હઝરત અલી (અ.સ.)ની વિલાયતનો બચાવ કરનારાઓ

વાંચવાનો સમય: 11 મિનિટ

હદીસે કુદસીમાં અલ્લાહ રબ્બુલ ઈઝઝત એઅલાન ફરમાવે છે કે:

وِلَایَتُ  عَلِیٍ ابْنِ  اَبِیْ  طَالِبٍ  حِصْنِیْ  فَمَنْ دَخَلَ  حِصْنِیْ اَمِنَ مِنْ عَذَابِیْ

હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની વિલાયત મારો (મઝબુત) કિલ્લો છે. જે તેમાં દાખલ થઈ ગયો તે મારા અઝાબથી સુરક્ષિત થઈ ગયો. [i]

આ પ્રકારની અસંખ્ય રિવાયતો હદીસોની કિતાબોમાં મૌજુદ છે કે જેનાથી અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની વિલાયતના મહત્વનો અંદાજો લગાવી શકાય છે. અલ્લાહ (સુ.વ.ત.)એ કુરઆને કરીમમાં આ વિલાયતની જરુરતનું વર્ણન કર્યું છે. સાથો સાથે અલ્લાહના રસુલ (સ.અ.વ.)એ પણ કયારેક અલલ એઅલાન તો કયારેક વ્યક્તિગત રીતે ઉમ્મતને હઝરત અલી (અ.સ.)ની વિલાયતથી જોડાએલા રહેવાની નસીહત ફરમાવી છે. પરંતુ અફસોસ! ઉમ્મતે પોતાના નબી (સ.અ.વ.)ના આ ફરમાનને ફરામોશ કરી દીધું. સરવરે કાએનાત (સ.અ.વ.) તેમના અંતિમ સમયે એ ભરપૂર કોશિશ કરતા રહ્યા કે સમગ્ર ઉમ્મતને અલી (અ.સ.)ની વિલાયતમાં દાખલ કરીને આ દુનિયાથી રુખ્સત થાય. પરંતુ અફસોસ! અયોગ્ય લોકોએ ઉમ્મતને અલી (અ.સ.)ની વિલાયતથી દૂર કરી દીધા. બલ્કે નોબત ત્યાં સુધી આવી ગઈ કે અલી (અ.સ.)ની વિલાયત તો દુર, બલ્કે અલી (અ.સ.)નું નામ લેનાર દરેક શખ્સને ગુનેહગાર સમજવામાં આવતો. જે પણ અલી (અ.સ.) પ્રત્યેની મોહબ્બતને પ્રદર્શિત કરતો તેને રાફેઝી કહેવામાં આવતો. તેમાં ફકત શીઆ જ નહી બલ્કે એહલે સુન્નતના બલંદ મરતબા આલીમોને પણ નિશાનો બનાવવામાં આવ્યા. એહલે સુન્નતના બે મોટા આલીમો (કે જેઓએ મૌલા અલી (અ.સ.)ની ફઝીલતોનું વર્ણન કર્યું હતું) ઈમામ શાફેઈ અને ઈમામ નિસાઈ ઉપર ‘રાફેઝી’હોવાની તોહમત આજે પણ ઈતિહાસના પાનાઓમાં જોવા મળે છે. ઈસ્લામના શરુઆતના તબક્કામાં પણ આ જ પરિસ્થિતિ હતી કે અલી (અ.સ.)ની વિલાયત ધરાવનારાઓને હુકુમત પોતાના માટે ખતરો સમજતી હતી.

હુકુમતો તરફથી ખૂબ જ સખ્તાઈ હોવા છતાં હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની વિલાયતની તબ્લીગ કરનારાઓ વિલાયતનો બચાવ કરતા રહ્યા. તે બચાવ કરનારાઓની નામાવલીમાં સૌથી પ્રથમ નામ ખુદ રસુલે અકરમ (સ.અ.વ.)ની પ્યારી દુખ્તર જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)નું આવે છે. આપ (સ.અ.)એ વિલાયતના બચાવમાં ખૂબ જ મોટી-મોટી કુરબાનીઓ પેશ કરી. જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) અને તેમના ખાનદાનની કુરબાનીઓની કોઈ સરખામણી થઈ શકતી નથી. પરંતુ આપણે આ લેખમાં તે લોકોનું ટૂંકમાં વર્ણન કરીશું કે જેઓ એહલેબૈત (અ.મુ.સ.)માંથી નથી. પરંતુ જેઓએ અલી (અ.સ.)ની વિલાયતનો ભરપૂર બચાવ કર્યો છે. તે ખુશબખ્ત લોકોને સરવરે કાએનાત (સ.અ.વ.)એ ‘શીઅતો અલી’એટલે કે ‘અલી (અ.સ.)ના શીઆઓ’કહ્યા છે. તેમાં પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના બુઝુર્ગ સહાબીઓ પણ છે અને અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.)ના સહાબીઓ પણ છે.

પયગમ્બરે અકરમ (...)ના સહાબીઓ:

આ તે ઉચ્ચ મરતબો ધરાવનારા લોકો છે કે જેઓએ પોતાના કાનોથી રસુલે અકરમ (સ.અ.વ.)ના મુખેથી અમીરુલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની ફઝીલતો સાંભળી છે. તેમણે ખુદ જોયુ છે કે કેવી રીતે રસુલે ખુદા (સ.અ.વ.) અલી (અ.સ.)થી મોહબ્બત કરતા હતા અને વારંવાર અલી (અ.સ.)ની વિલાયતથી જોડાએલા રહેવાનો હુકમ આપતા હતા. રસુલે અકરમ (સ.અ.વ.)એ પોતાના બધા સહાબીઓ ઉપર અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની વિલાયત સ્પષ્ટ કરી દીધી હતી અને તેની તબ્લીગ કરીને હુજ્જત તમામ કરી દીધી હતી. આથી આ તે જ લોકો છે કે જેઓએ મુસ્તફા (સ.અ.વ.)ના ફરમાન ઉપર અમલ કર્યો. તેમાંથી અમૂક નામો નીચે મુજબ છે.

સલમાને મોહમ્મદી, મિકદાદ બિન અલ્ અસ્વદ, અબુઝરે ગફફારી, અમ્મારે યાસીર, અબુ સિનાન, અબુ ઉમ્રહ (આમીર બિન માલીક બિન નજ્જાર અન્સારી), જાબીર બિન અબ્દુલ્લાહ અન્સારી, સહલ બિન હુનૈફ અને ઉસ્માન બિન હુનૈફ વિગેરે… તેમાંથી અમૂકનો અહિં ટૂંકાણમાં પરિચય આપવામાં આવ્યો છે. આ તે લોકો છે કે જેઓ મૌલાએ કાએનાત અલી (અ.સ.)ની જાહેરી હુકુમત સુધી જીવંત રહ્યા અને તેઓ તેમના ખાસ જાંનિસારોમાંથી હતા. આ તમામ લોકો મૌલાએ મુત્તકીયાન અલી (અ.સ.)ના એક ખાસ શરતી સમૂહ ‘અલ ખમીસ’નો એક ભાગ છે (તે સમૂહનું વર્ણન હવે પછી કરવામાં આવશે.)

(1) મિકદાદ બિન ઉમ્રુ (વફાત હિ. 33):

જેઓ મિકદાદ બિન અસ્વદના નામથી પ્રખ્યાત છે. તેઓ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના જલીલુલ કદ્ર સહાબીઓમાંથી હતા. મિકદાદે રસુલે અકરમ (સ.અ.વ.)ની બેઅસતના શરુઆતના દિવસોમાં જ ઈસ્લામ કબુલ કર્યો હતો. તેમની ગણત્રી અલલ એઅલાન ઈસ્લામ જાહેર કરનારા શરુઆતના મુસલમાનોમાં થતી હતી. તેવી જ રીતે તેમણે ઈસ્લામની શરુઆતની બધી જ જંગોમાં ભાગ લીધો હતો. મિકદાદની ગણત્રી સલમાને ફારસી, અમ્માર બિન યાસીર અને અબુઝરે ગફફારીની સાથે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના હકીકી શીઆઓમાં થાય છે. આ બધા લોકો પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના ઝમાનાથી જ ‘અલી (અ.સ.)ના શીઆઓ’થી પ્રખ્યાત હતા. પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના મૃત્યુ પછી પણ તેઓએ અલી (અ.સ.)ની ખિલાફત અને જાનશીનીનું સમર્થન કર્યું. આથી તેમણે સકીફાના બનાવમાં અબુબક્રની બયઅતથી ઈન્કાર કર્યો. તેમજ તે ઉસ્માનના સખત વિરોધીઓમાંથી હતા. મિકદાદ તે લોકોમાંથી છે કે જેમણે જનાબે ઝહરા (સ.અ.)ના જનાઝામાં શિરકત કરી હતી. એહલેબૈતે અત્હાર (અ.મુ.સ.)થી મન્કુલ હદીસોમાં તેમના વખાણ કરવામાં આવ્યા છે અને તેમની ગણત્રી તે લોકોમાં કરવામાં આવી છે કે જેઓ ઈમામ મહદી (અ.સ.)ના ઝુહુર સમયે રજઅત કરશે (પાછા ફરશે). તેમણે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)થી હદીસો પણ નોંધી છે.

એક દિવસ જાબીર બિન અબ્દુલ્લાહ અન્સારીએ, સલમાન, મિકદાદ અને અબુઝર સંબંધિત રસુલુલ્લાહ (સ.અ.વ.)ને સવાલ કર્યો. જવાબમાં આપ (સ.અ.વ.)એ દરેકની બાબતે ચર્ચા કરી અને મિકદાદના બારામાં ફરમાવ્યું: ‘મિકદાદ અમારામાંથી છે. જે મિકદાદનો દુશ્મન છે, ખુદા પણ તેનો દુશ્મન છે. જે તેનો દોસ્ત છે ખુદા પણ તેનો દોસ્ત છે. અય જાબીર! અગર તમે ચાહતા હો કે તમારી દોઆ કબૂલ થાય તો ખુદાવંદે આલમની બારગાહમાં તેમના નામથી દોઆ કરો. કારણ કે ખુદાવંદે આલમની નઝદીક તેમનું નામ શ્રેષ્ઠ નામોમાંથી છે.’[ii]

અમૂક રિવાયતો મિકદાદની ગણતરી ઈમામ અલી (અ.સ.)ના અત્યંત ઈતાઅત ગુઝાર અને ચાહનારાઓમાં કરે છે.[iii]

શૈખ મુફીદ (અ.ર.)એ મિકદાદ સંબંધિત હદીસોની નોંધ કરી છે, તેનાથી એ સ્પષ્ટ થાય છે કે મિકદાદ હઝરત ઈમામ મહદી (અ.સ.)ના ઝુહુર અને તેમના કયામના ઝમાનામાં રજઅત ફરમાવશે અને તેઓ ઈમામ (અ.સ.)ના સહાબીઓમાંથી અને આપ (અ.સ.)ની હુકુમતના કમાન્ડરોમાંથી હશે.[iv]

મિકદાદ ઈસ્લામથી પહેલા પણ તૌહીદ (એક અલ્લાહ)માં માનનારા હતા. તેઓ બયઅતે ઉકબા, જંગે બદ્ર, જંગે ઓહદ, જંગે ખંદક અને જંગે મવ્તામાં મૌજુદ હતા.

અબુલ હય્સમ રસુલે અકરમ (સ.અ.વ.)ના મૃત્યુ પછી પ્રથમ ખલીફાની બયઅતનો વિરોધ કરનારાઓમાંથી હતા અને તેમણે ત્રીજા ખલીફાના કત્લ પછી હઝરત અલી (અ.સ.)ના હાથ ઉપર બયઅત કરી હતી. જંગે સિફફીનમાં તેઓ શહાદત પામ્યા. હઝરત અલી (અ.સ.)એ નેહજુલ બલાગાહમાં તેમના જેવા સહાબીઓના ન હોવા ઉપર અફસોસ વ્યકત કર્યો છે.

…કયાં છે અમ્માર?! કયાં છે અબુલ હય્સમ?!…[v]

(2) ઉસ્માન બિન હુનૈફ ઉસી અન્સારી:

ફઝલ બિન શાઝાનથી મન્કુલ છે કે ઉસ્માન અને તેના ભાઈ સહલ હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)ની શહાદત પછી હઝરત અલી (અ.સ.) તરફ રજુ થનારાઓમાં સૌથી પહેલા હતા.[vi]

ઉસ્માન જંગે જમલની પહેલા સુધી બસરાના વાલી હતા. જ્યારે જંગે જમલ બરપા કરનારાઓ બસરામાં દાખલ થયા તો તેમણે તેઓનો મુકાબલો કર્યો. તેઓ દરમ્યાન સખત જંગ થઈ અને અંતે બન્નેની દરમ્યાન સંધિ થઈ કે હઝરત અલી (અ.સ.)ના ત્યાં આવવા સુધી કોઈ કદમ ન ઉઠાવવામાં આવે. સંધિ થઈ હોવા છતાં ઝુબૈર અને તેના સાથીઓએ રાતના અંધકારમાં હુમલો કર્યો અને ઉસ્માન બિન હુનૈફના ઘણા બધા સાથીઓને શહીદ કરી નાખ્યા અને ઉસ્માનને ગિરફતાર કરી લીધા અને પછી છોડી દીધા. તેઓ ત્યાંથી છૂટીને ફરીથી અલી (અ.સ.)ની સાથે ભળી ગયા.

શર્તતુલ્ ખમીસ:

મૌલાએ કાએનાત અલી (અ.સ.)ની જાહેરી હુકુમત દરમ્યાન શીઆઓનો એક સમૂહ અસ્તિત્વમાં આવ્યો. જેને ઈતિહાસમાં ‘ શર્તતુલ્ ખમીસ’કહેવામાં આવે છે. આ સમૂહની ખાસિયત એ હતી કે તે હઝરત અલી (અ.સ.)ની સાથે હંમેશા રહેનારો સમૂહ હતો. આ સમૂહ દરેક જગ્યાએ હઝરત અલી (અ.સ.)ની હુકુમતના કાર્યોમાં મદદ કરતો હતો. તેમજ આ સમૂહ જંગોમાં ઈમામ (અ.સ.)ની સાથે રહેવા ઉપરાંત અમ્ન અને સલામતીના ઝમાનામાં ઈલાહી હદોનું રક્ષણ કરવામાં, કુફાનું રક્ષણ કરવામાં અને આપ (અ.સ.)ની હિફાઝત તેમજ જંગ માટે લોકોને એકઠા કરવાની જવાબદારી અદા કરતો હતો.

شَرْطَۃُ  الْخَمِیْسશર્તતને ડીક્ષનરીમાં સમૂહ અથવા સમૂહો અને શરતને વાયદો અને વચન કહેવામાં આવે છે. પારિભાષીક રીતે જંગના પહેલા સમૂહને કહેવામાં આવે છે કે જે જંગમાં હાજર હોય છે અને મરવા માટે તૈયાર હોય છે. ખમીસનો અર્થ લશ્કર થાય છે અને તેને ખમીસ કહેવાનું કારણ એ છે કે લશ્કર પાંચ વિભાગોમાં વહેંચાએલુ હોય છે. મુકદ્માહ, સાક, મય્મનાહ (જમણી બાજુ), મય્સરાહ (ડાબી બાજુ) અને કલ્બે લશ્કર.[vii]

‘શર્તતુલ્ ખમીસ’માં કેટલા લોકો હતા તે બાબતે ઈતિહાસકારોમાં વિરોધાભાસ જોવા મળે છે. અમૂકની નઝદીક તેઓ 6000 લોકો હતા કે જેઓ હઝરત અલી (અ.સ.)ના વફાદાર સહાબીઓ હતા કે જેઓ જંગથી લઈને મૌત સુધી દરેક પળે તૈયાર રહેતા હતા અને હઝરત અલી (અ.સ.) તેઓના બેહિશ્તના ઝામીન છે.[viii]

અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.)ના સહાબીઓના નામો જે ભરોસાપાત્ર કિતાબોમાં નોંધાએલા મળે છે, તેઓમાંથી સૌથી વધારે પ્રખ્યાત આ મુજબ છે.

– અબુ રઝી, અબ્દુલ્લાહ બિન યહ્યા હઝરમી[ix]

– યહ્યા હઝરમી[x]

– ઓબય્દહ અસ સલમાની અલ મોરાદી[xi]

– હબીબ બિન મઝાહીર અસદી[xii]

– અબ્દુલ્લાહ બિન ઓસૈદ કિન્દી[xiii]

– અબુ યહ્યા હકીમ બિન સઈદ હનફી[xiv]

– સુલૈમ બિન કૈસ હિલાલી[xv]

– અસ્બગ બિન નોબાતા તમીમી મોજાશઈ[xvi]

વિલાયતનો બચાવ કરનારા ઉપરોકત તમામ સહાબીઓનું ટૂંકુ વર્ણન પણ આ લેખને ખૂબ જ લાંબો બનાવી દેશે. આથી અહીં તેમાંથી અમૂકનું જ વર્ણન કરીશું.

(3) અબ્દુલ્લાહ બિન યહ્યા હઝરમી:

અબ્દુલ્લાહ ઈમામ અલી (અ.સ.)ની જાહેરી ખિલાફતના ઝમાનામાં શર્તતુલ્ ખમીસમાંથી હતા અને તેઓ જંગે જમલમાં શરીક હતા.[xvii]

તેઓને ઈમામ હસન (અ.સ.)ની સુલેહ પછી મોઆવિયાના હુકમથી શહીદ કરવામાં આવ્યા. ઈમામ હસન (અ.સ.)એ મોઆવિયાને લખેલ એક પત્રમાં શરતોના ઉલ્લંઘન અને અબ્દુલ્લાહ બિન યહ્યા હઝરમીના કત્લ તરફ ઈશારો કર્યો છે.

એક રિવાયતમાં નોંધ થયેલી છે કે હઝરત અલી (અ.સ.)એ જંગે જમલ દરમ્યાન તેમને ફરમાવ્યું: તમને ખુશખબર થાય અય અબ્દુલ્લાહ! કોઈ પણ પ્રકારની શંકા વગર તમે અને તમારા પિતા

શર્તતુલ્ ખમીસમાં શામેલ છો તથા ખુદ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ તમારા અને તમારા પિતાનું નામ શર્તતુલ્ ખમીસના નામથી ખાસ કર્યા છે.[xviii]

હઝરત અલી (અ.સ.)ની શહાદત પછી અબ્દુલ્લાહ હંમેશા ગમગીન રહેતા હતા અને હઝરત અલી (અ.સ.)ની ફઝીલતો બયાન કરતા રહેતા હતા. ઝીયાદ બિન અબીહે મોઆવીયાને તેમની અલી (અ.સ.) પ્રત્યેની બેપનાહ મોહબ્બતની વાત કરી તો મોઆવીયાએ અબ્દુલ્લાહ અને તેના સાથીઓને કત્લ કરવાનો હુકમ જારી કર્યો.

અલ્લામા અમીની (અ.ર.) પોતાની કિતાબ અલ ગદીરમાં અલ મજરથી નોંધ કરે છે કે ઝીયાદે તેમને કુફામાં પોતાના ઘરની બહાર શુળી ઉપર ઘણા દિવસો સુધી લટકાવીને રાખ્યા હતા.[xix]

(4) અસ્બગ બિન નોબાતા:

આપની ગણત્રી અલી (અ.સ.)ના જલીલુલ કદ્ર સહાબીઓમાં થાય છે. આપે જંગે જમલ અને જંગે સિફફીનમાં મૌલાની સાથે રહીને દુશ્મનોની સામે જંગ કરી.

અસ્બગ ઈબ્ને નોબાતા શર્તતુલ્ ખમીસમાં એક મહત્વનું પાસુ હતા. જ્યારે આપને સવાલ કરવામાં આવ્યો કે મૌલાએ કાએનાતની મંઝીલ આપની નઝદીક શું છે? તો આપે જવાબ આપ્યો:

اَنَّ  سُیُوْ فَنَا  کَانَتْ عَلَی  عَوَاتِقِنَا  فَمَنْ  اَوْمَی اِلَیْہِ ضَرَبْنَاہُ  بِہَا،  وَ کَانَ یَقُوْلُ  لَنَا تَشَرَّ طُوْا فَوَ اللہِ مَا  اشْتِرَاطُکُمْ لِذَہَبٍ  وَ لَا لِفِضَّۃٍ  وَ مَا  اشْتِرَاطُکُمْ  اِلَّا  لِلْمَوْتِ

‘અમે અમારી તલવારોને અમારા ખભાઓ ઉપર તૈયાર રાખીએ છીએ. અગર મૌલા (ફકત) કોઈની તરફ ઈશારો કરે તો અમે તે શખ્સ ઉપર હુમલો કરી દઈએ છીએ. મૌલાએ કાએનાત અમોને કહ્યા કરતા હતા કે અમારો તમારી સાથેનો વાયદો અને વચન ન તો સોનાનો છે અને ન તો ચાંદીનો બલ્કે તે મૌતનો છે.’ [xx]

મૌલાએ કાએનાતે આપને કુફાની અમૂક હુકુમતની વ્યવસ્થાની જવાબદારીઓ પણ સોંપી હતી. અસ્બગ બિન નોબાતાએ અમીરે કાએનાત અલી (અ.સ.)થી ઘણી બધી ભરોસાપાત્ર અને મશ્હુર રિવાયતો પણ નોંધી છે. તે રિવાયતોને એહલે સુન્નતના આલીમોએ પણ પોતાની કિતાબોમાં નોંધી છે.

(5) સઅ્સઅ ઈબ્ને સોહાન:

આપ અલી (અ.સ.)ના સૌથી નઝદીકના સહાબીઓમાંથી હતા. આપે જંગે જમલ, જંગે સિફફીન અને જંગે નહેરવાનમાં ભાગ લીધો હતો. સઅ્સઅ પ્રવચન કરવામાં નિષ્ણાંત હતા અને તે નિપુણતા વડે જ તેઓ ઈમામ અલી (અ.સ.)નો બચાવ અને મોઆવીયા ઉપર ટીકા-ટિપ્પણી કર્યા કરતા હતા. હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.)એ તેમની એ ખાસ સહાબીઓમાં ગણત્રી કરી છે કે જેઓને અલી (અ.સ.)ની હકીકી મઅરેફત પ્રાપ્ત હતી.[xxi]

આપ એ લોકોમાં શામેલ છે કે જેઓએ અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.)ની સૌ પ્રથમ બયઅત કરી હતી.[xxii]

સઅ્સઅ ઈમામ અલી (અ.સ.)ના જનાઝામાં પણ શરીક હતા. આપ (અ.સ.)ને દફન કર્યા પછી તેઓ પોતાના માથા ઉપર માટી નાખતા અને રડતા-રડતા અલી (અ.સ.)ની કબ્ર ઉપર આવ્યા. ઈમામ અલી (અ.સ.)ની ફઝીલતો બયાન કરવાની સાથો-સાથ ખુદને અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.)ના દોસ્તોમાંથી ગણાવીને તેમના નકશે કદમ ઉપર ચાલવાની તૌફીકની દોઆ કરતા હતા.[xxiii]

(6) અબુ સાદિક, સુલૈમ બિન કૈસ હિલાલી આમેરી:

આપ કુફાના રહેવાસી હતા અને શીઆઓના પ્રથમ ચાર અઈમ્મા (અ.મુ.સ.)ના ખાસ સહાબીઓમાંથી હતા. આપે ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.)નો ઝમાનો પણ પામ્યો હતો. આપ અગાઉના શીઆ આલીમો અને બુઝુર્ગોમાંથી હતા તથા અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.)ના ભરોસાપાત્ર અને ચાહનારાઓમાંથી હતા.

ત્રીજા ખલીફાના ઝમાનામાં અબુઝર અને મિકદાદ વિગેરે સાથે આપને ગાઢ સંબંધો હતા. 35 હિજરી કમરીમાં જ્યારે અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.)એ જાહેરી ખિલાફત સંભાળી ત્યારે પણ આપ આગળ-આગળ હતા. તેઓ એક બાજુ કલમ થકી હક્કની મદદમાં વ્યસ્ત હતા તો બીજી બાજુ જરુરતના સમયે તલ્વાર લઈને મૈદાને જંગમાં પણ હાજર થતા જોવા મળ્યા અને શર્તતુલ્ખમીસમાં શામેલ થઈ ગયા. આ દરમ્યાન પણ તેઓ જંગના મૈદાનના બનાવોને લખીને ઈતિહાસમાં સુરક્ષિત કરતા રહ્યા.[xxiv]

જો કે આપ અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.)ના ખાસ સહાબીઓમાંથી હતા. આથી અલી (અ.સ.)ની ઝીંદગીના અંતિમ ત્રણ દિવસોમાં સતત આપની પાસે હાજર થતા રહ્યા અને તે દરમ્યાન પણ અલી (અ.સ.)ની બધીજ વસીય્યતોને અક્ષરરસ લખતા રહ્યા.[xxv]

(7) માલિક બિન હારીસ:

જેઓ માલિકે અશ્તર નખઈના નામથી પ્રખ્યાત છે. આપ ઈમામ અલી (અ.સ.)ના ખાસ સહાબીઓમાંથી અને આપના લશ્કરના કમાન્ડરોમાંથી હતા. ત્રીજા ખલીફાના ઝમાનામાં અબુઝરની મદદ કરવાના અને કુફાના ગર્વનરનો વિરોધ કરવાના ગુનાહમાં તેમને હુમસ નામની જગ્યાએ દેશનિકાલ કરવામાં આવ્યા હતા.

ખલીફાના કત્લ પછી આપ લોકોને અલી (અ.સ.)ની બયઅતની દઅવત દેનારાઓમાંથી હતા. ઈમામ અલી (અ.સ.)ની જાહેરી ખિલાફત દરમ્યાન જંગે જમલ અને જંગે સિફફીનમાં ઈમામ અલી (અ.સ.)ના કમાન્ડરોમાંથી હતા. ઈમામ અલી (અ.સ.)ની હુકુમત દરમ્યાન તેમને મિસ્રની ગર્વનરીની જવાબદારી સોંપવામાં આવી હતી. ઈમામ અલી (અ.સ.)એ તેઓને ‘ખુદાની તલ્વાર’નો લકબ આપ્યો હતો. ઈમામ અલી (અ.સ.)એ માલિકે અશ્તરને એક અહદનામુ (વચન અને વાયદાનો કરાર) લખ્યો હતો જે ‘અહદનામા એ માલિકે અશ્તર’ના નામથી પ્રખ્યાત અને ઈતિહાસમાં નોંધાએલો છે. આપ મિસ્ર પહોંચવા પહેલા જ શહાદતના મહાન મરતબા સુધી પહોંચી ગયા હતા.

(8) મોહમ્મદ બિન અબી બક્ર બિન અબી કહાફા:

આપ ઈમામ અલી (અ.સ.)ના અત્યંત નઝદીકના અને ખાસ સહાબીઓમાંથી હતા. તેમજ અલી (અ.સ.)ની જાહેરી ખિલાફત દરમ્યાન તેમને મિસ્રના ગર્વનર બનાવવામાં આવ્યા હતા.

આપ પહેલા ખલીફા અને અસ્મા બિન્તે ઉમૈસના પુત્ર હતા. અબુ બક્રના મૃત્યુ પછી જ્યારે ઈમામ અલી (અ.સ.)એ અસ્મા બિન્તે ઉમૈસ સાથે શાદી કરી ત્યારે આપ પોતાની માતા સાથે અલી (અ.સ.)ના ઘરમાં આવ્યા અને ત્યાં જ તેમની પરવરિશ થવા લાગી. આપની અને અલી (અ.સ.) દરમ્યાન એવા આત્મીય અને લાગણીના સંબંધો બંધાય ગયા કે ઈમામ અલી (અ.સ.) આપને પોતાની ઔલાદની જેમ સમજતા હતા. ઈમામ અલી (અ.સ.)ની નઝદીક આપનું સ્થાન અને દરજ્જો એવો દશર્વિવામાં આવે છે કે જેવો હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)ની નઝદીક અબુઝરનો હતો. આ રીતે આપ અને ઈમામ અલી (અ.સ.) દરમ્યાન ખૂબ જ ગાઢ મોહબ્બત અને આત્મીયતા કેળવાય ગઈ હતી. અલી (અ.સ.)ને પણ તેમની સાથે ખૂબ જ લગાવ હતો અને આપે તેમને ‘અબુબક્રની સુલ્બમાંથી પોતાનો પુત્ર’કરાર દીધો હતો. આ સંબંધમાં અલી (અ.સ.)એ નેહજુલ બલાગાહમાં આ પ્રમાણે ફરમાવ્યું છે:

‘તે (મોહમ્મદ) મારો મિત્ર છે. જો કે મેં તેની કેળવણી મારી ઔલાદની જેમ કરી છે.’ [xxvi]

આપ ઈમામ અલી (અ.સ.)ની જાહેરી ખિલાફતના ઝમાનામાં શર્તતુલ્ખમીસમાંથી હતા. તેમજ જંગે જમલ અને જંગે સિફફીનમાં આપ અલી (અ.સ.)ના લશ્કરના સિપેહ સાલાર હતા. હદીસો અને ઈતિહાસમાં આપના ખૂબ જ વખાણ અને પ્રસંશા કરવામાં આવી છે. અંતે મોઆવીયાએ જે મિસ્ર ઉપર હુમલો કર્યો તેમાં આપને શહીદ કરવામાં આવ્યા.

(9) મય્સમે તમ્માર અસદી કુફી:

આપ ઈમામ અલી (અ.સ.)ના ખૂબ જ નામવર અને પ્રખ્યાત સહાબી હતા. આપ અજમી (ગૈર અરબ) હતા પરંતુ તેઓ બની અસદની એક ખાતુનના ગુલામ હતા. આથી આપને તે કબીલાથી સંબંધિત કરવામાં આવ્યા હતા. પછી આપને અલી (અ.સ.)એ તે સ્ત્રી પાસેથી ખરીદીને આઝાદ કરી દીધા હતા. જ્યારે આપનું નામ પુછવામાં આવ્યું તો આપે કહ્યું: ‘માં નામ સાલીમ છે.’ હઝરત અલી (અ.સ.)એ ફરમાવ્યું કે મને પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ ખબર આપી છે કે આપના ગૈર અરબ માતા-પિતાએ તમાં નામ ‘મય્સમ’ રાખ્યું હતું. તો મય્સમે તે વાત સાચી હોવાનું કબૂલ કર્યું. પછી અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.)એ ફરમાવ્યું: ‘તમારા અગાઉના નામ તરફ રજુ થાવ કે જેનાથી તમને પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ પણ બોલાવ્યા છે.’ મય્સમે તે માન્ય રાખ્યુ અને ‘અબુ સાલિમ’ તેમની કુન્નીય્યત ઠેરવવામાં આવી. તેમની બીજી કુન્નીય્યત ‘અબુ સાલેહ’ હતી.[xxvii]

મય્સમ ઉપર ઈમામ અલી (અ.સ.)ની ખાસ નજરે ઈનાયત હતી. આપે ઈમામ (અ.સ.)થી ઘણા બધા ઈલ્મ હાસિલ કર્યા હતા. ઈમામ અલી (અ.સ.) આપની સાથે ઘણી બધી વાતચીત કરતા હતા. ઈમામ અલી (અ.સ.)એ આપને ‘અસ્રારે વસીય્યત’ એટલે કે ‘વસીય્યતના ભેદો’ ઉપરાંત ઘણા બધા ઈલ્મ શીખવ્યા હતા. ઈમામ અલી (અ.સ.)એ આપને ‘ગૈબની વાતો’થી માહિતગાર કર્યા હતા તેમજ આપને ‘પરખેલા મોઅમીનો’ માંથી કરાર દીધા હતા. તેમજ આપ રસુલે અકરમ (સ.અ.વ.)ના અમ્ર અને એહલેબૈત (અ.મુ.સ.)ની હદીસોને પામવાના અને તેને ઉઠાવવાના સિલસિલામાં સૌથી ઉચ્ચ અને બલંદ સ્થાને બિરાજમાન હતા. તે હકીકતો ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે મય્સમ રુહાની આધારે ઉચ્ચ મરતબો ધરાવતા હતા.[xxviii]

મોઆવીયા, અલી (અ.સ.) અને તેમના સહાબીઓને બુરુ-ભલુ કહેવાની સાથો-સાથ મય્સમની પણ બુરાઈ કરતો અને તેમને ગાળો આપતો. ઈમામ અલી (અ.સ.)ની શહાદત પછી મય્સમની ગણત્રી ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.)ના સહાબીઓમાં થવા લાગી હતી.[xxix]

મય્સમે ફાંસીના માંચડા ઉપરથી મોટા અવાજે લોકોને પોતાની તરફ બોલાવ્યા અને કહ્યુ કે હઝરત અલી (અ.સ.)ની છુપાએલી અને અચંબો પમાડનારી હદીસો સાંભળવા માટે એકઠા થઈ જાવ. તેમણે બની ઉમય્યાના ફીત્નાઓ અને બની હાશીમની અમૂક ફઝીલતો બયાન કરી. ઈબ્ને ઝીયાદે પોતાની રુસ્વાઈના ડરથી હુકમ આપ્યો કે મય્સમના મોઢા ઉપર લગામ મારી દેવામાં આવે. કહેવામાં આવે છે કે મય્સમ ઈસ્લામની પહેલી એવી વ્યક્તિ હતા કે જેમના મોઢા ઉપર લગામ બાંધવામાં આવી હતી.[xxx]

એક રિવાયત પ્રમાણે માંચડે લટકાવ્યા પછી ત્રીજા દિવસે મય્સમને પેટમાં ખંજરથી ઝખ્મી કરવામાં આવ્યા અને તે દિવસે જ સાંજના સમયે તેમના મોઢા અને નાકમાંથી લોહી નિકળવાનું શરુ થયુ અને તેઓ શહીદ થઈ ગયા.[xxxi]

આપણા કરોડો સલામ થાય તે અમીરુલ મોઅમેનીન અલી (અ.સ.)ની વિલાયતનો બચાવ કરનારા સહાબીઓ ઉપર કે જેઓએ પોતાની જાનની પરવા કર્યા વગર વિલાયત માટે પોતાની ગરદનો કપાવી અને પોતાના પવિત્ર લોહીથી કયામત સુધી હક્ક અને બાતીલની દરમ્યાન લાલ રેખા ખેંચી નાખી જેના લીધે કોઈના માટે પણ સેરાતે મુસ્તકીમ સુધી પહોંચવામાં કોઈ રુકાવટ બાકી ન રહે. આ જ કારણ છે કે આજે ચૌદસો વર્ષ પસાર થયા પછી પણ હક્કને શોધનારાઓ વિલાયતનો બચાવ કરનારા લોકોનો ઈતિહાસ વાંચીને તેમના નકશે કદમ ઉપર ચાલીને અલી એ મુર્તુઝા (અ.સ.)ની વિલાયતથી જોડાય જાય છે. તે વિલાયતનો બચાવ કરનારા સહાબીઓથી સબક મેળવીને રસ્તાની મુશ્કેલીઓને બરદાશ્ત કરતા રહે છે અને આ સિલસિલો ઈન્શાઅલ્લાહ ગદીરની વિલાયતના વારીસ, હઝરત હુજ્જત ઈબ્નિલ હસન અલ અસ્કરી (અ.સ.)ના ઝુહુર સુધી સતત જારી રહેશે. ત્યાં સુધી કે સમગ્ર દુનિયા ઉપર ગદીરી ઈસ્લામનો પરચમ લહેરાય જાય.

ખુદાયા! ઈમામ મહદી (અ.સ.)ના પુરનૂર ઝુહુરમાં જલ્દી ફરમાવ અને અમારો શુમાર તેમના ગુલામોમાં ફરમાવ. આમીન.

[i] ઓયુને અખ્બારે રેઝા (અ.સ.), શૈખ સદુક (અ.ર.), ભાગ-1, પાના નં. 146)

[ii] અલ ઈખ્તેસાસ, શૈખ મુફીદ (અ.ર.), જામેઆહ મુદર્રેસીન, પાના નં. 223

[iii] ઈખ્તેયારો મઅરેફતીર રેજાલ, શૈખ તુસી (અ.ર.), ભાગ-1, પાના નં. 46, પ્રકાશન 1404

[iv] અલ ઈરશાદ, શૈખ મુફીદ (અ.ર.), પાના નં. 636, પ્રકાશન 1388, અબુલ હય્સમ બિન તય્હાન (શહાદત હી.સ. 37, જંગે સીફફીન)

[v] નેહજુલ બલાગાહ, સુબ્હી સાલેહ, ખુત્બા નં. 182, પાના નં. 264, પ્રકાશન 1414

[vi] ઈખ્તેયારો મઅરેફતીર રેજાલ, શૈખ તુસી (અ.ર.), ભાગ-1, પાના નં. 177-183

[vii] અલ્યારી તબરેઝી, ભાગ-2, પાના નં. 350, મલાઝુલ અખ્બાર, મજલીસી,  ભાગ-1, પાના નં. 24

[viii] અલ ફવાએદુર રેજાલીયા, સૈયદ મહદી બહલ ઓલુમ, ભાગ-3, પાના નં. 36

[ix] રેજાલુલ બરકી, પાના નં. 3, અલ ઈખ્તેસાસ, પાના નં. 4

[x] રેજાલુલ બરકી, પાના નં. 3

[xi] અલ ઈખ્તેસાસ, પાના નં. 4

[xii] મોઅજમે રેજાલુલ હદીસ, ભાગ-5, પાના નં. 202

[xiii] બેહારૂલ અન્વાર, ભાગ-53, પાના નં. 108

[xiv] રેજાલુલ બરકી, પાના નં. 4, અલ ઈખ્તેસાસ, પાના નં. 2, બેહારૂલ અન્વાર, ભાગ-34, પાના નં. 272, તારીખે બગ્દાદી, ખતીબ બગ્દાદી, ભાગ-8, પાના નં. 268

[xv] રેજાલુલ બરકી, પાના નં. 4, અલ ઈખ્તેસાસ, અલ્લામા હીલ્લી (અ.ર.), પાના નં. 2, ખુલાસતુલ અક્વાલ (રેજાલુલ અલ્લામાહ), પાના નં. 83

[xvi] અત તબકાતુલ કુબરા, ભાગ-6, પાના નં. 225, અલ ઈખ્તેસાસ, પાના નં. 65

[xvii] અલ ઈખ્તેસાસ, પાના નં. 3

[xviii] રેજાલે કશી, પાના નં. 6

[xix] અલ ગદીર, ભાગ-1, પાના નં. 79-90

[xx] રેજાલે કશી, પાના નં. 6

[xxi] અસદુલ ગાબા, ઈબ્ને અસીર, ભાગ-3, પાના નં. 20

[xxii] યઅકુબી, ભાગ-2, પાના નં. 179

[xxiii] બેહારૂલ અન્વાર, ભાગ-42, પાના નં. 295, હીજરી 1403 (કમરી)

[xxiv] અસ્રારે આલે મોહમ્મદ, પાના નં. 20

[xxv] અસ્રારે આલે મોહમ્મદ, પાના નં. 21

[xxvi] તન્કીહુલ મકાલ, મામકાની, ભાગ-2, પાના નં. 58, નેહજુલ બલાગાહ, ખુત્બા નં. 67

[xxvii] રેજાલે કશી, પાના નં. 82, ઈરશાદ, શૈખે મુફીદ (અ.ર.), અઅલામુલ વરા બ’અલ્લામુલ હોદા, તબરસી, ભાગ-1, પાના નં. 341, અલ એસાબતો ફી તમીઝીસ સહાબા, ઈબ્ને હજરે અસ્કલાની, ભાગ-6, પાના નં. 249

[xxviii] તારીખે યાકુબી, ભાગ-2, પાના નં. 213-214, શાહઝાન કુમ્મી, અલ્ફઝાએલ, પાના નં. 103, ઈબ્ને અબીલ હદીદ શર્હે નહજુલ બલાગાહ, ભાગ-2, પાના નં. 291

[xxix] રેજાલે તુસી, શૈખ તુસી (અ.ર.), પાના નં. 96-105

[xxx] કાફી અલ કુલય્ની (અ.ર.), ભાગ-2, પાના નં. 220, રેજાલે કશી, પાના નં. 84-87, ખસાએસુલ અઈમ્મા (અ.મુ.સ.) શરીફ રઝી (ર.અ.), પાના નં. 55, ઈરશાદ શૈખ મુફીદ (અ.ર.), ભાગ-1, પાના નં. 324-325, 390, રવ્ઝતુલ વાએઝીન ફત્તાલ નિશાપુરી, ભાગ-2, પાના નં. 288-289

[xxxi] રેજાલે કશી, પાના નં. 78-81, ઈરશાદ શૈખ મુફીદ (અ.ર.), ભાગ-1, પાના નં. 325, શર્હે નેહજુલ બલાગાહ, ભાગ-2, પાના નં. 293-294

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*