ઈમામ મુસા કાઝીમ(અ.સ.)ની ઈમામતની હિદાયત

વાંચવાનો સમય: 6 મિનિટ

એહલેબૈત (અ.મુ.સ.)ના બાર અઈમ્મા(અ.મુ.સ.)નીઈમામતનો અકીદો તે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ઝમાનાથી જ ખુબ જાહેર અકીદો હતો.

આ અકીદો રસુલુલ્લાહ (સ.અ.વ.) અને એહલેબૈત (અ.મુ.સ.)ના માનનારાઓ સકીફા અને કરબલા જેવા બનાવો હોવા છતાં પણ ઈમામતનો અકીદો પહેલેથી જ ધરાવતા હતા અને હકીકી મુસલમાનો બાર ઈમામોની ઈમામતથી કયારેય ડગ્યા નથી.

પરંતુ એક બનાવ પછી એટલે કે છઠ્ઠા ઈમામ હઝરત જઅફર સાદિક(અ.સ.)ની શહાદતથી અમુક મુસલમાનોના આ અકીદામાં ગુમરાહી જોવા મળી જેમકે અમુક મુસલમાનો આપ(અ.સ.)ના હકીકી જાનશીન હઝરત ઈમામ મુસા કાઝીમ(અ.સ.)ને અનુસરવાના બદલે ઈમામ સાદિક (અ.સ.)ની અન્ય નસ્લને ઈમામ તરીકે પસંદ કર્યા.

ઈમામ મુસા કાઝીમ (અ.સ.)ની ઈમામત આપના માઅસુમ વંશજોની જેમ એક સ્પષ્ટ બાબતછે જે મુસલમાનોની બધી કિતાબોમાં જોવા મળે છે.

ઉમ્મતમાં ખલીફાઓ:

وَلَقَدْ أَخَذَ اللهُ مِيثَاقَ بَنِي إِسْرَآئِيلَ وَبَعَثْنَا مِنهُمُ اثْنَيْ عَشَرَ نَقِيبًا

“અને બેશક અલ્લાહે બની ઈસરાઈલથી વાયદો લીધો અને અમોએ તેમની દરમ્યાન બાર સરદારોને નિયુકત કર્યા છે…”

(સુરએમાએદાહ (5), આયત12)

રસુલુલ્લાહ (સ.અ.વ.)એ પોતાની હયાતી દરમ્યાન વારંવાર મુસલમાનોને જણાવ્યું અને બાર ખલીફાઓની સરદારી/એહલેબૈત (અ.મુ.સ.)ના ઈમામો ઉપર ભાર આપ્યો છે. આપ(સ.અ.વ.)એ આ હદીસો ફકત ભવિષ્યવાળી તરીકે નથી કહી બલ્કે આ દીની હુકમોને જાણવા અને તેમાં માનવું વાજીબ હોવાનું સૂચવ્યું છે. આ બાબતે દસ્તાવેજી પુરાવાઓ પણ છે કે  તેઓની સંખ્યા બાર છે અને તેમાં કોઈ વધારો કે ઘટાડો કરી શકતું નથી.

ઉપરોકત આયત હેઠળ એહલે તસન્નુનના આલીમ જલાલુદ્દીન સુયુતીએ પોતાની તફસીર અદ્દુરુલ મન્સુરમાં નોંધ કરી છે કે આ આયત ઈસ્લામના બાર ખલીફાઓના બારામાં છે.

આપણે અહીં બાર ખલીફાઓના સંદર્ભો રજુ કરીએ કે જેને વિવિધ મુસલમાન ફિરકાઓ ભરોસાપાત્ર જાણે છે:

કુરૈશમાંથી બાર ખલીફાઓ:

જાબીર ઈબ્ને સમરાહ નકલ કરે છે : મેં રસુલુલ્લાહ (સ.અ.વ.)થી સાંભળ્યું છે કે આપ(સ.અ.વ.)એ ફરમાવ્યું:

બાર ખલીફાઓ થશે.

પછી આપ(સ.અ.વ.)એ કંઈક ફરમાવ્યું જે હું સાંભળી ન શકયો. મારા પિતાએ મને જણાવ્યુંકે આપ(સ.અ.વ.)એ ફરમાવ્યું:

તેઓ બધા કુરૈશમાંથી હશે.

  • સહીહ બુખારી, ભા.4, કિતાબુલ એહકામ,
  • અલ મોઅજમુલ કબીર, ભા. 2, પા. 241, હદીસ: 1896, પા. 277, હદીસ: 2044
  • સહીહ મુસ્લીમ, કિતાબુલ ઈમરાહ

પહેલાની ઉમ્મતની જેમ બાર ખલીફાઓ:

રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું:

‘મારા પછી ઈમામોની સંખ્યા બની ઈસરાઈલના સરદારો અને જનાબે ઈસા (અ.સ.)ના સહાબીઓ જેટલી હશે.’

  • કિફાયતુલ અસ્ર, પા. 139
  • અલ ઈન્સાફ, હદીસ : 166
  • બેહારુલ અન્વાર, ભા. 36, પા. 332

સંપૂર્ણ ઈસ્લામ બાર ખલીફાઓની માન્યતા સાથે સંકળાયેલ છે:

જાબીર ઈબ્ને અબ્દુલ્લાહ અન્સારીએ રસુલુલ્લાહ (સ.અ.વ.)ને સવાલ કર્યો:

ઈમામોની સંખ્યા કેટલી છે?

આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું:

‘અય જાબીર! અલ્લાહ તમારા ઉપર રહેમ કરે, તમે મને સંપૂર્ણ ઈસ્લામના બારામાં સવાલ કર્યો છે. તેઓની સંખ્યા મહીનાઓની સંખ્યા મુજબ છે અને અલ્લાહ પાસે તેની કિતાબમાં તે દિવસથી જ્યારે આસ્માનો અને ઝમીનને પૈદા કરી આ બાર મહીનાઓ છે. તેઓની સંખ્યા જનાબે મુસા ઈબ્ને ઈમરાનના ઝરણાઓ જેટલી છે કે જ્યારે આપ (અ.સ.)એ પોતાના અસા તે પથ્થર ઉપર મારી હતી અને બાર ઝરણાઓ ફૂટી નીકળ્યા હતા. તેઓની સંખ્યા બની ઈસરાઈલના સરદારો જેટલી છે.’

અલ્લાહ અઝઝ વ જલ્લ ફરમાવે છે:

وَلَقَدْ أَخَذَ اللهُ مِيثَاقَ بَنِي إِسْرَآئِيلَ وَبَعَثْنَا مِنهُمُ اثْنَيْ عَشَرَ نَقِيبًا

“અને બેશક અલ્લાહે બની ઈસરાઈલ પાસેથી વાયદો લીધો અને તેઓમાંથી બાર સરદારોને નિયુકત કર્યા છે.”

તેથી અય જાબીર! ઈમામોની સંખ્યા બાર છે. તેમાંના પહેલા હઝરત અલી ઈબ્ને અબીતાલિબ (અ.સ.) છે અને છેલ્લા હઝરત કાએમ અલ મહદી (અ.ત.ફ.શ.) છે.

  • મેઅહ મનાકેબહ, પા. 71, મનાકીબ નં. 41
  • અલ યકીન, પા. 60
  • બેહારુલ અન્વાર, ભા. 36, પા. 263

બાર ખલીફાઓ મઅસુમ છે અને બારમાં ઈમામ મહદી (અ.ત.ફ.શ.) છે:

રસુલુલ્લાહ (સ.અ.વ.) ફરમાવે છે:

‘અય લોકો! હું તમને અલ્લાહથી ખૌફ રાખવાની અને મારી ઈત્રત, મારા એહલેબૈત (અ.મુ.સ.)થી સારો વર્તાવ રાખવાની ભલામણ કરુ છું કારણ કે બેશક તેઓ હક્કની સાથે છે અને હક્ક તેઓની સાથે છે. તેઓ મારા પછી હિદાયત પામેલા ઈમામો અને ભરોસાપાત્ર મઅસુમો છે. અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ ઉભા થયા અને સવાલ કર્યો: યા રસુલુલ્લાહ (સ.અ.વ.)! તમારા પછી કેટલા ઈમામો થશે?’

આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું:

બની ઈસરાઈલના સરદારો અને હઝરત ઈસા (અ.સ.)ના સહાબીઓની સંખ્યા બરાબર. તેમાંથી નવ હઝરત ઈમામ હુસૈન (અ.સ.)ની નસ્લમાંથી હશે અને તેઓમાંથી આ ઉમ્મતના મહદી હશે.

બાર ખલીફાઓને ઈલ્મની નેઅમત:

સલમાન (અ.ર.)એ રસુલુલ્લાહ (સ.અ.વ.)ને સવાલ કર્યો:

અય અલ્લાહના રસુલ (સ.અ.વ)! આપ મને આપના બાદ ઈમામો (અ.મુ.સ) વિષે  જણાવો?  શું તે આપની  ઈત્રતમાંથી નથી?

આ હઝરત (સ.અ.વ.)એ ફરમાવ્યું:

‘હા, મારા બાદ ઈમામો મારી ઈત્રતમાંથી છે અને તેઓની સંખ્યા બની ઈસરાઈલના સરદારો જેટલી છે. તેઓ માંથી નવ હઝરત ઈમામ હુસૈન (અ.સ.)ની નસ્લમાંથી હશે. અલ્લાહે તેઓને મારુ ઈલ્મ અને સમજણ અતા કરી છે. તેથી તેઓને શીખવતા નહિ કારણ કે તેઓ તમારા કરતા વધારે જાણકાર છે અને તેઓનું અનુસરણ કરજો કારણ કે તેઓ હક્ક સાથે છે અને હક્ક તેઓ સાથે છે.’

  • કેહાયતુલ અસ્ર, પા. 127
  • બેહારુલ અન્વાર, ભા. 36, પા. 228

ઈમામ જઅફર સાદિક(અ.સ.)ના ઝમાનામાં હાલાત:

રસુલુલ્લાહ (સ.અ.વ.) દ્વારા આગાહી કરવામાં આવેલ કે બાર ઈમામોમાં છઠ્ઠા ઈમામ હઝરત ઈમામ જઅફર સાદિક(અ.સ.) છે કે જેઓ બની અબ્બાસના સમયમાં હતા તે સમયે બની અબ્બાસ બની ઉમય્યાને હરાવી અને મુસલમાનો ઉપર પોતાની હુકુમત સ્થાપિત કરી રહ્યા હતા.

બની અબ્બાસ બની ઉમય્યા કરતા વધારે ક્રુર હતા જેના કારણે ઈમામ(અ.સ.) અને તેમના માનનારાઓ માટે પોતાના અકીદાનું જાહેર કરવું અને ખુલ્લી રીતે અનુસરવું અઘરુ હતું.

પરંતુ ઝુલ્મી સંજોગો હોવા છતાં ઈમામ જઅફર સાદિક (અ.સ.)એ તેમના અનુયાયીઓ (માનવાવાળા) તેમના બાદ  ઈમામને ઓળખવામાં કોઈ શંકામાં ન પડે આથી આ બાબતે સ્પષ્ટપણે ખાત્રી કરાવી હતી.

દાખલા તરીકે ઈમામ (અ.સ.)ના અમુક માનનારા ભુલથી એવું સમજી બેઠા કે ઈમામના સૌથી મોટા ફરઝંદ ઈસ્માઈલ ઈમામના વસી હશે, કદાચ એટલા માટે એવું બન્યું હોય કે અત્યાર સુધી હંમેશા ઈમામોના મોટા ફરઝંદ ઈમામ બનતા હતા (સિવાયકે ઈમામ હુસૈન અ.સ.).

જો કે હકીકતમાં ઈસમાઈલ, ઈમામ સાદિક(અ.સ.)ની હયાતીમાં હી.સ.136માં આપના પિતાની શહાદતના 12 વર્ષ પહેલા વફાત પામ્યા હતા. રિવાયત કરવામાં આવી છે કે જ્યારે ઈસ્માઈલનો જનાઝો મદીનામાં જન્નતુલ બકીઅ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે ઈમામ સાદિક (અ.સ.)એ પોતાના ફરઝંદ ઈસમાઈલનો ચહેરો અમુક વખત ખોલ્યો જેથી લોકોને બતાવે કે તેઓ વફાત પામ્યા છે. આપની આમ કરવા પાછળની નિય્યત એ લોકો કે જેઓ એમ માનતા હતા કે ઈસમાઈલ ઈમામ સાદિક (અ.સ.)ના વસી છે તેઓ ઉપર હકીકત સ્પષ્ટ કરવા માટે હતી કે ઈસમાઈલ વફાત પામ્યા છે અને લોકોના દિલોથી શંકા દૂર કરે કે ઈસમાઈલ હજુ હયાત છે.

  • કિતાબુલ ઈરશાદ, ભા. 2, પા. 209-210

જ્યારે આપની વસિયતની વાત આવી કે જે ઈમામ સાદિક (અ.સ.)ની શહાદતના સમયે જાહેર થઈ તેમાં આપે પાંચ વ્યક્તિઓને આપના બાદ વસી તરીકે નિયુકત કર્યા હતા: મન્સુરદવાનકી, તેનો વઝીર મોહમ્મદ ઈબ્ને સુલૈમાન, ઈમામ (અ.સ.)ના બે ફરઝંદો અબ્દુલ્લાહ અને હઝરત મુસા કાઝીમ (અ.સ.) તથા ઈમામની પત્નિ હમીદા (સ.અ.).

  • અલ કાફી, ભા. 1, પા. 310

અહિંયા પણ આપણે ઈસ્માઈલનું નામ નથી જોતા અથવા આપના ફરઝંદ મોહમ્મદનું નામ જે કદાચને ઈમામના વસીઓ હોય શકે. અગર આ લોકો વસીઓ હોત તો જરુર ઈમામ (અ.સ.) તેમના નામ લેત.

પરંતુ અહી સ્પષ્ટ પણે તેઓનો કોઈ ઉલ્લેખ નથી અને ઈસ્માઈલની ઈમામ સાદિક (અ.સ.)ના જાનશીન હોવાની કોઈ શકયતા નથી. અબ્દુલ્લાહ કે જેઓ સંભવીત વસીઓની યાદીમાં છે, તેઓના અમુક માનનારાઓ છે. મન્સુરના કોઈ માનનારા નથી અને એ સ્પષ્ટ છે કે જનાબે હમીદા(સ.અ.)  જાનશીન ન હોય શકે કારણ કે ઔરતો માટે ઈમામત નથી. આનો અર્થ એ થયો કે ઈમામત ઈમામ મુસા કાઝીમ(અ.સ.) માટે છે અને મોટા ભાગના એહલેબૈત (અ.મુ.સ.)ના માનનારાઓ આપને માને છે અને આપની ઈમામતને કબુલ કરે છે.

તેથી ઈમામ(અ.સ.)ની વસિયતની યાદી મુજબ એહલેબૈત(અ.મુ.સ.)ના ચાહનારાઓની નઝરમાં મન્સુર, અબ્દુલ્લાહ અને જનાબે હમીદા(સ.અ.) ઈમામત માટે લાયક ન હતા તો પછી ઈસમાઈલ માટે તો પ્રશ્ન જ કયા છે કે જેમનો શુમાર ઈમામ (અ.સ.)ની તે યાદીમાં પણ નથી.

તદઉપરાંત અગર કોઈ ઈસમાઈલ અથવા તેમના ફરઝંદ મોહમ્મદ અથવા તેમની નસ્લમાંથી અન્યને બાર ખલીફાઓની હદીસો મુજબ ઈમામો તરીકે લે તો હદીસોમાં બયાન થયા મુજબની કોઈ શરતો પૂરી થશે નહિ અને ઇમામતના દાવા  માટે લાયક જ નહિ રહે.

ઈસ્મત ઈસમાઈલ અને તેના વસીઓથી પર છે, તેઓમાં આની કોઈ નિશાની જોવા મળતી ન હતી અને ન તો તેઓએ આનો કયારેય દાવો કર્યો હતો.

તેવી જ રીતે તેઓમાં કોઈ ઈલાહી ઈલ્મ, પવિત્ર કુરઆનની તફસીર, તઅવીલ તથા રસુલુલ્લાહ (સ.અ.વ.)ની સુન્નતની નિશાનીઓ જાહેર થતી ન હતી અને ન તો તે ઈલ્મે ગય્બ  ધરાવતા હતા કે જેના થકી તેઓ ઈલાહી હુજ્જત તરીકેનો પોતાનો દાવો સાબીત કરે.

ઈમામ મુસા કાઝીમ (અ.સ.)ની ઈમામત બાબતે વિરોધીઓની શંકાઓ:

વિરોધીઓ દ્વારા ઉઠાવવામાં આવતી શંકાઓ પૈકી એક શંકા ઈમામ મુસા કાઝીમ (અ.સ.)ની માતાના બારામાં છે. તેઓ એવો દાવો કરે છે કે કારણકે તેણી એક કનીઝ હતા તેથી ઈમામ મુસા કાઝીમ(અ.સ.) ઈમામ ન બની શકે કારણકે તેઓના માનવા મુજબ ઈમામ એક આઝાદ ઔરતથી પૈદા થાય છે. તેઓ કહે છે કે ઈસ્માઈલના માતા આઝાદ ઔરત હતા તેથી તેઓ ઈમામત માટે યોગ્યતા ધરાવે છે.

જવાબ:

આવા પ્રકારની કોઈ ભરોસાપાત્ર કે બિનભરોસાપાત્ર રિવાયત જોવા મળતી નથી. ઈમામત માતાનું કનીઝ કે આઝાદ હોવા ઉપર આધારીત નથી. અલબત્ત પયગંબર ઈસ્માઈલ(અ.સ.)ના માતા જનાબે હાજરા, તેઓ જનાબે સારાના કનીઝ હતા જે વિરોધીઓની દલીલોને રદ કરે છે.

તેઓ એવો પણ દાવો કરે છે: ઈમામ સાદિક(અ.સ.)એ ઈમામ મુસા કાઝીમ(અ.સ.)ને વસી તરીકે આગળ કર્યા જેથી ઈસ્માઈલની સાચી ઈમામતની હિફાઝત કરી શકાય.

જવાબ:

ઈમામ સાદિક(અ.સ.)એ ઈસ્માઈલની હિફાઝત માટે ફકત ઈમામ મુસા કાઝીમ (અ.સ.)ની નિમણુંક કરવી જોઈતી હતી. પરંતુ જેમ આપણે જાણીએ છીએ ઈમામ સાદિક (અ.સ.)એ પાંચ વસીઓની નિમણુંક કરી. તેથી ઈમામ સાદિક (અ.સ.)  બીજાઓની નિમણુંક કરીને ઈમામ કાઝીમ (અ.સ.)ની હિફાઝત કરી રહ્યા હતા.

ઈમામ મુસા કાઝીમ (અ.સ.) હકીકી ઈમામ છે:

બાર ખલીફાઓ અને બીજાઓ ઉપર તેમની અફઝલીય્યત અને ઈલાહી ઈલ્મની ભવિષ્યવાળીને સમજવા માટે ફકત એક જ રસ્તો છે અને તે છે ઈમામ મુસા કાઝીમ(અ.સ.)ની ઈમામતને સમર્પિત થવું. આપ(અ.સ.) બીજાની સામે ઈમામતની બધી જ સિફતો જેમકે, તકવા, સબ્ર, ઈલાહી ઈલ્મ અને ઈસ્મતમાં મશ્હુર હતા. તે સમયના અબ્બાસી હાકીમો પણ સમજતા હતા કે આપ (અ.સ.) ઈમામ છે અને તેથી તેમને કૈદ કરતા અને ત્રાસ આપતા.

ઈમામ મુસા કાઝીમ(અ.સ.) પોતાની જેવા જ ફરઝંદને જન્મ આપ્યો કે જેઓ ઈમામતની બધી સિફતો જેમ કે ઈસ્મત અને ઈલાહી ઈલ્મ ધરાવતા હતા અને તેમણે એક એવા ફરઝંદને જન્મ આપ્યો કે જે આ ઈમામતની બધી સિફતો ધરાવતા હતા અને આ સિલસિલાના આખરી ફરઝંદ બારમાં ઈમામ, ઈમામ મહદી (અ.સ.)  છે.

બાર ખલીફાઓની ઈસ્મત,  ઈલાહી ઈલ્મ અને શ્રેષ્ઠ અખ્લાક અને આદાબ જેવી સિફતોની સંપૂર્ણ સાકળ ફકત હઝરત ઈમામ મુસા કાઝીમ (અ.સ.)ની ઈમામત થકી જ  કામીલ થાય છે.

ઈમામ સાદિક(અ.સ.) પછી અન્ય કોઈ ઈમામને સમર્પિત થવાથી 21 અથવા 49 વસીઓની સાકળમાં પરિણમશે, જે મુસલમાન ઉમ્મતમાં બાર ખલીફાઓની સ્પષ્ટ ભવિષ્યવાળીથી વિરુધ્ધ જશે.