સુન્ની તફસીરોની રોશનીમાં આયતે વિલાયતની તફસીર – બીજો ભાગ

વાંચવાનો સમય: 5 મિનિટ

પ્રથમ ભાગ

બીજી હદીસ:-

એહલે સુન્નતના ભરોસાપાત્ર સંકલનકર્તા રઝીને પોતાની કિતાબ અલ-જમ્ઓ બયન સહાહી અલ-સુન્નતમાં આયતે વિલાયતની નીચે સહીહે નિસાઈથી નકલ કર્યુ છે કે ઈબ્ને સલામની રિવાયત છે કે હું રસુલુલ્લાહ (સ.અ.વ.) ની ખિદમતમાં ગયો અને અર્ઝ કરી કે અમુક લોકો માત્ર એ કારણે અમારી ખુબજ મુખાલેફત કરે છે કે અમે અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.) નું સમર્થન કરીએ છીએ. તે લોકો કસમ ખાય છે કે તે લોકો અમારી સાથે વાતચીત પણ બંધ કરી દેશે. આથી અલ્લાહ તઆલાએ આ આયત નાઝિલ કરી.

ઈન્નમા વલીય્યોકોમુલ્લાહો વ રસુલોહુ વલ્લઝીન આમનુલ્લઝીન યોકીમુનસ્સલાત વ યુઅતુનઝ્કાત વ હુમ રાકેઉન

તેના પછી હઝરત બિલાલ (અ.ર.) એ ઝોહરની અઝાન આપી. લોકોએ નમાઝ શરૂ કરી. રૂકુઅ અને સજદાની દરમ્યાન હતા કે સાઈલે સવાલ કર્યો અને અલી (અ.સ.) એ પોતાની વીંટી રૂકુઅમાંજ આપી. માંગનારે રસુલુલ્લાહ (સ.અ.વ.) ને ખબર આપી જેના પછી રસુલુલ્લાહ (સ.અ.વ.) એ આ બે આયતોની તિલાવત ફરમાવી.

(અલ જમ્ઓ બયન અસ-સહાહઅસ-સિત્તા, ભાગ-૩, સહીહ મુસ્લીમથી નકલ)

ત્રીજી હદીસ:-

મોવફ્ફક બિન એહમદે અમીરે શામ મોઆવિયા (લ.અ.) અને અમ્ર ઈબ્ને આસના વચ્ચે જે પત્ર વ્યવહાર થયો હતો તેને નકલ કરતા લખે છે કે અમ્ર ઈબ્ને આસે જવાબમાં લખ્યું, ‘અય મોઆવીયા! તું જાણો છો કે અલ્લાહની કિતાબમાં અલી (અ.સ.) ના ઘણા બધા ફઝાએલ છે જેમાં કોઈ અલી (અ.સ.)નો શરીક નથી જેમકે (યૂફૂન બિન્-નઝરે) જેઓ નઝરને પુરી કરે છે.

(સુરએ ઈન્સાન, આયત નં. ૭)

ઈન્નમા વલીય્યોકોમુલ્લાહો વ રસુલોહુ વલ્લઝીન આમનુલ્લઝીન યોકીમુનસ્સલાત વ યુઅતુનઝ્કાત વ હુમ રાકેઉન

(સુરએ માએદાહ, આયત નં. ૫૫)

અફમન કાન અલા બય્યેનતીન મીન રબ્બેહી વ યતલુહો શાહેદુમ મીનહો વ મિન કબ્લેહી કેતાબો મુસા એમામન વ રહમતન…..

શું તે શખ્સ કે જે પોતાના રબની તરફથી સ્પષ્ટ દલીલ ધરાવતો હોય અને તેની સાથે અલ્લાહ તરફથી ગવાહ પણ હોય અને તેની પહેલા મુસા (અ.સ.) ની કિતાબ પણ સાક્ષી આપતી હોય કે જે કૌમ માટે પેશવા અને રહમત હતી?…..”

(સુરએ હુદ, આયત નં. ૧૭)

અને અલ્લાહ તઆલાએ ફરમાવ્યું:

મેનલ મોઅમેનીન રેજાલુન સદકૂ મા આહદુલ્લાહ અલય્હે….

“મોઅમીનોમાંથી એવા લોકો પણ છે કે જે કંઈ વાયદો અલ્લાહથી કર્યો હતો તેને સાચો કરી દેખાડયો…..”

(સુરએ અહઝાબ, આયત નં. ૨૩)

અને અલ્લાહ (ત.વ.ત.) એ પોતાના રસુલ (સ.અ.વ.) થી ફરમાવ્યું

…..કુલ્લા અસ્અલોકુમ અલય્હે અજરન ઈલ્લા અલ-મવદ્દત ફી અલ-કુરબા

“…..(અય રસુલ!) કહી દયો કે હું તો આ રિસાલતની તબ્લીગ માટે તમારી પાસે કોઈ અજ્ર નથી માંગતો સિવાય કે મારા એહલેબૈત (અ.સ.)ની મોહબ્બત…..”

(સુરએ શુરા, આયત નં. ૨૩)

(મનાકીબુલ ખ્વારઝમી, પાના નં. ૨૦૦)

જ્યારે આ આયત અમીરૂલ મોઅમેનીન અલી બિન અબી તાલિબ (અ.સ.) ની શાનમાં નાઝિલ થઈ તો શાએરે રસુલુલ્લાહ (સ.અ.વ.) હસ્સાન બિન સાબિત તરતજ આ કસીદો પડયા.

અય અબુલ હસન! મારી જાન અને મારૂ ખુન આપ ઉપર કુરબાન થાય.

અને દરેક તે ચીઝ જે હવામાં ઉડે છે અથવા સૈર કરી રહી છે.

શું મારી મદહ (વખાણ) અને મારી લખેલી વાત વેડફાઈ જશે?

નહિં! અલ્લાહની રાહમાં મદહ કયારેય વેડફાઈ જતી નથી.

આપ તે જ છો જેણે રૂકુઅની હાલતમાં અતા કર્યુ.

સમગ્ર કૌમની જાન આપ ઉપર કુરબાન થાય. અય બેહતરીન રૂકુઅ કરનારા!

પછી અલ્લાહે આપના માટે બેહતરીન વિલાયત નાઝિલ કરી

અને તેઓની દરમ્યાન શરીઅતના સ્પષ્ટ કાયદાઓ મૌજુદ છે.

  • (મનાકીબુલ ખ્વારઝમી, પાના નં. ૨૬૫, કિફાયતુ અત્ત-તાલિબ, હાફિઝ અલગંજી શાફેઈ, પ્રકરણ-૬૧, પાના નં. ૨૨૮)

તે સિવાય એહલે સુન્નતના નામાંકિત આલિમ અલ-હાફિઝ, અલ-કબીર, અબ્દુલ્લાહ બિન અબ્દુલ્લાહ બિન અહમદ જે અલ-હાકિમો અલ-હસકાનીના નામથી પ્રખ્યાત છે તેણે પોતાની કિતાબ ‘શવાહેદુ અત્તન્ઝીલ”માં લગભગ ૨૫ રિવાયતો નકલ કરી છે કે આ આયતે મુબારેકા મૌલાએ કાએનાત અમીરૂલ મોઅમેનીન અલી બિન અબી તાલિબ (અ.સ.) ની શાનમાં નાઝિલ થઈ છે.

આ બધી સુરજથી વધારે સ્પષ્ટ દલીલો અને પુરાવાઓ હોવા છતાં અમુક લોકો એવા છે કે જેઓએ આ હકીકતનો ઈન્કાર કર્યો છે અને લોકોના દિલો દિમાગમાં એ વસવસો પૈદા કરવાની કોશીશમાં છે કે આ તફસીર શીઆઓએ ઘડી કાઢેલી છે. એવોજ એક શખ્સ જેનું નામ અહમદ બિન અબ્દુલ હલીમ બિન તયમીયા (જે ઈબ્ને અત્તયમીયાના નામથી ઓળખાય છે) તેની કિતાબ મન્હાજો અસ્-સુન્નતના પાના નં. ૧૫૬ ઉપર લખે છે.

અમુક જુઠા લોકોએ આ હદીસ ઘડી છે કે આ આયત

ઈન્નમા વલીય્યોકોમુલ્લાહો વ રસુલોહુ વલ્લઝીન આમનુલ્લઝીન યોકીમુનસ્સલાત વ યુઅતુનઝ્કાત વ હુમ રાકેઉન

અલી (અ.સ.) ની શાનમાં નાઝિલ થઈ છે કે જ્યારે આપ (અ.સ.) એ નમાઝમાં વીંટીનો સદકો આપ્યો. બધા ઓલમાએ હદીસ આ વાત ઉપર એકમત છે કે આ હદીસ ખોટી છે.

(ઈબ્ને તયમીયાની વાત પુરી થઈ)

શીઆ આલિમોનું ગૌરવ, મુજાહિદે અકબર શૈખ અબ્દુલ હુસૈન અમીની (અ.ર.)એ પોતાની કિતાબ ‘અલ-ગદીર” માં આવી નકામી અને પાયા વગરની વાતનો જવાબ આપ્યો છે.

(જુઓ અલ ગદીર, ભાગ-૩, પાના નં. ૧૫૬)

હકીકત આ છે કે અદેખાઈ અને હઠધર્મી ઈન્સાનની આંખો ઉપર એવી રીતે પરદો નાંખી દે છે કે તે હકીકતોનો ઈન્કાર કરવા તૈયાર થઈ જાય છે. તે એમ ધારવા લાગે છે કે તે હદીસો કે જેને અઈમ્મા એ હદીસ અને હુફ્ફાઝે કેરામે પોતાની મોઅતબર કિતાબોમાં નકલ કરી છે, જેની સનદોની સાંકળો અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.), ઈબ્ને અબ્બાસ (અ.ર.), અબુઝર (અ.ર.), અમ્માર (અ.ર.), જાબિર અન્સારી (અ.ર.), અબુ રાફેઅ, અનસ બિન માલિક, સલમા બિન કોફયલ અને અબ્દુલ્લાહ બિન સલામ જેવા સહાબીઓ અને સલફે સાલેહ સુધી પહોંચે છે, તેને કયા આધારે ખોટી અને ઘડી કાઢેલી કહે છે? યકીનન ઈબ્ને તયમીયાનો આ દાવો તેના બીજા દાવાઓની જેમ ખોટો અને બેબુનિયાદ છે કે જેમાં તેણે એ દાવો કર્યો છે કે તમામ આલિમો આ બાબતે એકમત છે. ન જાણે ઝમીનના ક્યા ખાડામાં તેણે તે આલિમોને શોધી લીધા કે જેઓ આ હદીસને ખોટી કહેવા ઉપર એકમત છે.

આવો તે આલિમો અને તેઓની કિતાબો ઉપર એક નજર કરીએ કે જેઓએ પોતાની કિતાબો અને સંકલનોમાં આ શાને નુઝુલનું સમર્થન કર્યું છે કે આ આયત અલી બિન અબી તાલિબ (અ.સ.) ની શાનમાં નાઝિલ થઈ છે.

ત્રીજી સદી હિજરીના આલિમો

૧) અલ-કાઝી અલ-વાકદી (હી.સ. ૨૦૭)

૨) હાફિઝ સુનઆની (હી.સ. ૨૧૧)

૩) હાફિઝ ઈબ્ને અબી શય્બા અલ કુફી (હી.સ. ૨૩૯)

૪) અબુ જઅફર અલ અસ્કાફી અલ મોઅતઝલી (હી.સ. ૨૪૦)

૫) હાફિઝ અબુ મોહમ્મદ અલ કશી (હી.સ. ૨૪૯)

૬) અબુ સઈદ અલ-અસ્બહ અલ-કુફી (હી.સ. ૨૫૭) અને બીજા ઘણા આલિમો

ચોથી સદી હિજરીના આલિમો

૧) હાફિઝ નિસાઈ પોતાની સહીહમાં (હી.સ. ૩૦૩)

૨) પ્રસિધ્ધ ઈતિહાસકાર અને મુફસ્સીર મોહમ્મદ બિન જરીર તબરી (હી.સ. ૩૧૦)

૩) ઈબ્ને અબી હાતિમ અઝ્-ઝાઝી (હી.સ. ૩૨૮)

પાંચમી સદી હિજરીના અલિમો

૧) હાફિઝ અબુ બક્ર શીરાઝી (હી.સ. ૪૦૭)

૨) હાફિઝ ઈબ્ને મરદવયહે અલ ઈસ્ફહાની (હી.સ. ૪૧૬)

૩) અબુ ઈસ્હાક સોઅલબી (હી.સ. ૪૨૭)

૪) હાફિઝ અબુ નઈમ અલ શાફેઈ ઈસ્ફહાની (હી.સ. ૪૩૦)

૫) અલ માવરદી અલ ફકીહ શાફેઈ (હી.સ. ૪૫૦)

૬) હાફિઝ અબુ બક્ર અલ બય્હીકી (હી.સ. ૪૫૮)

૭) હાફિઝ અબુ બક્ર અલ-ખતીબ બગદાદી શાફેઈ (હી.સ. ૪૬૩)

૮) હાફિઝ અબુ અલ-હસન વાહેદી નિશાપુરી (હી.સ. ૪૬૮)

છઠ્ઠી સદી હિજરીના આલિમો

૧) અલ ફકીહ અબુ અલ-હસન અલી બિન મોહમ્મદ અલકિયા તબરી શાફેઈ (હી.સ. ૫૦૪)

૨) હાફિઝ ફર્રાઅ અલ-બગવી અશ્-શાફેઈ (હી.સ. ૫૧૬)

૩) અબુ અલ-હસન રઝીન અલઅબદરી અલ-અન્દોલસી (હી.સ. ૫૩૫) પોતાની કિતાબ ‘અલ-જમ્ઓ બયન અસ્-સહાહો અસ્-સિત્તા” નકલ અઝ સહીહ અન્નિસાઈ

૪) અબુ કાસિમ જારૂલ્લાહ ઝમખ્શરી અલ-હનફી (હી.સ. ૫૩૮)

૫) હાફિઝ સમઆની અશ્-શાફેઈ (હી.સ. ૫૬૨)

૬) અલ-ઈમામ અલ-કુર્તુબ્બી (હી.સ. ૫૬૭)

૭) ઈબ્ને અસાકિર દમીશ્કી (હી.સ. ૫૭૧)

૮) હાફિઝ ઈબ્ને જવ્ઝી હમ્બલી (હી.સ. ૫૯૭) વિગેરે

અહી અમે ખુબ ટુંકાણથી કામ લીધું છે જે લોકોને વધુ વિગત જોવી હોય તે કિતાબ ‘અલ-ગદીર”નો અભ્યાસ કરી શકે છે.

ત્રીજી સદીથી છઠ્ઠી સદી સુધી આટલા મહાન મોઅતબર ઓલમાં, ફોકહા, મોતકલ્લેમીન, મોહદ્‌દીસ, મુફસ્સીર, મોઅર્રેખીન, વિગેરે દરેકે નકલ કર્યુ છે કે આ આયતે કરીમા અલી (અ.સ.) ની શાનમાં નાઝિલ થઈ છે.

સાબિત કરવાની જવાબદારી દાવો કરનાર ઉપર હોય છે. જ્યારે ઈબ્ને તયમીયાએ આવડો મોટો દાવો કર્યો છે તો વાતને સાબિત શા માટે કરી નથી? આ વાત પણ નોંધવી જોઈએ કે એહલે સુન્નતના મોટા આલિમો અને બુઝુર્ગ ફોકહા અને મુફસ્સેરીને ઈબ્ને તયમીયાના ઈસ્લામ ઉપર શક કર્યો છે. અમુક લોકોએ તો કાયદેસર તેના કુફ્રનું એઅલાન પણ કર્યુ છે. તેની વિગતો ફરી કયારેક આપીશું. અફસોસ એ વાતનો છે કે આજે ઈબ્ને તયમીયાના હિમાયતીઓએ તેને ‘શૈખુલ ઈસ્લામ” જેવો લકબ આપ્યો છે. તેના ફાસિક અને જુઠા અકીદાઓને પોતાની ઝીંદગીનું મરકઝ બનાવી દીધું છે.

અંતમાં આ વાત અસ્થાને નહીં ગણાય કે જે લોકો સલફે સાલેહની પયરવીનું રટણ કરે છે, તેઓ હકીકતમાં બુઝુર્ગ સહાબીની રિવાયતો અને વાતોને રદ કરી તે પોતાની નફસી ખ્વાહીશાતોની વાતો મનાવવા માગે છે.

પરવરદિગાર! અમને હકીકી ઈસ્લામ અને કુરઆનના બતાવેલા રસ્તા ઉપર ચાલવાની તૌફીક આપ. આમીન.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*