જનાબે ફાતેમા ઝહરા (સ.અ.) મહેશરના મયદાનમાં

વાંચવાનો સમય: 3 મિનિટ

જાબીર બીન અબ્દુલ્લાહે અન્સારી (પયગમ્બર સ.અ.વ.ના ખાસ સહાબીઓમાંથી હતા) તેઓ કહે છે મેં ઈમામ બાકિર (અ.સ.)ને કહ્યું: હું તમારા ઉપર કુરબાન થાઉં! હું તમારી પાસે તમારી માતા ફાતેમા ઝહરા (સ.અ.)ની અઝમત વર્ણવતી એક એવી હદીસ ઈચ્છુ છું કે જ્યારે પણ તેને હું તમારા ખાનદાને રિસાલતના શીઆઓને વર્ણવું ત્યારે તેઓ ખુશખુશાલ થઈ જાય.

ઈમામ બાકિર (અ.સ.) એ ફરમાવ્યું: મારા પિતાએ રસુલે ખુદા (સ.અ.વ.)ની હદીસને ઉલ્લેખીને જણાવે છે કે પયગમ્બર (સ.અ.વ.)એ ફરમાવ્યું: જ્યારે કયામતનો દિવસ આવશે ત્યારે અલ્લાહના પયગમ્બરો માટે નૂરના મિમ્બરો સ્થાપિત કરવામાં આવશે કે જેમની વચ્ચે એક મિમ્બર સૌથી ઉંચુ હશે.

પછી અલ્લાહ તબારક વ તઆલા કહેશે: અય મારા પસંદીદા પયગમ્બર (સ.અ.વ.)! ખુત્બો આપો અને હું તે દિવસે એવો ખુત્બો આપીશ કે કોઈએ પણ, ત્યાં સુધી કે અલ્લાહના પયગમ્બરો અને નબીઓએ પણ, એવો ખુત્બો નહીં સાંભળ્યો હોય.

પછી પયગમ્બરોના જાનશીનોના મિમ્બરો સ્થાપવામાં આવશે અને તેમની વચ્ચે મારા જાનશીન અલી (અ.સ.)નું મિમ્બર સૌથી ઊંચું હશે. પછી ખુદાવંદે આલમ તેમને હુક્મ આપશે કે ખુત્બો આપે અને તેઓ એવો ખુત્બો આપશે કે તેવો ખુત્બો અલ્લાહના કોઈ પયગમ્બરના જાનશીને નહીં સાંભળ્યો હોય.

પછી પયગમ્બરોના ફરઝંદો માટે નૂરના મિમ્બરો સ્થાપિત કરવામાં આવશે અને મારા બે ફરઝંદો અને મારી ઝીંદગીના બાગના બે ફૂલો હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.) માટે પણ મિમ્બરો સ્થાપવામાં આવશે અને તેમને વિનંતી કરવામાં આવશે કે તેઓ ખુત્બો આપે અને તેઓ, મારી બન્ને આંખોના નૂર, ખુત્બો આપશે કે પયગમ્બરોના ફરઝંદોમાંથી કોઈ એકે પણ તેવો ખુત્બો સાંભળ્યો નહી હોય.

પછી વહીના ફરીશ્તા જ. જીબ્રઈલ(અ.સ.) અવાજ આપશે કે ‘ફાતેમા’ બુઝુર્ગ પયગમ્બર (સ.અ.વ.)ના દીકરી કયાં છે?

પછી જ. ફાતેમા (સ.અ.) ઉભા થશે.
અલ્લાહ તરફથી અવાજ આવશે: અય એહલે મહેશર! હવે જલાલત અને બુઝુર્ગી કોના માટે છે?

પયગમ્બર (સ.અ.વ.) અમીરુલ મોઅમેનીન (અ.સ.) અને તેમના બન્ને ફરઝંદો જવાબ આપશે અલ્લાહ વહદહુ લાશરીક માટે છે.

ખુદાવંદે આલમ ફરમાવશે:

‘અય એહલે મહેશર! હું અઝમત અને બુઝુર્ગીને મારા પસંદીદા પયગમ્બર મોહમ્મદ (સ.અ.વ.) અને મારા મેહબૂબ બંદા અલી (અ.સ.), ફાતેમા (સ.અ.) તથા હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.)ને આપું છું.

આગાહ થઈ જાવ અય એહલે મહેશર! તમારા માથાને નીચું કરી નાખો અને તમારી નિગાહોને ઉંચી ન કરતા. આ પયગમ્બર (સ.અ.વ.)ના દીકરી ફાતેમા છે કે જેઓ જન્નત તરફ કદમ ઉપાડી રહ્યા છે.

પછી જીબ્રઈલે અમીન જન્નતના ઊંટોમાંથી એક ઊંટ કે જેને બન્ને બાજુએ જન્નતની જાત જાતની શોભાથી શણગારવામાં આવ્યું હશે, જેની લગામ મોતીની હશે અને તેનું તાજ અને ઝીન મરજાનમાંથી બનેલું હશે, તેને લઈને આવશે અને બન્ને જહાનની સ્ત્રીઓની સરદાર આ ઊંટ ઉપર સવાર થશે. પછી અલ્લાહ મહેરબાન હુક્મ આપશે એક લાખ ફરીશ્તાઓ જમણી બાજુ અને એક લાખ ફરીશ્તાઓ તેમની ડાબી બાજુ તેમની સાથે સાથે ચાલતા હશે અને એક લાખ ફરીશ્તાઓને નિયુકત કરવામાં આવશે કે તેઓ જ. ફાતેમા (સ.અ.)ને પોતાની પાંખો ઉપર ઉપાડે અને આ જલાલ અને બુઝુર્ગીની સાથે તેઓ બેહીશ્તના દરવાજે પહોંચી જશે.

જ્યારે તેઓ બેહીશ્તના દરવાજે પહોંચશે ત્યારે તેઓ પાછળ નજર કરશે અને અલ્લાહ તરફથી અવાજ આવશે અય મારા મેહબૂબ પયગમ્બર (સ.અ.વ.)ની પુત્રી શા માટે જન્નતમાં દાખલ નથી થતા?

જ.ઝહરા (સ.અ.)જવાબ આપશે: ખુદાવંદે આલમ! હું ઈચ્છું છું કે આજના દિવસે તું મારા મકામ અને મરતબાને બધાના માટે જાહેર કર.

જવાબ આવશે: અય મારા હબીબના પુત્રી! પાછા ફરો અને મહેશર તરફ નજર કરો અને જે કોઈના દિલમાં તમારી તથા તમારા મઅસુમ ફરઝંદોની મોહબ્બત છે તેનો હાથ પકડો અને તેને જન્નતમાં દાખલ કરી દો.

પછી ઈમામ બાકિર (અ.સ.) ફરમાવે છે: અય જાબીર! અલ્લાહની કસમ મારી માતા ફાતેમા (સ.અ.) તે દિવસે પોતાના શીઆઓ અને ચાહનારાઓને લોકોની વચ્ચેથી એવી રીતે જુદા તારવી લેશે જેવી રીતે પક્ષી ખરાબ દાણાઓની વચ્ચેથી સારા દાણાઓને ચુંટી લે છે.

પછી તેઓના શીઆઓ જન્નત તરફ રવાના થશે.

જ્યારે તેઓ જન્નતના દરવાજે પહોંચશે ત્યારે તેઓના દિલો પર ઇલ્હામ થશે કે ઉભા રહી જાવ અને તેઓ ઉભા રહી જશે. તે સમયે પરવરદિગારે આલમ અવાજ આપશે.

‘અય મારા દોસ્તો! તમે શા માટે ઉભા રહી ગયા જ્યારે કે તમોને તો જ. ફાતેમા (સ.અ.)ની શફાઅત મળી ગઈ છે?’

તેઓ જવાબ આપશે: અય પરવરદિગાર! અમે ઈચ્છીએ છીએ કે આજના દિવસે ઈબાદત તથા એહલેબૈત (અ.મુ.સ.)ની મોહબ્બતની કદ્રો-કિંમત જોઈએ અને અમારા દરજ્જાને પણ ઓળખવામાં આવે.

અવાજ આવશે: મારા દોસ્તો! મહેશરના મયદાન તરફ નઝર કરો અને

જેણે પણ તમને ફાતેમા (સ.અ.)ની ખાતર મોહબ્બત કરી હોય,

જેણે પણ ફાતેમા (સ.અ.)ની મોહબ્બતના કારણે તમને ખાવાનું ખવરાવ્યું હોય અને એહસાન કર્યો હોય, જેણે પણ ફાતેમા (સ.અ.)ની મોહબ્બતના કારણે તમારા શરીરને લિબાસ પહેરાવ્યો હોય,

જેણે પણ ફાતેમા (સ.અ.)ની મોહબ્બતના કારણે મીઠું પાણી પિવરાવ્યું હોય,

અને જેણે પણ ગીબત કરનારને તમારી ગીબત કરતા જ. ફાતેમા (સ.અ.)ની મોહબ્બતના કારણે અટકાવ્યો હોય અને તમારૂ રક્ષણ કર્યું હોય તે બધાના હાથ પકડો અને તેઓને પોતાની સાથે હંમેશાની જન્નતમાં દાખલ કરી દો.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*