શું રસુલુલ્લાહ (સ.અ.વ.)ના મા-બાપ મુસલમાન હતા?

વાંચવાનો સમય: 4 મિનિટ

મુસલમાનો સહાબીઓના ઇસ્લામ અને ઈમાનની હિફાઝત માટે ઘણી તકલીફો ઉપાડે છે. સહાબીઓ ઉપર કોઈપણ  પ્રકારનો હુમલો ઈસ્લામ ઉપર હુમલો સમજવામાં આવે છે અને આવા હુમલા કરનારાઓને માટે કુફ્રના ફતવાઓ આપવામાં આવે છે. અગર આ મુસલમાનોએ રસુલુલ્લાહ (સ.અ.વ.) અથવા આપ (સ.અ.વ.)ના મા-બાપ માટે પણ આવી તકલીફો ઉપાડી હોતે તો તે ઘણુંજ બહેતર અને વધારે સવાબના હક્કદાર થતે.

મુસલમાનો માટે એ આઘાતજનક બાબત છે કે તેઓની પોતાની સીહાહે સીત્તા (છ મહત્વની કિતાબો કે જેને કુરઆનની બહેનો માનવામાં આવે છે) એ દાવો કરે છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના માતા (સ.અ.) અને પિતા (અ.સ.) (નઉઝોબિલ્લાહ) મુસલમાન ન હતા અને (નઉઝોબિલ્લાહ) જહન્નમમાં રહેશે.

જે લોકો આવી માન્યતાથી માહિતગાર નથી તેઓ માટે અમે અહીં રસુલુલ્લાહ (સ.અ.વ.)ના વાલેદૈનની 2 હદીસો સહીહ મુસ્લીમમાંથી વર્ણવીએ છીએ:

1) અનસ રિવાયત કરે છે: “બેશક, એક શખ્સે અલ્લાહના રસુલ (સ.અ.વ.) ને અરજ કરી: મારા પિતા કયા છે? આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું: તે આગમાં છે. જ્યારે તે પાછો ફર્યો તો રસુલુલ્લાહ (સ.અ.વ.) એ તેને બોલાવ્યો અને ફરમાવ્યું: બેશક મારા પિતા (અબ્દુલ્લાહ) અને તમારા પિતા આગમાં છે. “

(સહીહ મુસ્લીમ, ભાગ-1, હ. 408, પ્ર. એ વાતની સ્પષ્ટતા કે જેઓ કોઈ કુફ્ર ઉપર મરે છે તો  તેનું ઠેકાણું જહન્નમ છે અને તેઓને અલ્લાહની નઝદીક કોઈની શફાઅત કે સંબંધ કામ નહિં લાગે)

2) અબુ હુરૈરા નકલ કરે છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.) એ ફરમાવ્યું: “મેં મારા માતા માટે ઈસ્તગ્ફારની પરવાનગી માંગી પરંતુ તેણે મને પરવાનગી ન આપી. મેં તેની પાસે તેમની કબ્રની ઝિયારતની પરવાનગી માંગી અને તેણે મને પરવાનગી આપી.”

(સહીહ મુસ્લીમ, ભાગ-11, હ. 134, પ્ર. રસુલુલ્લાહ (સ.અ.વ.) એ પોતાના પાલનહાર પાસે તેમની માતાની કબ્રની ઝિયારતની પરવાનગી માંગી)

આ વિષય ઉપર ઘણી હદીસો પૈકી ફકત બે હદીસો નકલ કરવામાં આવી છે. જેમકે બન્ને સહીહ મુસ્લીમમાંથી છે અને જ્યાં સુધી આ સમુહની વાત છે કોઈ તેની ભરોસાપાત્રતાને રદ કરી શકતું નથી.

 રસુલુલ્લાહ (સ.અ.વ.)ના મા-બાપના બારામાં શીઆઓની માન્યતા:

શીઆઓ રસુલે ખુદા (સ.અ.વ.)ના વાલેદૈન હઝરત અબ્દુલ્લાહ ઈબ્ને અબ્દુલ મુત્તલીબ (અ.સ.) અને હઝરત આમેના બિન્તે વહબ (સ.અ.)ના માટે મુસલમાન ન હોવા કે કુફ્રના અભિપ્રાયને  સખ્તાઈપૂર્વક રદ કરે છે. તેમજ બન્ને ઈસ્લામ ઉપર સંપૂર્ણ ઈમાન ધરાવતા હતા અને તેઓના ઈમાનમાં તૌહીદ બાબતે ઝરા બરાબર પણ શકનો પડછાયો કે શંકા ન હતી. તેઓ તેમના પિતા હઝરત ઈબ્રાહીમ (અ.સ.)ના દીન ઉપર હતા, જે દીને હનીફ તરીકે પ્રખ્યાત હતું.

આ વિષય ઉપર શીઆ સ્ત્રોતમાંથી અમુક હદીસો છે:

1) ઈમામ જઅફર સાદિક (અ.સ.)થી નકલ છે કે એક વખત જીબ્રઈલ (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.) ઉપર નાઝીલ થયા અને કહ્યું: “દુનિયાઓનો ખાલીક તમને સલામ કરે છે અને કહે છે: મેં જહન્નમની આગ તેઓ ઉપર હરામ કરી છે જેમની સુલ્બમાં તમે પૈદા થયા છો અને જેમના ગર્ભમાં તમે પરવાન ચઢયા છો અને તેઓ અબ્દુલ્લાહ અને આમેના છે અને તે પણ જેઓએ તમારી પરવરીશ કરી છે જેમકે  અબુ તાલીબ (અ.સ.)…”

  • અલ કાફી, ભાગ-1, પા. 446, ભાગ-2, પા. 456
  • અલ આમાલીએ શૈખે સદુક (ર.અ.), પા. 606
  • મઆનીલ અખ્બાર, પા. 137
  • બેહારૂલ અન્વાર, ભાગ-15, પા. 105

2) હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું: “જ્યારે મને ઉચ્ચ દરજ્જા (મકામે મહેમુદ) ઉપર ઉભો કરવામાં આવશે ત્યારે બેશક હું મારા પિતા, મારા માતા અને મારા કાકાની શફાઅત કરીશ.”

  • તફસીરે અલ-કુમ્મી (ર.અ.), સુરએ હીજ્ર-15:95 હેઠળ.
  • તફસીરે અલ-સાફી, સુરએ હીજ્ર-15:95 હેઠળ.
  • તફસીરે બુરહાન, સુરએ હીજ્ર-15:95 હેઠળ.
  • બેહારૂલ અન્વાર, ભાગ-15, પા. 110, ભાગ-22, પા. 278

3) એક શખ્સ ઈમામ જઅફર સાદિક (અ.સ.) પાસે આવ્યો અને કહ્યું: “એક શખ્સ પાસે મારી અમૂક રકમ છે અને મને ડર છે કે તે મને પાછી નહિ આપે. ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: જ્યારે તમે મક્કા પહોંચો, જનાબે અબ્દુલ મુત્તલીબ (અ.સ.) વતી બે રકાત નમાઝ બજાવી લાવો અને બે રકાત જનાબે અબુ તાલિબ (અ.સ.) વતી અને તેવીજ રીતે હઝરત આમેના (સ.અ.), હઝરત ફાતેમા બિન્તે અસદ (સ.અ.) માટે પણ. તે શખ્સે કહ્યું: મેં એમ કર્યું અને મને તેજ દિવસે મારી રકમ પાછી મળી ગઈ.”

  • હયાતુલ કોલુબ, ભાગ-2, રસુલુલ્લાહ (સ.અ.વ.)ના પૂર્વજોનું પ્રકરણ

 હદીસે નૂર: રૌશનીની હદીસ

રસુલુલ્લાહ (સ.અ.વ.)ના વાલેદૈનના ઈમાનના બારામાં મશ્હુર હદીસ જે બન્ને ફીર્કા દ્વારા નકલ કરવામાં આવે છે તે હદીસે નૂરના નામથી પ્રખ્યાત છે.

અમે આ હદીસનું એક બીજું પહેલું અહી નકલ કરીએ છીએ:

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું:

“અમે નૂરના સ્વરૂપમાં હતા. અલ્લાહે ચાહ્યું કે અમને આકાર આપે, તેણે અમને આદમ (અ.સ.)ની સુલ્બમાં એક નૂરના સ્તંભમાં રાખ્યા. પછી તેણે આ નૂરને સુલ્બોમાંથી ગર્ભમાં પરિવર્તિત કર્યું. તેણે અમને હંમેશા ગંદકી, કુફ્ર અને ઝીના જે કુફ્રના સમયમાં ફેલાયેલી હતી તેનાથી પાકો પાકીઝા રાખ્યા. દરેક ઝમાનામાં અમૂક લોકોના સમુહે અમારા ઉપર ઈમાન લાવવાથી ખુશબખ્તી પ્રાપ્ત કરી અને ઘણાએ અમારો ઈન્કાર કરીને દુરભાગ્ય પામ્યા.જ્યારે તેણે અમને હઝરત અબ્દુલ મુત્તલીબ (અ.સ.)ની સુલ્બમાં રાખ્યા. તેણે આ નૂરને બે ભાગમાં તકસીમ કર્યા એક ભાગ જનાબે અબ્દુલ્લાહ (અ.સ.)ની સુલ્બમાં અને બીજો ભાગ જનાબે અબુ તાલિબ (અ.સ.)ની સુલ્બમાં. ત્યારબાદ અડધું નૂર મારી માતા જનાબે આમેના (સ.અ.)માં અને અડધું નૂર અલી (અ.સ.)ના માતા જનાબે ફાતેમા બિન્તે અસદમાં તકસીમ કર્યું. મારી વિલાદત જનાબે આમેના (સ.અ.)થી થઈ અને અલી (અ.સ.)ની વિલાદત જનાબે ફાતેમા બિન્તે અસદ (સ.અ.)થી થઈ. પછી આ નૂર મારા તરફ પલટયુ અને મારી દુખ્તર જનાબે ફાતેમા (સ.અ.)ની વિલાદત થઈ. તેવીજ રીતે આ નૂર અલી (અ.સ.)માં પલટયુ અને આ નૂરના બે ભાગથી એટલેકે અલી (અ.સ.) અને ફાતેમા (સ.અ.)ના નૂરના બે ભાગથી ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.)ની વિલાદત થઈ. આવી રીતે આ નૂરે અઈમ્મા (અ.મુ.સ.)માં ઈમામ હુસૈન (અ.સ.)થી કયામત સુધી પોતાની જગ્યા કરી લીધી.”

એહલે તસન્નુન અને શીઆ આલીમોએ આ હદીસ બયાન કરી છે અને તેની ભરોસાપાત્રતાને કબુલ કરી છે.

આ હદીસે નુરને એહલે તસન્નુનના આલીમોએ નકલ કરી છે:

  • ઈમામ એહમદ બિન હમ્બલે મુસ્નદમાં.
  • મીર સય્યદ અલી હમદાનીએ મવાદેહુલ કુરબામાં.
  • ઈબ્ને મગાઝલી શાફઈએ તેમની મનાકીબમાં.
  • મોહમ્મદ બિન તલ્હા શાફઈએ મતાલીબ અલ સોલ ફી મનાકીબે આલે રસુલમાં.
  • ઈબ્રાહીમ બિન મોહમ્મદ હમવીની શાફઈએ ફરાએદ અલ સીમતૈન ફી ફઝાએલ અલ મુરતઝા વ અલ બતુલ વલ અલ સીબતૈનમાં.
  • ખવારઝમીએ તેમની મનાકીબમાં.
  • અબ્દુલ હમીદ ઈબ્ને અબલ હદીદે શર્હે નહજુલ બલાગાહમાં.
  • હાફીઝ સુલૈમાન કુન્દુઝીએ યનાબીઉલ મવદ્દતમાં.

આ વિષય ઉપર આવી સ્પષ્ટ હદીસો પછી એ શકય નથી કે કોઈ બુધ્ધીશાળી મુસલમાન કે જે રસુલુલ્લાહ (સ.અ.વ.)ને સાથે હકીકી મોહબ્બત અને તેમનો એહતેરામ કરતો હોય એ તારણ કાઢે કે આપ (સ.અ.વ.)ના વાલેદૈન મુસલમાન ન હતા અને (નઉઝોબિલ્લાહ) તેમને જહન્નમમાં અઝાબ કરવામાં આવશે.

આવી વિકૃત વિચારણા ફકત તેઓના દિમાગમાં આવી શકે જેઓ રસુલુલ્લાહ (સ.અ.વ.)થી નફરત કરતા હોય અને બની ઉમય્યા સાથે હોય જેઓએ રસુલુલ્લાહ (સ.અ.વ.)ના વાલેદૈનના બારામાં ખોટી હદીસો ઘડી કાઢી છે અને તેનો પ્રચાર કરે છે. આ કોશિષ એટલા માટે કરવામાં આવી જેથી રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ચારિત્ર્યને નીચુ કરવામાં આવે કારણ કે બની ઉમય્યા પોતે મુસલમાન ન હતા અને જહન્નમના સજાના હક્કદાર છે.

અલબત્ત, કેટલી મોટી વિકૃતિ છે કે અબુ સુફયાન અને તેના દિકરા અને પૌત્રને તો મુસલમાન ગણવામાં આવે છે અને એ આશા રાખવામાં આવે છે કે કયામતના દિવસે તેઓને માફ કરી દેવામાં આવશે પરંતુ જનાબે અબ્દુલ્લાહ (અ.સ.), જનાબે આમેના (સ.અ.) અને અબુ તાલિબ (અ.સ.)ને કાફીર અને જહન્નમના અઝાબના હક્કદાર સમજે છે.

રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઈઝઝત મા-બાપમાં છે કે પત્નિઓમાં?

સહાબીઓ અને પત્નિઓનો ઈસ્લામમાં એવી રીતે દીફા કરવામાં આવે છે જાણે કે તે દીનની જરૂરીયાતમાંથી હોય. દરેક તર્કની વિરૂધ્ધ અને કુરઆન અને સુન્નતની વિરૂધ્ધ પત્નિઓ અને સહાબીઓની ઈઝઝતને રસુલ (સ.અ.વ.)ની ઈઝઝત સાથે સાંકળવામાં આવે છે જ્યારે કે રસુલ (સ.અ.વ.)ના વાલેદૈનને સામાન્ય કાફર ગણવામાં આવે!!!!.

આ ત્યારે છે જ્યારે કુરઆન સુ. બકરહ ૨:૮૩ માં તૌહીદની સાથે વાલેદૈન માટે હુકમ કરે છે. શું આવી કોઈ આયત સહાબીઓ અને પત્નિઓ માટે છે? તો પછી કઈ રીતે રસુલ (સ.અ.વ.)ની ઈઝઝત અને માનને તેમના વાલેદૈનના બદલે સહાબીઓ અને પત્નિઓ સાથે જોડવામાં આવે છે?

પછી બોધ લ્યો એ હિકમતવાળા લોકો.