરજ પાછો ફર્યો.

 

અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની ફઝીલતોમાંથી એક ફઝીલત રસુલુલ્લાહ (સ.અ.વ.)ની દોઆથી ઈમામ (અ.સ.) માટે સૂરજનું પાછું ફરવું છે. જ્યારે કે ઈમામ (અ.સ.)ની ફઝીલતો પૈકી આ ફકત એકજ ફઝીલત છે, પરંતુ એ નોંધપાત્ર છે કારણકે મુસલમાનોએ આનો વિસ્તૃત વર્ણન કરેલ છે. અને ઈમામ (અ.સ.) એ પણ ખિલાફતના દાવા માટે પોતાની ઘણી ફઝીલતો વર્ણવી છે જેમાંથી એક સૂરજનું પાછું ફરવું છે.

1) શા માટે સૂરજને પાછો ફેરવવામાં આવ્યો?

2) આ બનાવના રાવીઓ.

3) ખિલાફત માટે આના વડે દાવો

4) હસન ઈબ્ને સાબીતના સૂરજના પાછા ફરવા ઉપર અશ્આર

5) સૂરજ યુશા ઈબ્ને નૂન (અ.સ.), હઝરત મુસા (અ.સ.)ના વારસદાર માટે પાછો ફર્યો હતો

6) આ બનાવના અહેવાલ ઉપર અલ્લામા અમીની (અ.ર.)નો નઝરીયો.

 

1) શા માટે સૂરજને પાછો ફેરવવામાં આવ્યો:

અસ્મા બિન્તે ઉમૈસ નકલ કરે છે: રસુલુલ્લાહ (સ.અ.વ.)એ જંગે ખૈબરથી પાછા ફરતા સમયે ઝોહરની નમાઝ સોહબા નામની જગ્યાએ પડી. તે દરમ્યાન આપ (સ.અ.વ.)એ અમીરૂલ મોઅમેનીન (અ.સ.) સંદેશા માટે મોકલ્યા. જ્યારે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) પાછા આવ્યા ત્યાં સુધી રસુલુલ્લાહ (સ.અ.વ.)એ પોતાના અસ્રની નમાઝ પડી લીધી હતી.

 

આપ (સ.અ.વ.) એવી હાલતમાં સૂઈ ગયા કે આપનું મુબારક સર અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના ખોળામાં હતું અને તે હાલતમાં આપ (સ.અ.વ.) ઉપર ઈલાહી વહી નાઝીલ થઈ.

 

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.)ને ખલેલ પહોંચાડવા ઈચ્છતા ન હતા, એમ છતાં કે આપ (અ.સ.)ની અસ્રની નમાઝ બાકી હતી.

 

જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.) બેદાર થયા સૂરજ આથમી ગયો હતો.

 

રસુલુલ્લાહ (સ.અ.વ.)એ દોઆ કરી: “અય અલ્લાહ! તારા બંદા અલી એ તારા રસુલ (સ.અ.વ.)ની ખિદમત કરવાની ઝહેમત ઉઠાવી. તેના માટે સૂરજના પાછો ફેરવ.”

 

નકલ કરવામાં આવ્યું છે કે સૂરજ પાછો ફર્યો જેથી અમીરૂલ મોઅમેનીન (અ.સ.) વુઝુ કરેલ અને અસ્રની નમાઝ અદા કરે. પછી સૂરજ આથમ્યો. આ બનાવ સોહબાની જમીન ઉપર બન્યો હતો.

 

2) બનાવના રાવીઓ:

આ બનાવ સામાન્ય ફેરફાર સાથે મુસલમાન બહુમતીના ઘણા બધા આલીમો દ્વારા લખવામાં આવ્યો છે.

અલ્લામા અમીની (અ.ર.)એ અલ ગદીર, ભા. 3, પા. 186 થી 43 રાવીઓની યાદી પ્રકાશિત કરી છે કે જેઓએ આ બનાવનું વર્ણન કર્યું છે. જેમાંના અમૂક નીચે મુજબ છે:

1) અલ હાફીઝ અબુલ હસન ઉસ્માન ઈબ્ને અબી શૈબાહ (બુખારીના ઉસ્તાદ)એ તેમની સોનનમાં

2) અબુ જઅફર અલ તહાવીએ શર્હે મુશ્કીલ અલ અસર, ભા. 2, પા. 11 માં

3) અબુલ કાસીમ તબરાનીએ મોઅજમુલ કબીર, ભા. 24, પા. 145

4) અલ હકીમ અબુ અબ્દીલ્લાહ અલ નેશાપુરીએ તેમની તારીખે નેશાપુરીમાં

5) અલ હાફીઝ ઈબ્ને મુદર્વિય્હે તેમની મનાકીબમાં

6) અબુ ઈસ્હાક અલ સલબીએ તેમની તફસીર અને કસસુલ અંબીયામાં

7) અબુબક્ર બૈહકીએ અલ દલાએલમાં ફૈઝુલ કદ્ર, ભા. 3, પા. 440 મુજબ

8) અલ ખતીબે બગ્દાદીએ તલખીશ અલ મુતશાબેહ અને અલ અરબઈનમાં

9) અલ હાફીઝ ઈબ્ને હજર અલ અસ્કાનીએ ફત્હુલ બારી, ભા. 6, પા. 168 માં

10) અલ હાફીઝ અલ સુયુતીએ જામેઉલ જવામેમાં.

11) અલ સમ્હુદી અલ શાફેઈ એ વફાઉલ વફા, ભા. 2, પા. 33 માં.

12) અલ હાફીઝ શહાબુદ્દીન ઈબ્ને હજરે હયસમી અલ મક્કીએ સવાએકુલ મોહર્રેકામાં, પા. 128

13) અલ શીબ્લંજીએ નુરૂલ અબ્સાર, પા. 63 માં

 

3) ખિલાફત માટે આના વડે દાવો:

ઘણા બધા પ્રસંગોએ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ ખિલાફતનો દાવો પોતાની અસંખ્યા ફઝીલતો ટાંકીને કર્યો છે જેમાંની એક આપ (અ.સ.) માટે સૂરજનું પાછુ ફરવું છે.

 

શૂરામાં ઈમામ (અ.સ.)ને ઉસ્માન, તલ્હા, વિગેરે જેવા સભ્યોને પડકાર્યા હતા:

“હું તમને અલ્લાહના વાસ્તો આપી સવાલ કરુ છું, શું મારા સિવાય તમારામાંથી છે કોઈ જેના માટે સૂરજ પાછો ફર્યો હતો જ્યારે કે રસુલુલ્લાહ (સ.અ.વ.) સુતા હોય અને આપ (સ.અ.વ.)નું મુબારક સર તેના ખોળા ઉપર હોય?”

 

તેઓએ કહ્યું: “અલ્લાહની કસમ! નહિ.”

  • અલ ગદીર, ભા. 3, પા. 193

 

તેવીજ રીતે 43 મૌકાઓ ઉપર અબુબક્રની ખિલાફતને રદ કરતા ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું:

“હું અલ્લાહનો વાસ્તો આપી સવાલ કરૂ છું, હું સૂરજ નમાઝનો સમય ચાલ્યો જવાના કારણે તારા માટે પાછો ફર્યો હતો જેથી તું નમાઝને તેના સમય ઉપર અદા કરી લે યા મારા માટે પાછો ફર્યો હતો?”

 

અબુબક્ર: “બેશક, તે તમારા માટે હતું.”

  • અલ ખેસાલ, 43 ફઝીલતોના પ્રકરણમાં, ભા. 2, પા. 548-553

 

4) હસન ઈબ્ને સાબીતના સૂરજના પાછા ફરવા ઉપર અશ્આર:

સૂરજનું પાછું આવવું એક પ્રખ્યાત પ્રસંગ હતો અને તેથીજ હસન કે જે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના શાયરે આ અશ્આર કહ્યા:

إِلَّا بِحُبِّ ابْنِ أَبِي طَالِبٍ‏                                                لَا تُقْبَلُ التَّوْبَةُ مِنْ تَائِبٍ

وَ الصِّهْرُ لَا يَعْدِلُ بِالصَّاحِبِ‏                                أَخُو رَسُولِ اللَّهِ بَلْ صِهْرُهُ‏

رُدَّتْ لَهُ الشَّمْسُ مِنَ الْمَغْرِبِ‏                           وَ مَنْ يَكُنْ مِثْلَ عَلِيٍّ وَ قَدْ

بَيْضاً كَأَنَّ الشَّمْسَ لَمْ تَغْرُب                              رُدَّتْ عَلَيْهِ الشَّمْسُ فِي ضَوْئِهَا

“તૌબા ગુનેહગાર પાસેથી કબુલ કરવામાં નથી આવતી

સિવાય કે અબી તાલિબ (અ.સ.)ના ફરઝંદની મોહબ્બતના કારણે

આ રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ભાઈ છે, અલબત્ત્ તેમના જમાઈ

અને જમાઈની સરખામણી સહાબીઓ સાથે ન થઈ શકે.

અને કોણ અલી જેવું બની શકે? અને બેશક

સૂરજને તેમના માટે પશ્ર્ચિમમાંથી પાછો ફેરવવામાં આવ્યો

સૂરજને તેમના માટે તેની તેઝ રોશની સાથે ફેરવવામાં આવ્યો

એવી ચમકતી રોશની જાણે કે તે આથમ્યો જ ન હોય.”

  • બશાએરુલ મુસ્તફા (સ.અ.વ.), ભા. 2, પા. 147-148
  • મુસ્તદરકે સફીનતુલ બેહાર, ભા. 6, પા. 66

 

5) સૂરજ યુશા ઈબ્ને નૂન (અ.સ.), હઝરત મુસા (અ.સ.)ના વારસદાર માટે પાછો ફર્યો હતો:

રસુલુલ્લાહ (સ.અ.વ.) દ્વારા આગાહી કરવામાં આવી હતી કે ઈસ્લામ અને બની ઈસ્રાઈલના બનાવોમાં સુસંગતા જોવા મળશે.

 

રસુલુલ્લાહ (સ.અ.વ.)એ આગાહી કરી હતી: “જે કાંઈ બની ઈસ્રાઈલમાં બન્યું તે બરાબર અને ચોક્કસપણે અહીંયા પણ બનશે.” (મન લા યહઝોરોહુલ ફકીહ, ભા. 1, પા. 203, હ. 609)

 

 

 

આપ (સ.અ.વ.)એ આ પણ ફરમાવ્યું: “બેશક તૌરેત અને કુરઆન એક ફરિશ્તા દ્વારા લખવામાં આવેલ છે, એક ચામડી ઉપર અને એક કલામ વડે અને બધા ઉદાહરણ હદીસો સહીત સરખા છે.”

(કિતાબ સુલૈમ બિન કૈસ અલ હિલાલી અ.ર., ભા. 2, પા. 599)

 

અને નોંધવામાં આવ્યું છે કે સૂરજ યુશા ઈબ્ને નૂન, હઝરત મુસા (અ.સ.)ના વારસદાર માટે પાછો ફર્યો હતો.

 

મુસ્લીમ ઉમ્મત અને બની ઈસ્રાઈલ દરમ્યાન જે સામ્યતાની આગાહી કરવામાં આવે છે જેમાં સૂરજનું અમીરૂલ મોઅમેનીન (અ.સ.) માટે પાછુ ફરવું, નબી મોહમ્મદ (સ.અ.વ.)ના વસી બનવું કંઈ આશ્ર્ચર્ય પમાડનાર બાબત નથી, બલ્કે તેજ અપેક્ષીત છે.

 

6) આ બનાવના અહેવાલ ઉપર અલ્લામા અમીની (અ.ર.)નો નઝરીયો:

સૂરજના પલટવાના બનાવ અંગે અલ્લામા અમીની (અ.ર.)નું આ વિષય ઉપર મુસ્લીમ બહુમતીના અનુસંધાનમાં કહેવું છે કે: “બેશક સૂરજના પાછા આવવાનું વર્ણન હુફફાઝ(કુરઆનને મોઢે કરનાર)ના એક સમુહ દ્વારા પોતાની કિતાબોમાં નોંધવામાં આવ્યું છે. અને આ ક્ષેત્રના નિષ્ણાંતો આ બનાવને સહીહ ગણ્યો છે અને બીજાઓએ પણ તેને સારો (હસન) ગણ્યો છે.”

 

ઉગ્રવાદીના એક સમુહે તેનો ઈન્કાર કર્યો છે અને તેને નબળો ગણ્યો છે અને તે આ ચાર ધિક્કારપાત્ર છે ઈબ્ને હઝ્મ, ઈબ્ને જવ્ઝી, ઈબ્ને તૈમીયા, ઈબ્ને કસીર.

  • અલ ગદીર, ભા. 3, પા. 184

 

સૂરજનું પાછુ ફરવું એટલું આશ્ર્ચર્ય પમાડનાર નથી કે લોકો તેમાં શંકા કરે. ગમે તેમ તે રસુલુલ્લાહ (સ.અ.વ.)નો મોઅજીઝો છે અને અલી (અ.સ.)ના ઉદારતાની નિશાની છે અને બધાના એકમતથી જનાબે યુશા (અ.સ.) માટે પણ આમજ હતું. પછી સમજુતી ફકત એટલી જ છે કે આપણે તેને મુસા (અ.સ.)નો એક મોઅજીઝો ગણ્યે છીએ અથવા યુશા (અ.સ.)ની ઉદારતાની નિશાની.

 

અગર તે મુસા (અ.સ.)નો મોઅજીઝો છે તો આપણા પયગમ્બર (સ.અ.વ.)નો દરજ્જો મુસા (અ.સ.)થી બલંદ છે અને અગર તે યુશા (અ.સ.)ની ઉદારતા છે તો પછી અલી (અ.સ.) યુશા (અ.સ.)થી અફઝલ છે. કારણકે રસુલુલ્લાહ (સ.અ.વ.) એ ફરમાવ્યું છે:

 

મારી ઉમ્મતના આલીમો (મઅસુમ અઈમ્મા અ.મુ.સ.) બની ઈસ્રાઈલના નબીઓ સમાન છે.

તેથી અલી (અ.સ.) બની ઈસ્રાઈલના નબીઓથી અફઝલ છે અને અગર આપણે યુશા ઈબ્ને નૂન (અ.સ.) માટે માનીએ તો અલી (અ.સ.) માટે સૂરજના પાછા ફરવાનો ઈન્કાર નથી કરી શકાતો.

  • અલ ગદીર, ભા. 3, પા. 189

 

 

સૂરજના પલટવા જેવી બેશુમાર ફઝીલતો સાથે, મુસલમાન ઉમ્મતને અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.) દ્વારા વારંવાર અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની ખિલાફત માટે ફઝીલતના દાવાને યાદ અપાવવામાં આવતો હતો.

 

કમનસીબે, મુસલમાન ઉમ્મતે કુફ્રના અંધકારને ઈમાનના આ પ્રકાશિત સૂરજના બદલી સ્વિકારી લીધો.