અલ્લાહ જનાબે મોહસીન ઈબ્ને અલી (અ.સ.)ના કાતીલો સાથે કેવો વ્યવહાર કરશે?

વાંચવાનો સમય: 4 મિનિટ

અમૂક મુસલમાનો એવા છે જેઓ જનાબે મોહસીન ઈબ્ને અલી (અ.સ.)ની શહાદતનો ઈન્કાર કરે છે. તેઓ એમ કહે છે કે જનાબે ફાતેમા (સ.અ.) અને અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને આ નામનો કોઈ ફરઝંદ ન હતો. તેઓ ઈતિહાસમાં જનાબે મોહસીન ઈબ્ને અલી (અ.સ.) બાબતે દરેક સંદર્ભોનો બેશરમીથી ઈન્કાર કરે છે, ત્યાં સુધી કે તેઓ જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘર ઉપરના હુમલાનો પણ ઈન્કાર કરે છે.

જવાબ:

એ આશ્ચર્યભર્યું છે કે એક ન્યાયી અને પ્રમાણિક ઈસ્લામીક ઈતિહાસનો વિદ્યાર્થી કેવી રીતે જનાબે ફાતેમા (સ.અ.)ના અને અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના ત્રીજા ફરઝંદ જનાબે મોહસીન ઈબ્ને અલી (અ.સ.)નો ઈન્કાર કરી શકે. ઈતિહાસ ન ફકત તેમના વુજુદની સ્પષ્ટ ગવાહી આપે છે પરંતુ એ પણ ગવાહી આપે છે કે સહાબીઓ અને ખિલાફતના ગાસીબોએ કેવી ક્રુરતાથી જનાબે મોહસીન (અ.સ.)ને શહીદ કર્યા હદીસો એટલી વિસ્તૃત છે કે જે બતાવે છે કે કયામતના દિવસે કાતીલોને કેવી રીતે સજા કરવામાં આવશે.

1) જનાબે મોહસીન ઈબ્ને અલી (..)ની શહાદત:

જ્યારે કે ઈતિહાસની કિતાબો જનાબે મોહસીન (અ.સ.)ની શહાદતના સંદર્ભોથી ભરી પડેલી છે પરંતુ અમે નીચે મુજબ એહલે સુન્નતના હવાલાની થોડી હદીસોને રજુ કરીએ છીએ:

(1) અબુ અબ્દીલ્લાહ શમ્સુદ્દીન અલ ઝહબી મીઝાનુલ અલ એઅતેદાલ, ભાગ-1,પા. 139 માં નકલ કરે છે કે તેમાં કોઈ શક નથી કે ઉમરે જનાબે ફાતેમા (સ.અ.)ને લાત મારી એ હદ સુધી કે જનાબે મોહસીન (અ.સ.)નો હમલ સાકીત થઈ ગયો.

(2)  મોહમ્મદ અલ શાહરસ્તાની અલ મેલલ વ અલ નેહલ, ભાગ-1, પા. 57 (બૈરૂત આવૃતિ)માં નકલ કરે છે કે (બયઅતના દિવસે ઉમરે જનાબે ફાતેમા (સ.અ.)ને પેટ ઉપર એ ક્રુરતાથી વાર કર્યો) કે આપ (સ.અ.) પોતાના હમલ ઉપર પડયા (જેના કારણે હમલમાં આપના ફરઝંદની શહાદત થઈ).

(3) અબ્દુલ કાદીર અલ તમીમી અલ બગદાદી એ પણ તેમની કિતાબ અલ ફર્કબય્નલ ફેરક, પા. 107 માં ઉપર મુજબ નકલ કર્યું છે.

(4) અલ્લામા ખલીલ ઈબ્ને અયબક અલ સફદી તેમની કિતાબ અલ વાફી બીલ વફાયાત, ભાગ-6, પા. 17 ઉપર નકલ કરે છે કે મોઅતઝેલા ફિરકો એવો અકીદો ધરાવે છે કે બયઅતના દિવસે ઉમરે ચોક્કસપણે જનાબે ફાતેમા (સ.અ.) ઉપર એવો સખત વાર કર્યો કે જનાબે મોહસીનની શહાદત થઈ ગઈ.

(5) સદ્ર અલ દીન ઈબ્રાહીમ ઈબ્ને સાદ અલ દીન મોહમ્મદ અલ હુમુઈ તેમની કિતાબ અલ ફરાએદ અલ સીમતૈન, ભાગ-2, પા. 35

2) કેવી રીતે અલ્લાહ અઝઝ જલ્લ તેમના કાતીલો સાથે વ્યવહાર કરશે?

એક રસપ્રદ હદીસ છે કે અલ્લાહ (ત.વ.ત.) અમીરૂલ મોઅમેનીન (અ.સ.) અને જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ફરઝંદ જ. મોહસીન (અ.સ.)ના કાતીલો સાથે કેવી રીતે વર્તશે.

મુફઝઝલ ઈબ્ને ઉમર (ર.અ.) એક લાંબી હદીસમાં ઈમામ જઅફર સાદિક (અ.સ.)થી નકલ કરે છે કે ‘કયામતના દિવસે, ખદીજા બીન્તે ખુવૈલીદ અને અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના માતા ફાતેમા બીન્તે અસદ, જનાબે મોહસીન (અ.સ.)ને લઈને આવશે. તેઓ મોટા અવાજે રૂદન કરતા હશે જ્યારે જનાબે મોહસીન (અ.સ.)ના માતા જનાબે ફાતેમા (સ.અ.) આ આયતની તિલાવત કરી રહ્યા હશે,

“આ તમારો દિવસ છે જેનો તમને વાયદો કરવામાં આવ્યો હતો.”

(સુરએ અંબીયા:103)

અને આ આયત

“અને તે દિવસને યાદ રાખો કે જે દિવસે દરેક શખ્સ જે કાંઈ તેણે (દુનિયામાં) નેકી કરી છે અને જે કાંઈ બદી કરી છે તેને હાજર થયેલી જોશે, ત્યારે બદી કરનાર ઈચ્છશે કે તેની અને તે દિવસે વચ્ચે કદાચને એક લાંબી મુદ્દત હોત તો કેવું સારૂ.”

(સુરએ આલે ઈમરાન:30)

મુફઝઝલે કહ્યું : આના ઉપર ઈમામ સાદિક (અ.સ.)એ એટલું રૂદન કર્યું કે તેઓની દાઢી મુબારક આસુઓથી ભીંજાઈ ગઈ.

પછી આપ (અ.સ.)એ ફરમાવ્યું:

‘તે આંખ ઠંડક મહેસુસ નહિ કરે કે જે તેમને (જનાબે મોહસીન અ.સ. ને) યાદ કરીને ન રોવે.’

આ સાંભળી મુફઝઝલે લાંબા સમય સુધી રૂદન કર્યું.

પછી મુફઝઝલે પુછયું: ‘અય મારા મૌલા! કેટલા આંસુ? મારા મૌલા (કોઈ વ્યક્તિ એ કેટલું રડવું જોઈએ?’)

આપ (અ.સ.) એ જવાબ આપ્યો:

‘જે (રૂદન)ના તેઓ લાયક છે તેની ગણતરી થઈ શકતી નથી.’

મુફઝઝલે પુછયું: ‘અય મારા મૌલા! તમે આ આયતના બારામાં શું ફરમાવો છે:

“અને જ્યારે જીવતી દાટેલી છોકરીને સવાલ કરવામાં આવશે કે તેણી કયા અપરાધસર મારી નખાઈ હતી.”

(સુરએ તકવીર:8-9)

આપ (અ.સ.)એ ફરમાવ્યું:

‘અય મુફઝઝલ! તે જીવતા દટાયેલા બાળકથી મુરાદ મોહસીન છે, અલ્લાહની કસમ! કારણકે તે અમારામાંથી છે અને તેના સિવાય બીજું કોઈ નથી. અગર કોઈ એવો દાવો કરે કે તે કોઈ બીજું છે તો પછી તેણે તેમને જુઠલાવ્યા છે.’

મુફઝઝલે પુછયું: અય મારા મૌલા! પછી શું?

ઈમામ સાદિક (અ.સ.)એ ફરમાવ્યું :

‘ફાતેમા (સ.અ.) રસુલુલ્લાહ (સ.અ.વ.)ના દુખ્તર ઉભા થશે અને આપ (સ.અ.) ફરમાવશે: અય અલ્લાહ! જેમણે મારા ઉપર અત્યાચાર કર્યો, મારો હક્ક છીનવી લીધો, મને ઈજા પહોચાડી અને મારા બધા ફરઝંદો બાબતે મને બેચૈન કરનારઓ અંગેના તારા વાયદા અને બાંહેધરીને પુરી કર.’

ત્યારબાદ સાતેય આસમાનના ફરિશ્તાઓ, ઇલાહી અર્શના ઉપાડનારાઓ, વાતાવરણમાં વસનારાઓ, ધરતીની ઉપર અને તેની માટીની નીચે વસનારી તમામ મખ્લુક અલ્લાહ (ત.વ.ત.)ને મુખાતબ થઈને તેમના (સ.અ.) માટે નૌહા અને ગીર્યા કરશે. ત્યારબાદ અમારા કાતિલો અને અમારી ઉપર ઝુલ્મો કરનાર અને એ લોકો જેઓ અમારા ઉપર કરવામાં આવેલ ઝુલ્મોથી રાજી હતા તેઓમાંથી કોઈ બચશે નહિ સિવાય કે તેઓને તે દિવસે 1000 વખત કત્લ કરવામાં આવશે.

(બેહારૂલ અન્વાર, ભાગ-53, પા. 23-24)

અલ્લામા મજલીસી (ર.અ.) ઉપરની હદીસને સમજાવતા લખે છે કે: લેખકનું માનવું છે કે 1000 વખત કત્લ થવું તે જહીમની આગ કરતા વધારે પીડાદાયક હશે. આપણે અલ્લાહ પાસે તેનાથી પનાહ ચાહીએ.

3) જનાબે મોહસીન ઈબ્ને અલી (..)ના કાતિલોને સૌથી પહેલા સજા કરવામાં આવશે:

જનાબે મોહસીન ઈબ્ને અલી (અ.સ.)ના કાતિલો કયામતના દિવસે તેમનો માટે તૈયાર કરેલ સૌથી પીડાદાયક અઝાબને નીહાળશે. અલ્લાહ અઝઝ વ જલ્લ બીજા ઝાલીમો અને અત્યાચારીઓથી પહેલા તેમનો હિસાબ કરશે.

રિવાયત છે કે કયામતના દિવસે સૌ પ્રથમ વ્યકિત કે જેમના ન્યાય અને ચુકાદા માટે બોલવવામાં આવશે તે જનાબે મોહસીન ઈબ્ને અલી (અ.સ.) છે. તેમના કાતિલને કુન્ફુઝની સાથે લાવવામાં આવશે અને આગના ચાબુક ફટકારવામાં આવશે કે જેનો ફકત એકજ વાર ઝમીન ઉપરના તમામ સમંદરોને સુકાવવા માટે પુરતો છે અને તેવીજ રીતે એક વાર પહાડોને કચડી નાખવા અને તેમને રાખમાં બદલી નાખવા માટે પુરતો છે. જનાબે મોહસીન ઈબ્ને અલી (અ.સ.)ના કાતિલોને આ ચાબુક વડે ફટકારવામાં આવશે.

(બેહારૂલ અન્વાર, ભાગ-28, પા. 64)

તારણ:

1) ગમે તેટલી કોશિશો અને કાવત્રા ઘડવામાં આવતા હોવા છતાં પણ જનાબે મોહસીન ઈબ્ને અલી (અ.સ.)ની શહાદત એક એવી હકીકત છે જેનો ઈન્કાર શકય નથી. બન્ને ફીર્કાના આલીમોએ આ બાબતે ઘણી બધી હદીસો નકલ કરી છે.

2) જનાબે મોહસીન ઈબ્ને અલી (અ.સ.)ના કાતીલો માટે 1000 વખત કત્લ થવાનો ખાસ અઝાબ છે જે બીજા કોઈ ગુનેહગાર માટે જોવા મળતો નથી. આ આપણને ગુનાહની તીવ્રતા બતાવે છે.

3) બીજા દરેક ગુનેહગાર અને ઝાલીમોની પહેલા જ. મોહસીનના કાતીલોનો હિસાબ લેવામાં આવશે. ફરી આ બાબત અલ્લાહ જનાબે મોહસીન ઈબ્ને અલી (અ.સ.)ના કાતીલોથી કેટલો ગઝબનાક છે તે તરફ નિર્દેશ કરે છે.

4) અલ્લાહનો અઝાબ અને તેનો ગઝબ એક ખુલ્લી ચેતવણી છે એ લોકો માટે જેઓ એવા નબળા બહાના હેઠળ જનાબે મોહસીન ઈબ્ને અલી (અ.સ.)ની શહાદતનો ઈન્કાર કરે છે કે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના ઘરમાં દરવાજો ન હતો. જનાબે મોહસીન ઈબ્ને અલી (અ.સ.)ની શહાદતનો ઈન્કાર તેમને શહીદ કરવા કરતા ઓછો ગુનોહ નથી.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*