આયતે તત્હીરનું વિશ્લેષણ

વાંચવાનો સમય: 5 મિનિટ

પ્રસ્તાવના

અમૂક વિરોધાભાસી બાબતો મુસલમાનોને વિભાજીત અને કમઝોર કરતી રહે છે અને ફસાદ પસંદ લોકોને જે બાબતોમાં શંકા નથી તેવી બાબતોમાં શંકા પૈદા કરવાનો મૌકો આપે છે. તેથી મુસલમાનોને એક કરવા અને ઈસ્લામની સરહદોની દિફા કરવા એ જરૂરી છે કે આ તફાવતોની ગેરસમજણોને સ્પષ્ટ કરીએ. આ બાબતોના હલ માટે આપણને હુકમ દેવામાં આવ્યો છે કે આપણે આપણી જાતને અમૂક હદમાં રાખીએ. જેવી રીતે અલ્લાહ અઝ્ઝ વ જલ્લ ફરમાવે છે:

وَأَطِيْعُوا اللهَ وَرَسُوْلَهُ وَلَا تَنَازَعُوْا فَتَفْشَلُوْا وَتَذْهَبَ رِيحُكُمْ ۖ

અને અલ્લાહ તથા તેના રસુલની ઈતાઅત કરો અને આપસમાં ઝઘડો નહિ વરના તમારા દિલો કમઝોર તથા તાકત ચાલી જશે…

(સુરએ અન્ફાલ-8, આ. 46)

આજે અને દરેક સમયે આપણા માટે જરૂરી છે કે આપણે પવિત્ર કુરઆન અને હદીસ વડે આપસી મતભેદોનો ઉકેલ લાવીએ. અલ્લાહ અઝ્ઝ વ જલ્લ ફરમાવે છે:

…فَإِن تَنَازَعْتُمْ فِي شَيْءٍ فَرُدُّوهُ إِلَى اللهِ وَالرَّسُولِ…

“…અને અગર તમારી દરમ્યાન કોઈ બાબતે ઝગડો થઈ જાય તો અલ્લાહ તથા તેના રસુલ તરફ રજુ થાવ…

(સુરએ નિસા-4, આ. 59)

આયતનું નુઝુલ:

 

આ આય્તનું નુઝુલ એહલે સુન્નતની કિતાબોમાં વર્ણન થયેલ છે.

હાકીમ નેશાપુરી પોતાની કિતાબ મુસ્તદરક અલા અલ સહીહૈનમાં અબ્દુલ્લાહ બીન જઅફર બીન અબી તાલિબ (જનાબે અબ્દુલ્લાહ બીન જઅફર બીન અબી તાલિબના માતા જનાબે અસ્મા બિન્તે ઉમૈસ અલ ખાત્તમીય્યાહ હતા. તેમનો જન્મ ઈથોપીઆમાં થયો હતો અને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના દિદાર કર્યા હતા. તેમનો 80 વર્ષની વયે ઈન્તેકાલ થયો. તેમનું જીવનચરિત્ર અસુદુલ ગાબાહ ફી મઅરેફા અલ સહાબા, ભા. ૨, પા. ૩૩ માં નોંધવામાં આવ્યુ છે) નું બયાન નોંધે છે:

જ્યારે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ મહેસુસ કર્યું કે ઈલાહી બરકતો નાઝીલ થવાની છે તો આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું:

તેઓને બોલાવો! તેઓને બોલાવો!

સફીયાએ પુછયું: યા રસુલુલ્લાહ (સ.અ.વ.)! કોને બોલાવું?

આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું:

મારા એહલેબૈત (ઘરના સભ્યોને) એટલેકે અલી, ફાતેમા, હસન અને હુસૈન (અ.મુ.સ.)ને.

તેથી તેઓ (અ.મુ.સ.)ને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની નઝદીક બોલાવ્યા અને જ્યારે તેઓ બધા જમા થયા ત્યારે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ પોતાની ચાદર તેઓ ઉપર રાખી અને પોતાના હાથો દોઆ માટે બલંદ કર્યા અને ફરમાવ્યું:

‘અય અલ્લાહ! આ મારા એહલેબૈત (અ.મુ.સ.) છે. તારી બરકત મારી અને મારા એહલેબૈત (અ.મુ.સ.) ઉપર નાઝીલ કર.’

તે દરમ્યાન અલ્લાહ અઝ્ઝ વ જલ્લએ આ આયત નાઝીલ કરી:

إِنَّمَا يُرِيْدُ اللهُ لِيُذْهِبَ عَنكُمُ الرِّجْسَ أَهْلَ الْبَيْتِ وَيُطَهِّرَكُمْ تَطْهِيْرًا

અય પયગમ્બર (સ.અ.વ.)ના એહલેબૈત (અ.મુ.સ.)! અલ્લાહે ઈરાદો કર્યો છે કે તમારાથી દરેક અપવિત્રતાને દૂર રાખે અને એવા પાકો પાકીઝા રાખે જેવા પાકો પાકીઝા રાખવાનો હક છે.

(સુરએ અહઝાબ-33, આ. 33)

આ હદીસ નોંધ્યા બાદ હાકીમ નેશાપુરી કહે છે કે આ હદીસ સ્ત્રોતના હિસાબે ભરોસાપાત્ર અને સહીહ છે.

રસુલ (સ.અ.વ.)ની પત્નિઓ તરફથી બયાન:

 

અ) ઉમ્મુલ મોઅમેનીન આયેશા

મુસ્લીમે સહીહમાં, હાકીમે મુસ્તદરકમાં, બૈહકીએ સોનને કુબરામાં અને તબરી, ઈબ્ને કસીર તથા સુયુતિએ પોત-પોતાની તફસીરમાં આયેશાથી આ આયતના બારામાં નકલ કર્યું છે કે તેણીએ કહ્યું:

એક દિવસ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ઘરમાંથી એવી હાલતમાં બહાર તશરીફ લાવ્યા કે આપના ખભા ઉપર ચાદર હતી (કદાચ આયેશાના કહેવાનો અર્થ એમ હતો કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પોતાની ચાદર સાથે ઘરમાંથી બહાર તશરીફ લાવ્યા અને ઉમ્મે સલમાના ઘરે ગયા). તે સમયે હસન (અ.સ.) તેમની પાસે આવ્યા અને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ તેમને ચાદરમાં લઈ લીધા. પછી હુસૈન (અ.સ.) આવ્યા, પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ તેમને પણ ચાદરમાં લઈ લીધા. ત્યારબાદ જનાબે ફાતેમા (સ.અ.) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) પાસે આવ્યા, તેમને પણ ચાદરમાં લઈ લીધા. અલી (અ.સ.) છેલ્લે આવ્યા અને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ તેમને પણ ચાદરની અંદર લઈ લીધા. ત્યારબાદ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ આ મુબારક આયતની તિલાવત કરી:

إِنَّمَا يُرِيْدُ اللهُ لِيُذْهِبَ عَنكُمُ الرِّجْسَ أَهْلَ الْبَيْتِ وَيُطَهِّرَكُمْ تَطْهِيْرًا

અય પયગમ્બર (સ.અ.વ.)ના એહલેબૈત (અ.મુ.સ.)! અલ્લાહે ઈરાદો કર્યો છે કે તમારાથી દરેક અપવિત્રતાને દૂર રાખે અને એવા પાકો પાકીઝા રાખે જેવા પાકો પાકીઝા રાખવાનો હક છે.

(સુરએ અહઝાબ-33, આ. 33)

બ) ઉમ્મુલ મોઅમેનીન, ઉમ્મે સલમા

(ઉમ્મે સલમા હિન્દ, અબુ ઉમય્યાહ કુરૈશી મખઝુમીની દુખ્તરને પોતાના શોહર અબુ સલમાહ જેઓ અબ્દુલ અસદના ફરઝંદ હતાની શહાદત બાદ પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) સાથે શાદી કરવાનો શરફ હાસીલ થયો હતો. આપના શોહર અબુ સલમાની શહાદત જંગે ઓહદના ઝખ્મોના કારણે થઈ. ઈમામ હુસૈન (અ.સ.)ની શહાદત બાદ આપનો ઈન્તેકાલ થઈ જાય છે. ઉમ્મે સલમાનું જીવનચરિત્ર કિતાબ અસદુલ ગાબાહ અને તેહઝીબુત્તેહઝીબમાં નોંધવામાં આવ્યું છે)

તબરી એ પોતાની તફસીરમાં નોંધ્યું છે કે ઉમ્મે સલમા એ આ પવિત્ર આયતના બારામાં આ રીતે સવાલ કર્યો હતો:

જ્યારે સુરએ અહઝાબ-33, આ. 33 નાઝીલ નાઝીલ થઈ ત્યારે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ અલી (અ.સ.), ફાતેમા (સ.અ.), હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.)ને પોતાની પાસે બોલાવ્યા અને પોતાની ચાદર નીચે લઈ લીધા.

બીજી એક હદીસમાં ઉમ્મે સલમા આ મુજબ વર્ણવે છે: આપ (સ.અ.વ.)એ તેઓ ઉપર પોતાની ચાદર રાખી દીધી. આ હદીસ પણ સુયુતિએ પોતાની તફસીરમાં નોંધી છે અને આવી જ હદીસે ઈબ્ને કસીરે પણ પોતાની તફસીરમાં નકલ કરી છે.

 

ચાદરની નીચે આવનાર હસ્તીઓનું સહાબીઓ દ્વારા બયાન


અ) અબુ સલમાના પુત્ર ઉમર અને ઉમ્મે સલમા

તબરી અને ઈબ્ને કસીરે પોતાની તફસીરોમાં, તીરમીઝી પોતાની સહીહમાં અને તહાવીએ મુશ્કીલ અલ આસારમાં અબુ સલમા અને ઉમ્મે સલમાના પુત્ર ઉમર (ઉમર ઉમ્મુલ મોઅમેનીન ઉમ્મે સલમાના પહેલા શોહર અબુ સલમાના દિકરા હતા). તે ઈથોપીઆમાં જન્મ્યા હતા. તે જંગે સીફફીનમાં ઈમામ અલી (અ.સ.)નું અનુસરણ કરનારાઓ માંહેના હતા અને આપ (અ.સ.) દ્વારા બહેરૈન અને ફારસના ગર્વનર તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા. ઉમર હી.સ. 83 માં મદીનામાં વફાત પામ્યા. તેમનું જીવનચરિત્ર અસદુલ ગાબાહ, ભા. 5, પા. 79 માં નોંધવામાં આવ્યું છે)થી નકલ કર્યું છે કે તે કહે છે:

સુરએ અહઝાબ-33, આ. 33 પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ઉપર ઉમ્મે સલમાના ઘરે નાઝીલ થઈ. આ આયતના નાઝીલ થવા પછી પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ હસન (અ.સ.), હુસૈન (અ.સ.) અને જનાબે ફાતેમા (સ.અ.)ને બોલાવ્યા અને પોતાની સામે બેસાડયા. પછી આપ (સ.અ.વ.)એ અલી (અ.સ.)ને પણ બોલાવ્યા અને પોતાની પાછળ બેસાડયા. ત્યારબાદ આપ (સ.અ.વ.)એ પોતાને અને આ બધા લોકોને ચાદરમાં લીધા અને ફરમાવ્યું:

આ મારા એહલેબૈત (અ.મુ.સ.) છે. અય અલ્લાહ! આમનાથી અપવિત્રતાને દૂર રાખ અને તેમને એવા પાકો પાકીઝા રાખ જેવા પાકો પાકીઝા રાખવાનો હક્ક છે.

બ) વસીલત દ્વારા અસ્કાના પુત્ર

(તેમના જીવનચરિત્ર માટે કિતાબ અસદુલ ગાબાહ, ભા. 5, પા. 77 તરફ રજુ થાવ) :

હાકીમે મુસ્તદરકમાં અને હૈસમીએ મજમઉલ ઝવાએદમાં અસ્કાના પુત્ર વસીલતથી નકલ કર્યું છે કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ અલી (અ.સ.) અને ફાતેમા (સ.અ.)ને પોતાની સામે બેસાડયા અને હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.)ને પોતાની ગોદમાં બેસાડયા અથવા તો તેમને હાથોમાં લીધા. આ હદીસ પણ ઈબ્ને કસીર અને સુયુતિ દ્વારા પોતાની તફસીરોમાં નકલ કરવામાં આવી છે અને બૈહકીએ સોનનમાં તથા એહમદ ઈબ્ને હમ્બલે મુસ્નદમાં નકલ કરી છે.

ભેગા થવાની જગ્યા: 

અ) અબુ સઈદ ખુદરી

 (અબુ સઈદ ખુદરી અલ ખઝરજી. તેમનું નામ સઈદ હતું અને તેઓ માલીક અન્સારીના પુત્ર હતા. તેમણે જંગે ખંદક તથા અન્ય જંગોમાં શિરકત કરી હતી. તેઓ મદીનામાં 60 અથવા 70 વર્ષની વયે વફાત પામ્યા. તેમનું જીવનચરિત્ર કિતાબ અસદુલ ગાબાહ, ભા. 2, પા. 289 ઉપર બયાન થયું છે)ની રિવાયત:

 

સુયુતિ વર્ણવે છે કે અબુ સઈદે અદ્દુર્રુલ મન્સુરમાં આ મુજબ કહ્યું છે કે

 

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ઉમ્મે સલમાના ઘરે હતા જ્યારે જીબ્રઈલ આ આયત લઈને નાઝીલ થયા, “અય રસુલ (સ.અ.વ.)ના ઘરવાળાઓ…”

અબુ સઈદ કહે છે કે

તે આયત નાઝીલ થવાથી પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ હસન (અ.સ.), હુસૈન (અ.સ.), ફાતેમા (સ.અ.) અને અલી (અ.સ.)ને પોતાની નઝદીક બોલાવ્યા અને પોતાની ચાદર તેઓ ઉપર પાથરી ત્યારે ઉમ્મે સલમા પણ પર્દા પાછળ બેઠા હતા. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ ફરમાવ્યું:

અય અલ્લાહ! આ મારા એહલેબૈત (અ.મુ.સ.) છે. તેઓથી અપવિત્રતાને દૂર રાખ અને એવા પાકો પાકીઝા રાખ જેવા પાકો પાકીઝા રાખવાનો હક્ક છે.

બ) ઉમ્મુલ મોઅમેનીન ઉમ્મે સલમાની રિવાયત:

ઈબ્ને કસીર, સુયુતિ, બૈહકી, તહાવી અને ખતીબે બગ્દાદીએ પોતાની તારીખે બગ્દાદમાં નકલ કર્યું છે કે ઉમ્મે સલમાએ કહ્યું: આ આયત અય રસુલ (સ.અ.વ.)ના ઘરવાળાઓ…. મારા ઘરમાં નાઝીલ થઈ અને ફાતેમા (સ.અ.), અલી (અ.સ.), હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.) મારા ઓરડામાં હતા. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ તેઓ ઉપર પોતાની ચાદર ફેલાવી અને ફરમાવ્યું:

આ મારા એહલેબૈત (અ.મુ.સ.) છે. અય અલ્લાહ! તેઓથી અપવિત્રતાને દૂર રાખ અને એવા પાકો પાકીઝા રાખ જેવા પાકો પાકીઝા રાખવાનો હક્ક છે.

અને હાકીમે પણ પોતાની મુસ્તદરક અલ સહીહૈનમાં ઉમ્મે સલમાથી નકલ કર્યું છે કે ઉમ્મે સલમાએ કહ્યું: આ આયત મારા ઘરમાં નાઝીલ થઈ હતી.

ઉમ્મે સલમાનું બયાન નીચેની કિતાબોમાં વર્ણવવામાં આવ્યું છે:

તીરમીઝીએ પોતાની સહીહમાં જનાબે ફાતેમા (સ.અ.)ની ફઝીલતના પ્રકરણમાં વર્ણવ્યું છે અને તેવી જ રીતે અલ રિયાઝુન્નઝરાહ અને તેહઝીબુત્તેહઝીબમાં વર્ણન કર્યું છે કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ ફરમાવ્યું:

અય અલ્લાહ! આ મારા એહલેબૈત (અ.મુ.સ.) છે. તેઓથી અપવિત્રતાને દૂર રાખ અને એવા પાકો પાકીઝા રાખ જેવા પાકો પાકીઝા રાખવાનો હક્ક છે.

એહમદ બીન હમ્બલે પણ પોતાની મુસ્નદમાં નકલ કર્યું છે કે ઉમ્મે સલમાએ કહ્યું:

મેં ઓરડામાં નજર કરી અને સવાલ કર્યો: શું હું પણ તમારામાંથી છું?

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ ફરમાવ્યું: તમે ખૈર ઉપર છો.

હાકીમે પણ નકલ કર્યું છે કે ઉમ્મે સલમાએ કહ્યું: યા રસુલુલ્લાહ! શું હું તમારા એહલેબૈતમાંથી નથી?

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ જવાબમાં ફરમાવ્યું: તમે ખૈર ઉપર છો પરંતુ મારા એહલેબૈત ફકત આજ છે. અય અલ્લાહ! મારા ઘરના સભ્યો વધુ લાયક છે.

જ્યારે આ આયત નાઝીલ થઈ ત્યારે ઘરમાં કેટલા લોકો મૌજુદ હતા?

સુયુતિની તફસીર મુશ્કીલ અલ આસારમાં ઉમ્મે સલમાથી વર્ણન છે કે આપ કહો છો:

આ આયત અય રસુલ (સ.અ.વ.)ના ઘરવાળાઓ… મારા ઘરમાં નાઝીલ થઈ હતી અને તે સમયે ઓરડામાં પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) ઉપરાંત સાત લોકો મૌજુદ હતા જેમાં જીબ્રઈલ, મીકાઈલ, અલી (અ.સ.), ફાતેમા (સ.અ.), હસન (અ.સ.), હુસૈન (અ.સ.) અને હું ઘરમાં દરવાજા ઉપર ઉભી હતી અને મેં અરજ કરી:

યા રસુલુલ્લાહ (સ.અ.વ.)! શું હું તમારા ઘરની સભ્ય નથી?

આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું: તમે ખૈર ઉપર છો અને રસુલ (સ.અ.વ.)ની પત્નિઓ પૈકી એક પત્નિ છો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*