અય અલી (અ.સ.) તમારૂં મકામ કઅબા જેવું છે. લોકો તેની ઝિયારત માટે જાય છે, તે લોકો પાસે જતું નથી
પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ઝમાનામાં અમો મુનાફિકોઓને ઓળખી શકતા ન હતા સિવાય કે અલી (અ.સ.) પ્રત્યેના બુગ્ઝ અને આપ (અ.સ.) ના ફ્રરઝંદો પ્રત્યેના બુગ્ઝ થકી
અય અલી! તમે જન્નતમાં હશો અને તેના બંને છેડાઓના માલિક હશો
હું ઈલ્મનો ખઝાનો છું અને અલી (અ.સ.) તેની ચાવી. છે. જેને પણ ખઝાનો જોઈતો હોય તેણે તેની ચાવી તરફ જવું જોઈએ
શું એહલે તશય્યોહ તેહરીફે કુરઆનમાં માને છે?

શું એહલે તશય્યોહ તેહરીફે કુરઆનમાં માને છે?

જવાબ: શીઆઓના મશ્હુર ઓલમા એકમત છે કે કુરઆને પાક દરેક પ્રકારની તેહરીફ (ફેરફાર)થી પાક છે અને મૌજુદા કુરઆને શરીફ હુબહુ એજ ઈલાહી કુરઆન છે-કે જે ખતમી મરતબત હ. મોહમ્મદ સ.અ.વ., આપણા ચહીતા નબી, પર નાઝીલ થયું હતું. તથા એમા કોઈપણ વધારો કે ઘટાડો થયો નથી. આ વાતના સ્પષ્ટીકરણ માટે નીચે આપેલ થોડાક પુરાવાઓ પર આપણે એક નજર કરીએ:

૧. અલ્લાહ, રબ્બુલ-આલમીને, કુરઆને પાકની હિફાઝતની બાંહેધરી ખુદ કુરઆને પાકમાં આ રીતે વર્ણવી છે:

إِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ

“ચોક્કસ અમોએ ઝીક્રને નાઝીલ કર્યું છે અને અમોજ તેના મુહાફીઝ છીએ.”

(સુરએ હિજ્ર-૧૫, આયત નં. ૯)

૧. સ્પષ્ટ છે કે શીઆઓ તેમની માન્યતા અને એહકામ કુરઆને પાકમાંથી લે છે તેથી તેઓ આ આયતની કદ્ર કરે છે અને તેમાં અલ્લાહ સુ.વ.ત.ની કુરઆને પાકની હિફાઝતની બાંહેધરીનો જે સંદેશો છે તેને માને છે અને તેના પર યકીન રાખે છે.

૨. મહાન ઈમામ અલી (અ.સ.) કે જેમની શીઆઓ પયરવી કરે છે અને જે હંમેશા હ. રસુલે ખુદા સ.અ.વ. ની સાથે રહેતા હતાં અને કાતીબે વહી હતા, તેમણે અનેક વખત લોકોને કુરઆને કરીમ સાથે જોડાઈ રહેવાની નસીહત કરી છે. જેમકે:

وَ اعْلَمُوا أَنَّ هَذَا الْقُرْآنَ هُوَ النَّاصِحُ الَّذِي لَا يَغُشُّ وَ الْهَادِي الَّذِي لَا يُضِل

“જાણી લ્યો કે કુરઆને પાક એવો સલાહકાર છે જે કયારેય દગો કરતો નથી અને એવો માર્ગદર્શક છે કે જે કયારેય ગુમરાહ કરતો નથી .”

(નહજુલ બલાગાહ, ખુત્બા નં. ૧૭૬)

إِنَّ اللَّهَ سُبْحَانَهُ لَمْ يَعِظْ أَحَداً بِمِثْلِ هَذَا الْقُرْآنِ

فَإِنَّهُ حَبْلُ اللَّهِ الْمَتِينُ وَ سَبَبُهُ الْأَمِينُ

“અલ્લાહ સુબ્હાનહુએ કોઈની એવી નસીહત નથી કરી જેવી તેણે કુરઆને પાક થકી કરી છે. તે અલ્લાહની મજબુત રસ્સી અને ભરોસાપાત્ર સાધન છે.”

(નહજુલ બલાગાહ, ખુત્બા નં. ૧૭૬)

અરબી

“પછી અલ્લાહ અઝ્ઝ વ જલ્લ એ તેના ( નબી સ.અ.વ.) પર કિતાબ મોકલી  જેની  જ્યોત કયારેપણ બુઝાશે નહિં, તે એવો ચિરાગ છે કે જેની ચમક કયારેય ખતમ થશે નહિં. તે એવો રસ્તો છે જે કયારેય ગુમરાહ નહિં કરે અને તે (હક અને બાતીલને)એવો અલગ કરવાવાળો છે કે જેની દલીલો કયારેય કમજોર નથી થતી.”

(નહજુલ બલાગાહ, ખુત્બા નં. ૧૯૮)

શીઆઓના મહાન ઈમામ(અ.સ.)ના આ ભવ્ય કથનો સ્પષ્ટ કરે છે કે પવિત્ર કુરઆન એક તેજસ્વી નૂર છે જે તે લોકોના રસ્તાને હંમેશા રોશન કરે છે કે જેઓ તેને વળગી રહે છે. તેમાં તેહરીફની(ફેરફાર થવાની) કોઈ શકયતા નથી કે જેથી તેની જ્યોત ઓલવાઈ જાય અથવા માનવજાત ગુમરાહ થાય.

૩. રસુલે ખુદા સ.અ.વ.નું એ ફરમાન, જેના વિષે તમામ શિયા આલિમો એકમત છે એ છે કે : “ખરેખર હું તમારી વચ્ચે બે કિંમતી વસ્તુઓ છોડી જાઉં છું, એક અલ્લાહની કિતાબ (કુરઆન) અને બીજી મારી ઈતરત (મારી એહલેબૈત) અગર તમે આ બંનેને વળગી રહેશો તો કયારેય ગુમરાહ થશો નહિ.” આ હદીસ મુતવાતીર હદીસોમાંની છે જે શીઆ અને સુન્ની બન્ને ફીરકામાં બયાન થયેલ છે. ઉપરના વિધાન પરથી સ્પષ્ટ થાય છે કે શીઆઓની માન્યતા છે કે કુરઆને પાકમાં તેહરીફ-ફેરફાર શકય નથી. કેમકે  જો તેમાં તેહરીફ થાય તો તેનાથી ન તો માર્ગદર્શનની બાંહેધરી રહે અને ન ગુમરાહીથી બચવાની. અને મુતવાતીર હદીસમાં જે કહેવામાં આવ્યું છે તેની સાથે આ બંધ બેસતું  નથી.

૪. એ ઈમામોની હદીસો કે જેને શીઆઓ અનુસરે છે, જેને આપણા બધા ઓલમા અને ફોકહાએ બયાન કરી છે, તે સમર્થન આપે છે કે કુરઆન હક્કને બાતીલથી અલગ કરવાનું માપદંડ છે,  પછી ચાહે કોઈપણ બયાન હોય કે હદીસ હોય જે આપણા સુધી પહોંચી છે તેને  કુરઆનના મેઅયાર પર હોવું જોવે. અગર તે કુરઆન મુજબ છે, તો તે સહીહ અને ભરોસાપાત્ર છે નહિ. તો તે ઘડી કાઢેલું અને ખોટું છે.

શીઆઓની ફિકહ અને હદીસોની કિતાબોમાં આ બાબતે ઘણી બધી હદીસો ઉપલબ્ધ છે, તેમાંથી એક અહીં રજુ કરીએ છીએ.

ઈમામ જઅફરે સાદિક અ.સ.નું ફરમાન છે કે:

“કોઈપણ વિધાન જે કુરઆને પાક પ્રમાણે ન હોય તે વ્યર્થ અને જૂઠ છે.”

(ઉસુલે કાફી, ભાગ-૧, કિતાબે ફઝલુલ ઈલ્મ, બાબ અલ અખ્ઝ બિસ્સુન્નહ વ ફાવાહેદુલ કિતાબ, હદીસ નં. ૪)

આ હદીસથી એ પણ સ્પષ્ટ થાય છે કે કુરઆનમાં તેહરીફને કોઈ સ્થાન નથી. તેથી આ પવિત્ર કિતાબ હંમેશ માટે એક સત્ય અને અસત્ય વચ્ચે ફરકને ઓળખવાનો માપદંડ છે.

૫. મહાન શીઆ ઓલમાઓ, જેઓ હંમેશા શિયા અને ઇસ્લામી તહેઝીબમાં આગળ પડતા છે, એ વાતને કબુલે છે કે કુરઆનમાંકયારેય ફેરફાર નહિં થશે. આવા આલીમોની એક લાંબી યાદી છે. તેમાંથી અમૂકના બયાનાતને આપણે અહિં વર્ણન કરીશું.

એ. અબુ જઅફર મોહમ્મદ ઈબ્ને અલી બીન હુસૈન બાબવય અલ કુમ્મી (વફાત ૩૮૧ હી.સ.), જેઓ શૈખ સદુક તરીકે જાણીતા છે, કહે છે:

કુરઆને પાકના બારામાં અમારી માન્યતા છે કે તે અલ્લાહનો કલામ અને વહી છે. આ એ કિતાબ છે જે જૂઠ અને ખામીઓથી પાક છે. તેને અલ્લાહ અ.જ. તરફથી મોકલવામાં આવી છે જે હકીમ અને તેનો રક્ષક છે.

(અલ એઅતેકાદાત, પાના નં. ૯૩)

બી. સય્યદ મુર્તુઝા અલી ઈબ્ને હુસૈન મુસવી, અલવી, જે અલમુલ હોદા તરીકે પણ ઓળખાય છે (વફાત ૪૩૬ હી.સ.) કહે છે:

રસુલે ખુદા સ.અ.વ. ના સહાબીઓ જેમકે અબ્દુલ્લાહ ઈબ્ને મસુદ, ઉબય ઈબ્ને કઅબ અને અન્યોએ હ. રસુલે ખુદા સ.અ.વ.ની રૂબરૂ અસંખ્ય વાર કુરઆને પાકની તિલાવત કરી. તેઓ ઈકરાર કરે છે કે કુરઆને પાકનું સંકલન અને ગોઠવણી ખૂબજ વ્યવસ્થિત છે અને તે કોઈપણ જાતના ઘટાડા અને વિક્ષેપથી પાક છે.

(મજમઉલ બયાન, ભાગ-૧, પાના નં. ૧૦)

સી. અબુ જઅફર મોહમ્મદ ઈબ્ને હસન અત્-તુસી જેઓ શૈખઅત્-તાએફાત તરીકે જાણીતા હતા (વફાત ૪૬૦ હી.સ.) કહે છે:

કુરઆને પાકની અપૂર્ણતા અથવા તો તેમાં કોઈ પ્રકારના વધારાની ચર્ચાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. કારણકે બધાજ મુસલમાનો એક મત છે કે કુરઆનમાં કોઈ વધારો નથી કરવામાં આવ્યો, જ્યાં સુધી અપૂર્ણતાનો સવાલ છે, તો બધા મુસલમાનો તેનો ઇનકાર કરે છે. અને મકતબે તશય્યો એ વાતના વધારે કાએલ છે કે કુરઆન કોઈપણ પ્રકારના ફેરફારથી પાક છે.

સૈયદ મુર્તુઝાએ પણ આ મંતવ્યનો સ્વિકાર કર્યો છે. તથા હદીસોનો જાહેરી અર્થ પણ એજ થાય છે. અમૂક શીઆ અને સુન્ની રાવીઓ કે જેની સંખ્યા ખુબજ ઓછી છે તેઓ એવી રિવાયતો પેશ કરે છે જે કુરઆને પાકની અપૂર્ણતા અને ફેરફારના બારામાં છે. આ હદીસો ખબરે વાહીદ અને ગૈરે મુતવાતીર છે જેને જાણવું અને અનુસરવું જરૂરી નથી અને બહેતર છે કે તેને તર્ક કરવામાં આવે.

(અત્-તિબયાન ભાગ-૧, પાના નં. ૩)

ડી. અબુ અલી તબરસી, તફસીરે મજમઉલ બયાનના લેખક કહે છે: તમામ ઉમ્મતે મુસ્લેમા એકમત છે કે કુરઆનમાં કોઈપણ પ્રકારનો વધારો થયેલ નથી. રહી વાત કુરઆને પાકમાંથી કોઈ આયતના કમી થવાની તો થોડાક સહાબીઓ અને ફીરક-એ-હશવીય્યાહ, અહેલે સુન્નતનો એક ફિરકો, એવી રિવાયતો લાવ્યા છે કે જેમાં ધરવામાં આવ્યું છે કે કુરઆને પાકમાં વધારો થયેલ છે. પરંતુ આપણો ફિરકો તેને ખોટું માને છે અને આનાથી વિરૂધ્ધ માન્યતા ધરાવીએ છીએ.

(મજમઉલબયાન, ભાગ-૧, પાનાનં. ૧૦)

ઈ. સૈયદ ઈબ્ને તાઉસ, અલી ઈબ્ને તાઉસ અલ હિલ્લી, (વ. ૬૬૪ હી.સ.) જે સૈય્યદ તાઉસ તરીકે જાણીતા છે, કહે છે કે એહલે શીઆનો નઝરીયો એ છે કે કુરઆને પાકમાં કોઈ તેહરીફ ફેરફાર નથી થઈ.

(સઆદ અસ સોઉદ, પાના નં. ૧૪૪)

એફ. શૈખ ઝૈનુદીન અલ આમેલી (વ. ૮૭૭ હી.સ.) કુરઆને પાકની આયત:

إِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ

“ચોક્કસ અમોએ ઝીક્રને નાઝીલ કર્યું છે અને અમોજ તેના મુહાફીઝ છીએ.”

(સુરએ હિજ્ર-૧૫, આયત નં. ૯)

ના બારામાં કહે છે કે આનો મતલબ એમ થાય છે કે અમે કુરઆને પાકને કોઈપણ પ્રકારના ફેરફાર, બદલાવ અને વધારાથી રક્ષણ કરીશું.

(ઇઝહારૂલ હક્ક, ભાગ-૨, પાના નં. ૧૩૦)

જી. કાઝી સૈયદ નુરૂલ્લાહ  સુસ્તરી અ.ર. કિતાબ એહકાકુલ હક્કના લેખક (વફાત ૧૦૧૯ હી.સ.) કહે છે:

અમૂક લોકો જે કે છે કે ઈમામીયા શીઆ તેહરીફે કુરઆનની માન્યતા ધરાવે છે તે બધા શીઆની માન્યતા નથી બલ્કે બહુજ ઓછા આવું માને છે, જેને શીઆ કોઈ ધ્યાનમાં લેતા નથી.

(આલા અર રહેમાન, પાના નં. ૨૫.)

એચ. મોહમ્મદ ઈબ્ને અલ હુસૈન બહાઉદ્દીન અલ આમેલી (વ. ૧૦૩૦ હી.સ.) કહે છે:

સાચી માન્યતા એ છે કે કુરઆને કરીમ કોઇપણ જાતના વધારા કે અપૂર્ણતાથી પાક છે અને ઓલમા એવા દાવાને કબુલ નથી કરતા કે જે કહે છે કે અમીરૂલ મોઅમેનીન અ.સ.નું નામ કુરઆને પાકમાંથી કમી કરવામાં આવ્યું છે:

જે કોઈપણ ઈતિહાસ અને અહાદીસથી વાકેફ છે, તે જાણે છે કે જેને ઘણા બધા અલગ અલગ રાવીઓની સાંકળથી બયાન કરવામાં આવી હોય અને રાવીઓ ઘણી મોટી સંખ્યામાં હોય કુરઆન અકબંધ અને અખંડ છે અને તેનું સંકલન સંપૂર્ણ રીતે  હ. રસુલે ખુદા સ.અ.વ.ના જીવનકાળમાં કરવામાં આવ્યું હતું.

(આલા અર રહેમાન, પાના નં. ૨૫)

આઈ. ફૈઝ અલ કાશાની, અલ વાફી કિતબના લેખક (વ. ૧૦૯૧ હી.સ.), સુરએ હિજ્રની આયત નં. ૯ તથા બીજી આયતોના સંદર્ભમાં વર્ણવે છે કે કુરઆન અને આલીમોના અભિપ્રાયોના સર્વાનુમતથી એ વાત ખાતરીપૂર્વકની છે કે કુરઆને પાકને દરેક જાતના ફેરફારથી બચાવવામાં આવ્યું છે. એક નાના એવા સમૂહનો વિરોધ ધ્યાનમાં લેવા જેવું નથી

(તફસીર અલ સાફી, ભાગ-૧, પાના નં. ૫૧)

જે. શૈખ હુર્રે આમેલી વ. ૧૧૪૦ હી.સ. કહે છે:

તારીખ અને અહાદીસના સંશોધક સારી રીતે જાણે છે કે રસુલે ખુદા સ.અ.વ. ના હજારો સહાબીઓ તરફથી રજુ થયેલ મુતવાતીર હદીસો અને રિવાયતોને લીધે કુરઆને પાક અખંડ અને અચળ છે અને તેને ખૂબજ ચોકસાઈથી રસુલે ખુદા સ.અ.વ. ના જીવનકાળમાં સંકલીત કરવામાં આવ્યું છે.

(આલા અર રહેમાન, પાના નં. ૨૫)

કે. ઈસ્લામના મહાન સંશોધક કાશેફુલ ગેતા તેમની કિતાબ કશફુલ ગેતામાં બયાન કરે છે:

તેમાં કોઈ શક નથી કે ઈલાહી હિફાઝતને લીધે કુરઆને પાક દરેક પ્રકારની કમી અને તેહરીફ ફેરફારથી વંચિત છે. આ હકીકતને ખુદ કુરઆને કરીમ બયાન કરે છે અને તમામ ઝમાનાના ઓલમા પણ આ બાબતે એકમત છે. એક નાના એવા સમૂહનો આ બાબતે વિરોધ ધ્યાનમાં લેવા જેવો નથી.

એલ. આ બાબતે બીજો એક સ્પષ્ટ પુરાવો હ. આયતુલ્લાહ અલ ઉઝમા ઈમામ ખોમૈની અ.ર.નું બયાન જે આ પ્રમાણે છે:

જે કોઈ આ બાબતથી વાકેફ છે કે જે મુસલમાનોએ કુરઆને પાકના સંકલન, સાચવણી, જાળવણી, તિલાવત અને લખાણમાં ઘણી સંભાળ લીધી છે તે “કુરઆને પાકમાં તહેરીફ”નો વિચાર પાયા વિહોણો હોવાની ગવાહી આપશે અને તેને અમાન્ય સમજશે.

વળી, આ સિવાય આ બાબતે જે કાંઈ એહવાલ મળે છે તે ઝઈફ છે અથવા તો ચુકાદારૂપે કમજોર છે, અજ્ઞાત છે કે જે દેખીતી રીતે ઘડેલા લાગે છે અથવા તો એવી રિવાયતો છે કે જેના સ્પષ્ટીકરણ માટે એક વિગતવાર પુસ્તક લખવું પડે.

અગર વિષયથી હટી જવાનો ડર ન હોતે તો કુરઆને પાકના ઈતિહાસને બયાન કરતે અને વધારે સ્પષ્ટ કરતે કે આ એજ ભવ્ય કુરઆન જે આપણા હાથમાં છે તે એજ ઇલાહી કિતાબ છે જેને અલ્લાહ અ.જ. એ નાઝીલ કર્યું છે. જે કાંઈ કુરઆનના કારીઓમાં મતભેદ જોવા મળે છે તે આ બાબતે એક નવી વસ્તુ છે જેને  જીબ્રઈલે અમીનની વહીથી કે જે કાંઈ તેમણે હ. રસુલે ખુદા સ.અ.વ.ના દિલ પર  ઉતારી તેની સાથે કોઇ લેવા દેવા નથી.  તેહઝીબુલ ઉસુલ, ઈમામ ખોમૈનીના પ્રવચનોનો એહવાલ, ભાગ-૨, પાના નં. ૯૬ (લેખક જઅફર સુબ્હાની)

તારણ:

તમામ મુસલમાન ચાહે શીઆ હોય સુન્ની એકમત છે કે હાલમાં જે કુરઆને કરીમ મૌજુદ છે તે હુબહુ મૂળ અને પ્રાચીન કુરઆન જ છે જે હ. રસુલે ખુદા સ.અ.વ. ઉપર ઉતારવામાં આવ્યું હતું અને તે દરેક પ્રકારની વિકૃતિ, ફેરફાર, વધારા કે ઘટાડાથી પાક છે.

શીઆઓ સામેના બેબુનિયાદ તોહમતની વિરૂધ્ધ આ એક મજબુત પુરાવો છે. અગર આવી પ્રસંગોચિત ઝઈફ રિવાયતો આ તોહમતનું કારણ છે, તો એ જાણવું જોઈએ કે આવી રીવાયાતો માત્ર શીઆઓના એક નાના જૂથનુંજ કાર્ય નથી પરંતુ એહલે સુન્નતના તફસીરકારોનું પણ એક જુથ આ કામમાં શામીલ છે.

૧. અબુ અબ્દીલ્લાહ મોહમ્મદ ઈબ્ને એહમદ અલ અન્સારી અલ કુર્તુબી તેની તફસીરમાં અબુબક્ર અલ અનબાઝીથી અને તે ઉબય ઈબ્ને કાબથી બયાન કરે છે કે હ. રસુલે ખુદા સ.અ.વ. ની હયાતમાં સુરએ એહઝાબ (૭૩ આયતવાળો) સુરએ અલ બકરહ (૨૮૬ આયતવાળો) જેવડો હતો અને સંગસારની આયત (આયતે રજમ) તે સુરામાં હતી પરંતુ હાલમાં આ કહેવાતી આયત સુરએ એહઝાબમાં નથી.

(તફસીર અલ કુરતુબી, ભાગ-૧૪, પાના નં. ૧૧૩)

અને આજ કિતાબમાં મળે છે કે આયશાનું બયાન છે કે હ. રસુલે ખુદા સ.અ.વ.ના જીવનકાળમાં સુરએ એહઝાબમાં ૨૦૦ આયતો હતી. ત્યારબાદ મુસહફ લખવામાં આવ્યા બાદ અને હાલમાં જે આયતોની સંખ્યા છે તે થઈ ગઈ.

(તફસીર અલ કુરતુબી, ભાગ-૧૪, પાના નં. ૧૧૩)

૨. કિતાબ અલ ઈત્કાનના લેખક કહે છે કે ઉબય ઈબ્ને કઅબના મુસઅફમાં ૧૧૬ સુરા હતા કારણ કે બીજા બે સુરા હફદ અને ખાલ પણ તેમાં શામીલ હતા.

(અલ ઈત્હાન, ભાગ-૧, પાના નં. ૬૭)

આપણે બધા જાણીએ છીએ કે કુરઆને પાકમાં કુલ ૧૧૪ સુરા છે અને આ બે સુરા હફદ અને ખાલનું નામો નિશાન કુરઆને પાકમાં નથી.

૩. હૈબતુલ્લાહ ઈબ્ને સલમાહ તેની કિતાબ અલ નાસીખ વલ મન્સુખમાં લખે છે કે અનસ ઈબ્ને મલીકથી રિવાયત છે કે હ. રસુલે ખુદા સ.અ.વ.ના સમયમાં જયારે અમે કુરઆને પાકની તિલાવત કરતા તો તેમાં એક સુરો હતો  જે સુરા અલ તવબહ જેટલો લાંબો હતો  અને તેમાંથી મને ફકત એકજ આયત યાદ છે અને તે છે:

અરબી

“અગર આદમની અવલાદ પાસે સોનાની બે ખીણ હોત તો તે ત્રીજી માંગત અને અગર ત્રણ ખીણ હોત તો ચોથી માંગત. બની આદમનું પેટ ધુળ સિવાય બીજી કોઈ વસ્તુ ભરી શકે તેમ નથી.. અલ્લાહ તૌબા કરવાવાળાની તૌબાને કબુલ કરે છે.”

આપણે સારી રીતે જાણીએ છીએ કે કુરઆને પાકમાં આવી કોઈ આયત નથી. અને તેની બલાગત તરફ જોતા પણ આપણને જોવા મળે  છે કે તે કુરઆને કરીમ સાથે સુસંગત નથી.

૪. જલાલુદ્દીન અલ સુયૂતી તેની તફસીર અલ દુરર અલ-મન્સુરમાં ઉમર બીન ખત્તાબથી રિવાયત બયાન કરે છે કે સુરએ એહઝાબ, સુરએ બકરાહ જેટલો લાંબો હતો અને આયતે રજમ સુરએ એહઝાબનો હિસ્સો હતો.

બંને શીઆ અને સુન્ની મકતબના એક નાના જુથે “કુરઆને પાકમાં તેહરીફ”ના બારામાં ઝઈફ અને અસ્વિકૃત હદીસોને બયાન કરી છે. શીઆ તથા સુન્ની બન્ને ફીર્કાનું  વિશાળ બહુમત આ ઝઈફ રિવાયતોને કબુલ નથી કરતા.

કુરઆને પાકની આયતો પ્રમાણે, સહીહ અને મુતવાતીર હદીસો પ્રમાણે, ઈજમા, રસુલે ખુદા સ.અ.વ.ના હજારો સહાબીઓ તથા દુનિયાના મુસલમાનોના સર્વાનુમતે કુરઆને પાકમાં કોઈપણ તેહરીફ કે વધારો અથવા ઘટાડો ન તો થયો છે અને ન તો કયારે થશે.

સંદર્ભ: સૈયદ રેઝા હુસૈની નસબની કિતાબ “The Shi’ah Rebuts” માંથી જે આયતુલ્લાહ જઅફર સુબ્હાનીની નીગરાનીમાં લખવામાં આવી.