ઈમામ હુસૈન (અ.સ.) એહલે સુન્નતમાં

વાંચવાનો સમય: 15 મિનિટ

વિલાદત:

ઈમામ હુસૈન ઇબ્ને અલી (અ.સ.)ની મદીનામાં 3 શાબાન, હી.સ. 4 ના મંગળવારના દિવસે વિલાદત થઈ હતી. જેવી આપ (અ.સ.)ની વિલાદત થઈ, આપને આપના નાના રસુલે ખુદા (સ.અ.વ.) પાસે લઈ જવામાં આવ્યા. રસુલુલ્લાહ (સ.અ.વ.) આપને જોઈને ખુશ થયા અને પોતે આપ (અ.સ.)ના જમણા અને ડાબા કાનમાં અઝાન અને એકામહ કહી.

રસુલુલ્લાહ (સ.અ.વ.)એ પોતાની દુખ્તર જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ને નસીહત કરી કે ફરઝંદનું માથુ મુંડાવો અને વાળના વજન બરાબર ચાંદી આપો.

ઈમામ (અ.સ.) પોતાના નાના સાથે 6 વર્ષ, પોતાના પિતા સાથે 29 વર્ષ 11 મહીના, પોતાના ભાઈ ઈમામ હસન (અ.સ.) સાથે 10 વર્ષ વિતાવ્યા. આપ (અ.સ.) આપના ભાઈ સાથે 10 વર્ષ રહ્યા જે તેમની ઈમામતનો સમયગાળો હતો.

નામ અને લકબ:

ઈમામ હુસૈન (અ.સ.)ની કુન્નીયત અબુઅબ્દિલ્લાહ છે. આપના ઘણા લકબો છે, જેમાં સૌથી પ્રખ્યાત આપની શહાદતથી મળ્યો, તે છે સય્યદુશ્શોહદા (શહીદોના સરદાર). આ જનાબે હમ્ઝા, રસુલુલ્લાહ (સ.અ.વ.)ના કાકાનો લકબ હતો, જેના દ્વારા મુસલમાનો રસુલુલ્લાહ (સ.અ.વ.)ના નવાસા ઈમામ હુસૈન (અ.સ.)ને તેમની શહાદત બાદ સંબોધતા.

આપના ભાઈ ઈમામ હસન (અ.સ.)ની જેમજ અલ્લાહના હુકમથી ઈમામ હુસૈન (અ.સ.)નું નામ પણ રસુલુલ્લાહ (સ.અ.વ.)એ રાખ્યું હતું.

એક દિવસ રસુલુલ્લાહ (સ.અ.વ.)એ મને બોલાવ્યો અને ફરમાવ્યું: મને હુકમ કરવામાં આવ્યો છે કે હું તેઓના નામ હસન અને હુસૈનમાં બદલી નાખું.

બીજી રિવાયત પ્રમાણે રસુલુલ્લાહ (સ.અ.વ.) ફરમાવે છે: હસન અને હુસૈન નામો નબી હારૂન (અ.સ.)ના ફરઝંદોને અનુસરે છે. તેમના ફરઝંદોના નામ શબ્બર અને શબ્બીર હતા અને મેં તે નામોને અનુસરતા નામો રાખ્યા છે જે અરબીમાં હસન અને હુસૈન થાય છે.

શહાદતની આગાહી:

ઈમામ હુસૈન (અ.સ.)ની શહાદતની ખબર રસુલુલ્લાહ (સ.અ.વ.) દ્વારા અસ્મા બિન્તે ઉમૈસને આપ (અ.સ.)ની વિલાદતના સમયે આપવામાં આવી. અસ્મા નકલ કરે છે, જ્યારે ઈમામ હુસૈન (અ.સ.)ની વિલાદત થઈ, રસુલુલ્લાહ (સ.અ.વ.) ઘરે તશરીફ લાવ્યા અને ફરમાવ્યું: મારા ફરઝંદને મારી પાસે લાવો. હું તે બાળકને સફેદ કપડામાં લપેટીને લઈ ગઈ અને રસુલુલ્લાહ (સ.અ.વ.)ને હવાલે કર્યા. આપ (સ.અ.વ.)એ તે બાળકના જમણા કાનમાં અઝાન અને ડાબા કાનમાં એકામહ આપી. પછી હજુ બાળક આપની પાસેજ હતું કે આપ (સ.અ.વ.) રડવા લાગ્યા.

મે આશ્ર્ચર્યથી પુછયું: મારા માં-બાપ આપના ઉપર કુરબાન થાય, કઈ વસ્તુ આપને રડાવે છે?

આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું: આ ફરઝંદના લીધે.

મેં પુછયું: આની તો હજુ વિલાદત થઈ છે અને તે તમારા રડવાનું સબબ છે?

આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું: હા, અય અસ્મા. એક બળવાખોર સમુહ તેમને શહીદ કરશે. અલ્લાહ તેઓને મારી શફાઅતથી દૂર રાખે. આ ખબરના બારામાં જનાબે ફાતેમા (સ.અ.)ને ન બતાવતા કારણકે વિલાદતથી તેઓ ખુશ છે અને આ ખબર તેઓને ગમગીન કરી દેશે.

એક દિવસ ઉમ્મે ફઝલ, રસુલુલ્લાહ (સ.અ.વ.)ના કાકા જનાબે અબ્બાસના પત્નિ રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ખિદમતમાં આવ્યા અને આપ (સ.અ.વ.)ને ફરમાવ્યું: યા રસુલુલ્લાહ! મેં આજે રાત્રે એક ખૌફનાક સપનું જોયુ છે. મેં જોયું કે તમારા ગોશ્તનો ટુકડો મારા હાથોમાં પડયો.

રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું: આ સપનુ સાચુ છે. ફાતેમા (સ.અ.)ના ઝરીએ એક ફરઝંદની વિલાદત થશે અને તે તમારી પાસે લાવવામાં આવશે.

જેવી રીતે ઈમામ હુસૈન (અ.સ.)ની વિલાદતની આગાહી કરવામાં આવી હતી એ મુજબ આપ (અ.સ.)ને મારા ખોળામાં લાવવામાં આવ્યા, હું તે બાળકને રસુલુલ્લાહ (સ.અ.વ.)ની પાસે લઈ ગઈ. થોડા સમય માટે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ પોતાની નઝરો તે બાળકથી દૂર રાખી. પછી જ્યારે ફરીવાર તેમની તરફ નઝર કરી તો આપ (સ.અ.વ.)ની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી.

મેં કહ્યું: યા રસુલુલ્લાહ! મારા માં-બાપ આપના ઉપર કુરબાન થાય, શા માટે તમે રડી રહ્યા છો?

આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું: મને હમણાંજ જીબ્રઈલ દ્વારા ખબર આપવામાં આવી કે મારી ઉમ્મત આમને શહીદ કરશે.

જ્યારે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) જંગે સીફફીન (મોઆવીયા સામે લડવા)માં કરબલાથી પસાર થયા તો આપ (અ.સ.) ત્યાં રોકાણા. આપ (અ.સ.) એટલુ રડયા કે તેમની નીચેની ઝમીન આંસુઓથી તર થઈ ગઈ.

આપ (અ.સ.)એ ફરમાવ્યું: એક દિવસ હું રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ખિદમતમાં ગયો અને આપ (સ.અ.વ.)ને રડતા જોયા. મેં પુછયું: મારા માં-બાપ આપના ઉપર કુરબાન થાય! યા રસુલુલ્લાહ! કઈ વસ્તુ આપને રડાવે છે? આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું: હમણાંજ જીબ્રઈલ અહીંયા હતા અને મને જણાવ્યું કે મારા આ ફરઝંદ હુસૈન (અ.સ.)ને કરબલાની ઝમીન ઉપર નહેરે ફુરાત પાસે શહીદ કરી દેવામાં આવશે. આપ (સ.અ.વ.)એ તે ઝમીનની માટી મારા માટે લાવ્યા અને મને સુંઘાડી અને હું પણ આના ઉપર રડવા લાગ્યો.

તેજ જગ્યા ઉપર અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ઉભા હતા અને ફરમાવ્યું: આજ એ જગ્યા છે જ્યાં તેઓનું ખૂન વહાવવામાં આવશે. મોહમ્મદ (સ.અ.વ.)ની આલમાંથી એક સમુહને અહીં શહીદ કરી દેવામાં આવશે ત્યાં સુધી કે ઝમીન અને આસમાન તેઓ ઉપર રડશે.

રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથે મુશાબેહત (સામ્યતા):

ઘણી બધી રિવાયતો છે જે બતાવે છે કે ઈમામ હુસૈન (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.)ના શબીહ હતા, અલબત્ત આપ સૌથી વધુ રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથે મળતા આવતા હતા. ઘણા બધા સહાબીઓએ નોંધ્યુ છે કે ઈમામ હુસૈન (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથે શારીરિક અને રૂહાનીય્યત બન્ને રીતે મુશાબેહત ધરાવતા હતા ત્યાં સુધી કે જ્યારે પણ સહાબીઓ ઈમામ હુસૈન (અ.સ.)ને જોતા તો તેઓને રસુલુલ્લાહ (સ.અ.વ.)ની યાદ આવી જતી.

આસીમ બિન કુલૈબ તેમના પિતાથી નકલ કરે છે કે, તેમના પિતા કહે છે કે મેં એક સપનુ જોયુ કે જેમાં મેં રસુલુલ્લાહ (સ.અ.વ.) જેવી એક વ્યક્તિને જોઈ. મેં મારૂ સપનુ ઈબ્ને અબ્બાસને બયાન કર્યું જેથી જાણું કે મારૂં સપનુ સાચુ છે કે ખોટું.

ઈબ્ને અબ્બાસે પુછયું: જ્યારે તમે સપનુ જોયુ ત્યારે તમને હુસૈન (અ.સ.) યાદ આવ્યા?

તેમને કહ્યું: અલ્લાહની કસમ! જેવી રીતે રસુલુલ્લાહ (સ.અ.વ.) ચાલતા અને તેમના પગલા પડતા તેવીજ રીતે હુસૈન ઈબ્ને અલી (અ.સ.) ચાલતા.

ઈબ્ને અબ્બાસ: આ એટલા માટે છે કે હુસૈન (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.)ની શબીહ હતા.

અનસ બિન માલીક કહે છે: હું ઉબૈદુલ્લાહ બિન ઝિયાદના દરબારમાં હતો જ્યારે હુસૈન ઈબ્ને અલી (અ.સ.)નું સર મજમાની સામે એક થાળમાં લાવવામાં આવ્યું. ઈબ્ને ઝિયાદ સતત છડી વડે ઈમામ હુસૈન ઈબ્ને અલી (અ.સ.)ના ચહેરા અને આંખોને મારી રહ્યો હતો. તેણે તોછડાઈથી કહ્યું કે હું આ સરમાં કોઈ ફઝીલત નથી જોતો.

અનસ બિન માલીકે તેને આમ કહીને ઠપકો આપ્યો: અય ઈબ્ને ઝિયાદ! શું તું નથી જાણતો કે હુસૈન બિન અલી (અ.સ.)નો ચહેરો રસુલુલ્લાહ (સ.અ.વ.)થી સૌથી વધુ મુશાબેહત રાખે છે?

રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઈમામ હુસૈન (અ.સ.) માટે લાગણી:

રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઈમામ હુસૈન (અ.સ.) માટે લાગણી નોંધપાત્ર હતી. ઈતિહાસની કિતાબોમાં રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) માટેની લાગણીના ઘણા બધા સંદર્ભો બયાન થયા છે. જ્યારે આના વિષે ઘણા બધા બનાવો અને હદીસો મૌજુદ છે.

જેમકે આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું: હુસૈન (અ.સ.) મારાથી છે અને હું હુસૈન (અ.સ.)થી છું. અલ્લાહ તેને ચાહે છે જે હુસૈન (અ.સ.)ને ચાહે.

ઝૈદ બિન હારેસા કહે છે: મારે રસુલુલ્લાહ (સ.અ.વ.)ને મળવું હતું અને એક રાત્રીએ આપ (સ.અ.વ.)ના ઘરે ગયો. મેં દરવાજો ખખડાવ્યો. રસુલુલ્લાહ (સ.અ.વ.) દરવાજા ઉપર આવ્યા. જ્યારે મેં મારૂ કામ પૂર્ણ કરી નાખ્યું, મેં રસુલુલ્લાહ (સ.અ.વ.)ને સવાલ કર્યો: યા રસુલુલ્લાહ! તમારી પાસે શું છે? આપ (સ.અ.વ.)એ હસન અને હુસૈન (અ.મુ.સ.)ને બહાર કાઢયા જેઓને આપે પોતાની પાછળ છુપાવી રાખ્યા હતા અને ફરમાવ્યું: આ મારા ફરઝંદો છે અને મારી દુખ્તરના પણ ફરઝંદો છે.

પછી આપ (સ.અ.વ.)એ પોતાનો ચહેરો આસમાન તરફ બલંદ કર્યો અને દોઆ કરી: અય અલ્લાહ! તું જાણો છો કે હું આ બન્નેથી ખુબજ મોહબ્બત કરૂં છું. તો તું પણ તેઓને મોહબ્બત કર અને તેઓને પણ જેઓ તેમનાથી મોહબ્બત કરે.

સલમાને મોહમ્મદી (ર.અ.)એ પણ રસુલુલ્લાહ (સ.અ.વ.)થી ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.)ના બારામાં નકલ કર્યું છે કે: જે કોઈ આ બન્નેથી મોહબ્બત કરે, હું તેનાથી મોહબ્બત કરૂં છું. અલ્લાહ મારા મહેબુબને મોહબ્બત કરે છે. અલ્લાહ જેનાથી મોહબ્બત કરે છે તેને જન્નતમાં દાખલ કરે છે. જે કોઈ તેમનાથી દુશ્મની કરે અથવા તેમની સામે બળવો કરે, તો હું પણ તેની સાથે દુશ્મની રાખુ છું. અલ્લાહ તેનાથી દુશ્મની રાખે છે જેનાથી હું દુશ્મની રાખુ છું. જે અલ્લાહે સાથે દુશ્મની રાખે છે અલ્લાહ તેને જહન્નમમાં દાખલ કરશે જેમાં તે હંમેશાના અઝાબમાં ગીરફતાર થશે.

રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઈમામ હુસૈન (અ.સ.) પ્રત્યે મોહબ્બત અને લાગણીની આવી હદીસો અને બનાવો છુપાએલા નથી. આ ઘણી બધી કિતાબો અને લેખોનો વિષય છે. આ બાબતની હકીકત એ છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ સ્પષ્ટ રીતે સમયાંતરે મુસલમાનોમાં આ બાબત સ્થાપિત કરી દીધી હતી જેથી આ બાબતમાં તેઓ અને દરેક ઝમાનાના મુસલમાનો હકક અને બાતીલ વચ્ચે સ્પષ્ટ રીતે ભેદ પારખી શકે. રસુલુલ્લાહ (સ.અ.વ.)ની આ હદીસો તે લોકોને ઓળખવા માટે મદદરૂપ થાય છે જેઓ આપ (સ.અ.વ.)ની આલ પ્રત્યે નફરત અને બુગ્ઝ રાખે છે અને તેઓની દ્રુષ્ટતાને લોકો સમક્ષ ઉઘાડુ પાડે છે.

આપ (સ.અ.વ.)એ સ્પષ્ટપણે તેઓને એમ કહી અલગ કરી દીધા કે એહલેબૈત (અ.મુ.સ.) સામે જંગ તે મારી સામે જંગ છે. પ્રખ્યાત સુન્ની આલીમોએ અબુ હુરૈરા અને ઝૈદ બિન અરકમ જેવા સહાબીઓથી હદીસો વર્ણવી છે કે જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.) પોતાની મરણ પથારીએ હતા, આપ (સ.અ.વ.)એ અલી (અ.સ.), ફાતેમા (સ.અ.), હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.) તરફ રૂખ કર્યો અને ફરમાવ્યું: હું તેની સાથે જંગ ઉપર છું જે તમારી સાથે જંગ ઉપર હોય અને હું તેની સાથે સુલેહ ઉપર છું જે તમારી સાથે સુલેહ ઉપર હોય.

રસુલુલ્લાહ (સ.અ.વ.)ની એહલેબૈત (અ.મુ.સ.)ના અનુસંધાનમાં ચેતવણી ઘણા બધા પ્રસંગો ઉપર નોંધાએલ છે. નકલ કરવામાં આવ્યું છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.) વારંવાર એહલેબૈત (અ.મુ.સ.)ના ઘરની સામે ઉભા રહી ફરમાવતા: હું તેઓ સાથે જંગ ઉપર છું જેઓ તમારી સાથે જંગ ઉપર છે અને હું તેઓ સાથે સુલેહ ઉપર છું જેઓ તમારી સાથે સુલેહ ઉપર છે.

ઈબ્ને આઝીબ નકલ કરે છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ઈમામ હુસૈન (અ.સ.)ને સંબોધીને ફરમાવ્યું: તે (હુસૈન અ.સ.) મારાથી છે અને હું હુસૈન (અ.સ.)થી છું. મારા સંબંધમાં જે કાંઈ પ્રતિબંધિત છે તે તેમના સંબંધમાં પણ પ્રતિબંધિત છે.

જનાબે જીબ્રઈલ (અ.સ.)નું ઈમામ હુસૈન (અ.સ.)ના પ્રત્યે લાગણીના બારામાં બનાવો ઘણી બધી કિતાબોમાં નોંધવામાં આવ્યા છે.

એક વખત ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.), જ્યારે કે તેઓ હજુ બાળકો હતા, રસુલુલ્લાહ (સ.અ.વ.) સામે એક-બીજા સાથે કુશ્તી કરી રહ્યા હતા. રસુલુલ્લાહ (સ.અ.વ.) સતત ઈમામ હસન (અ.સ.)ને સમર્થન આપી રહ્યા હતા. આ જોઈને જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)એ ફરમાવ્યું: અય બાબા! તમે નાના ભાઈને સમર્થન આપવાના બદલે હસન (અ.સ.)ને સમર્થન આપો છો, જ્યારે કે તેઓ મોટા ભાઈ છે. રસુલુલ્લાહ (સ.અ.વ.)એ આ મુજબ સમજાવ્યું: આ એટલ માટે કે જીબ્રઈલ (અ.સ.) જેઓ સ્પર્ધા જોઈ રહ્યા છે તેઓ હુસૈન (અ.સ.)ને સમર્થન આપે છે. આ ઉપરાંત ઘણા બધા પ્રસંગો છે જેમાં રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) પ્રત્યે લાગણી જાહેર થાય છે. આવોજ એક પ્રસંગ ખાસ કરીને નોંધપાત્ર છે જેમાં રસુલુલ્લાહ(સ.અ.વ.) શામેલ હતા જ્યારે કે આપ (સ.અ.વ.) જમાત નમાઝ પડાવી રહ્યા હતા. ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) જેઓ હજુ બાળકો હતા, પોતાના નાનાની પાસે આવ્યા, આપ (સ.અ.વ.) સજદામાં હતા ત્યારે આપના ખભાઓ ઉપર બેસી ગયા. એક સહાબી આ બનાવને જોઈ રહ્યો હતો અને બાળકોને દૂર કરવાની કોશિશ કરી જેથી રસુલુલ્લાહ (સ.અ.વ.) પોતાની નમાઝને પુરી કરે. રસુલુલ્લાહ (સ.અ.વ.) એ ઈશારો કર્યો કે તેઓને ત્યાં રહેવા દે. આપ (સ.અ.વ.) પછી તેઓને નમ્રતાપૂર્વક પોતાના પગ તરફ લાવ્યા અને તેઓને પોતાની સાથળો ઉપર બેસાડયા.

એક વખત, જ્યારે આપ (સ.અ.વ.) જમાઅત નમાઝ પડાવી રહ્યા હતા ત્યારે આપ (સ.અ.વ.)એ સામાન્ય કરતા વધારે સજદાને લંબાવ્યો. નમાઝ પુરી કર્યા બાદ સહાબીઓએ આપ (સ.અ.વ.)ને સવાલ કર્યો: આપે શા માટે સજદાને લંબાવ્યો? શું તે સમયે આપના ઉપર વહી નાઝીલ થઈ રહી હતી અથવા કોઈ નવો હુકમ નાઝીલ થયો?

રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું: મેં સજદાને એટલે લંબાવ્યો કારણકે હુસૈન (અ.સ.) મારા ખભાઓ ઉપર આવી ગયા હતા અને હું તેમને પરેશાન કરવા ચાહતો ન હતો. હું ચાહતો હતો કે તે મારા ખભાઓ ઉપર બેસીને આનંદ પ્રાપ્ત કરે.

ઉમર બિન ખત્તાબ કહે છે: એક વખત મેં રસુલ (સ.અ.વ.)ને જોયા જ્યારે કે ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.)ને તેમના ખભાઓ ઉપર બેસેલા હતા. મેં બાળકો તરફ રૂખ કર્યો અને આશ્ર્ચર્યથી કહ્યું: કેવી ખુબસુરત સવારી છે? રસુલુલ્લાહ (સ.અ.વ.)એ સામો જવાબ આપ્યો: કેવા ખુબસુરત સવારો!

ઈબ્ને બુરૈદા નકલ કરે છે: એક દિવસ રસુલુલ્લાહ (સ.અ.વ.) મસ્જીદમાં ખુત્બો આપી રહ્યા હતા. જ્યારે આપની નિગાહ ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) ઉપર પડી જેઓ લાલ કપડા પહેરેલા હતા અને જમાતમાં આવવાનો રસ્તો ગોતી રહ્યા હતા. રસુલુલ્લાહ (સ.અ.વ.) મીમ્બર ઉપરથી નીચે તશરીફ લાવ્યા, તેઓને ઉઠાવ્યા અને તેઓને પોતાની સાથે મીમ્બર ઉપર બેસાડયા.

પછી આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું: અલ્લાહ અને તેના રસુલે સાચુ કહ્યું છે.

અય ઈમાન લાવનારાઓ! બેશક તમારી પત્નિઓ અને તમારી ઔલાદમાંથી અમૂક તમારા માટે ઈમ્તેહાન છે.”

(સુરએ તગાબુન 64:14)

જ્યારે આ બાળકો મારી સામે આવે છે ત્યારે મને એટલી અસર થાય છે કે હું બોલી પણ નથી શકતો. એક વખત રસુલુલ્લાહ (સ.અ.વ.)ને પોતાની દુખ્તર જનાબે ફાતેમા (સ.અ.)ના ઘર પાસેથી પસાર થવાનું થયું, ત્યારે આપ (સ.અ.વ.)એ હુસૈન (અ.સ.)ની રડવાની અવાજ સાંભળી. આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું: હુસૈન (અ.સ.)ને શાંત કરો જેથી તે રડવાનું બંધ કરે. શું તમે નથી જાણતા કે તેમનું રડવું મને બેચૈન કરી દે છે?

ઈમામ હુસૈન (અ.સ.)નો વંશ:

હુઝૈફા યમાની (અ.ર.) નકલ કરે છે ‘એક વખત રસુલુલ્લાહ (સ.અ.વ.) મસ્જીદમાં દાખલ થયા જ્યારે કે આપ (સ.અ.વ.)ના હાથોમાં હુસૈન (અ.સ.) એવી રીતે હતા કે બાળકના પગો આપ (સ.અ.વ.)ની છાતી ઉપર હતા, આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું:

અય લોકો! હું જાણું છું કે તમો મારી બાદ (વંશમાં) શ્રેષ્ઠ વ્યક્તિ બાબતે વિવાદ કરશો. બેશક શ્રેષ્ઠ વ્યક્તિ હુસૈન બિન અલી છે. કોના મોહમ્મદ (સ.અ.વ.) કરતા સારા નાના છે? કોની ખદીજા બિન્તે ખુવૈલીદ (સ.અ.) કરતા બહેતર નાની છે? જે અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.) ઉપર ઈમાન લાવવામાં બીજાઓ કરતા આગળ હતા? હુસૈન ઈબ્ને અલી (અ.સ.) પાસે શ્રેષ્ઠ માતા અને પિતા છે. તેમના પિતા અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) છે, જે અલ્લાહના રસુલ (સ.અ.વ.)ના ભાઈ, ભરોસાપાત્ર અને સગાવ્હાલા છે. તેમના માતા જનાબે ફાતેમા (સ.અ.) છે, જે દરેક ઝમાનાની ઔરતોના સરદાર છે. હુસૈન ઈબ્ને અલી (અ.સ.)ના કાકા અને ફઈ છે. તેમના કાકા જનાબે જઅફર બિન અબી તાલિબ (અ.સ.) જેમને અલ્લાહ દ્વારા બે પાંખો આપવામાં આવી છે તેથી તે જ્યારે ચાહે જન્નતમાં ઉડે અને હુસૈન ઈબ્ને અલી (અ.સ.)ના ફઈ જનાબે ઉમ્મે હાની બિન અબી તાલિબ (અ.સ.) છે. પછી રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ઈમામ હુસૈન (અ.સ.)ને પોતાના હાથોથી એવી રીતે નીચે ઉતાર્યા કે આપ લોકોની સામે હતા અને ફરમાવ્યું:

અય લોકો! આ હુસૈન છે જેમના નાના અને નાની જન્નતમાં છે. જેમના કાકા અને ફઈ જન્નતમાં છે. તે પોતે અને તેમના ભાઈ પણ જન્નતમાં જશે.

સહાબીઓની નઝરમાં ઈમામ હુસૈન (અ.સ.)ની ફઝીલત:

એક વખત અબુ હુરૈરા રસ્તાની બાજુમાં બેઠા હતા ત્યારે ત્યાંથી એક જનાઝો પસાર થયો. ઈમામ હુસૈન (અ.સ.) જનાઝાની સાથે હતા અને ઈમામ હુસૈન (અ.સ.)ના પગમાંથી માટી અબુ હુરૈરાના કપડાઓ ઉપર પડી રહી હતી. અબુ હુરૈરાએ પરવા ન કરી અને તેના બદલે પોતાના કપડા ઉપર માટી નાખી રહ્યા હતા. ઈમામ હુસૈન (અ.સ.)એ સવાલ કર્યો: તમે અહિંયા બેસીને શું કરી રહ્યા છો? અબુ હુરૈરાએ જવાબમાં કહ્યું: અલ્લાહની કસમ! અગર લોકો તમારી ફઝીલત જાણી લેત તો તેઓ પોતાની ગરદનો ઉપર તમને ઉપાડવાનું પસંદ કરત.

મુદરીક બિન અમ્મારાહ નકલ કરે છે: એક વખત મેં ઈબ્ને અબ્બાસને જોયા જ્યારે તેઓના હાથમાં ઈમામ હસન અને ઈમામ હુસૈન (અ.સ)ની સવારીઓની લગામ હતી. મેં વિરોધ કર્યો: શા માટે તમે આમ કરી રહ્યા છો જ્યારે કે તમો તેમનાથી મોટા (બુઝુર્ગ) છો? તેઓએ કહ્યું: તેઓ રસુલુલ્લાહ (સ.અ.વ.)ના નવાસાઓ છે અને આપ (સ.અ.વ.)ના ચહીતા છે. મારા માટે આના કરતા કઈ વસ્તુ વધુ નસીબદાર હશે સિવાય કે આ રીતે લગામને પકડવી?

ઈમામ હુસૈન (અ.સ.)ની ફઝીલત અને દરજ્જાઓ બયાન કરતા બનાવોથી ઘણાય પાનાઓ ભરાઈ શકે છે. અમોએ ઘણા બધા બનાવોમાં ફકત થોડાજ ઉદાહરણ પુરતા રજુ કર્યા છે.

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.)થી ફરમાવે છે:

હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.) જન્નતના જવાનોના સરદાર છે.

તેવીજ રીતે ઈબ્ને અબ્બાસ પણ રસુલુલ્લાહ (સ.અ.વ.)થી નકલ કરે છે કે આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું: હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.) જન્નતના જવાનોના સરદાર છે. જે કોઈ તેમને ચાહે છે, બેશક તે મને પણ ચાહે છે. જે કોઈ તેમને નારાઝ કરે છે, બેશક તેણે મને પણ નારાઝ કર્યો.

રસુલુલ્લાહ (સ.અ.વ.)થી આવીજ હદીસ ઉમર બિન ખત્તાબ અને તેના દિકરા અબ્દુલ્લાહથી નકલ કરવામાં આવી છે.

હુઝૈફા યમાની, રસુલુલ્લાહ (સ.અ.વ.)ના માનવંત સહાબી નકલ કરે છે: એક રાત્રીએ હું રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથે હતો. મેં મગરીબની નમાઝ આપ (સ.અ.વ.) સાથે અદા કરી. ત્યારબાદ હું તેમની રાહ જોતો હતો જ્યારે કે તેઓ નમાઝ પડી રહ્યા હતા ત્યાં સુધી કે ઈશાનો સમય થઈ ગયો, જે નમાઝ પણ મેં આપ (સ.અ.વ.) સાથે અદા કરી. હું આપ (સ.અ.વ.)ની રાહ જોતો રહ્યો કે તેઓ નમાઝને ખત્મ કરે અને મસ્જીદમાં બહાર આવે. જ્યારે આપ (સ.અ.વ.) હજુ મસ્જીદમાં હતા, હું આં હઝરત (સ.અ.વ.)ના સર મુબારકને પાછળથી જોઈ શકતો હતો, જાણે કે આપ કોઈની સાથે વાતો કરી રહ્યા હોય. હું નથી જાણતો શું વાતો થઈ.

અચાનક, આપ (સ.અ.વ.)એ પાછળ મારી તરફ રૂખ કર્યો અને ફરમાવ્યું: કોણ છે?

મેં કહ્યું: હુઝૈફા.

આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું: શું તમે જાણો છો કે મારી સાથે કોણ હતું?

મેં કહ્યું: હું નથી જાણતો.

આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું: જીબ્રઈલે અમીન આવ્યા હતા. તેઓએ મને અલ્લાહના સલામ પહોંચાડયા અને ખુશખબરી આપી કે જનાબે ફાતેમા (સ.અ.) જન્નતની ઔરતોની સરદાર છે, હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.) જન્નતના જવાનોના સરદાર છે.

મેં અરજ કરી: યા રસુલુલ્લાહ! મારા અને મારા માતા માટે માફી તલબ કરવા વિનંતી.

આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું: અલ્લાહે તમને અને તમારા માતાને માફ કરી દીધા છે.

જાબીર બિન અબ્દુલ્લાહ અન્સારી નકલ કરે છે: એક દિવસ હું રસુલુલ્લાહ (સ.અ.વ.) અને તેમના બુઝુર્ગ સહાબીઓ સાથે હતો. ઈમામ હુસૈન (અ.સ.) મસ્જીદમાં દાખલ થયા. રસુલુલ્લાહ (સ.અ.વ.) મારી તરફ ફર્યા અને ફરમાવ્યું: જે કોઈ જન્નતના જવાનોને જોવા ચાહતુ હોય તેણે હુસૈન બિન અલી (અ.સ.)ને જોવા જોઈએ.

રસુલુલ્લાહ (સ.અ.વ.) ફરમાવે છે: મારા દ્વારા તમને ચેતવણી આપવામાં આવી. અલી (અ.સ.) દ્વારા તમને હિદાયતનો રસ્તો મળશે. હસન (અ.સ.) દ્વારા તમને ફઝીલત મળશે. અલબત્ત, જન્નતમાં જવાની ખુશબખ્તી અને જહન્નમમાં જવાની બદબખ્તી હુસૈન (અ.સ.)થી મળે છે. યાદ રાખો! હુસૈન (અ.સ.) જન્નતના દરવાજાઓમાંથી છે. જે કોઈ તેમની સાથે બુગ્ઝ રાખે તેના માટે અલ્લાહે જન્નતની ખુશ્બુને પણ હરામ કરી છે.

ઈમામ હુસૈન (અ.સ.) અને આયતે તત્હીર:

ઉમ્મે સલમાહ (ર.અ.), રસુલુલ્લાહ (સ.અ.વ.)ના માનનીય પત્નિ નકલ કરે છે: એક દિવસ, જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.) મારા ઘરે હતા, ફાતેમા (સ.અ.) તેમના પિતા માટે ખાવાનું લાવ્યા. રસુલુલ્લાહ (સ.અ.વ.)એ પોતાની દુખ્તરને ખુબજ માન સાથે આવકાર્યા અને ફરમાવ્યું: જાઓ અને મારા ભાઈ અલી (અ.સ.)ના ફરઝંદો હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.)ને પણ દઅવત આપો કે તેઓ મારી સાથે શરીક થાય. થોડીવાર પછી અલી (અ.સ.) અને જનાબે ફાતેમા (સ.અ.) પોતાના બન્ને ફરઝંદો હસન અને હુસૈન (અ.મુ.સ.)ને લઈને ઘરમાં દાખલ થયા. તે સમયે જીબ્રઈલે સુરએ અહઝાબની આ આયત લઈને નાઝીલ થયા:

અય એહલેબૈત! સિવાય તેના કાંઈજ નથી કે અલ્લાહ ચાહે છે કે તમારાથી દરેક પ્રકારની અપવિત્રતા દૂર રાખે અને તમને સંપૂર્ણ રીતે પાકો પાકીઝા રાખે.”

(સુરએ અહઝાબ 33:33)

રસુલુલ્લાહ (સ.અ.વ.) મારી (ઉમ્મે સલમાહ) તરફ ફર્યા અને ફરમાવ્યું: મારા માટે ખૈબરી ચાદર લાવો. જે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની સૌથી મોટી ચાદર હતી. રસુલુલ્લાહ (સ.અ.વ.)એ અલી (અ.સ.)ને પોતાની જમણી બાજુ, જનાબે ફાતેમા (સ.અ.)ને પોતાની ડાબી બાજુમાં, હસન અને હુસૈન (અ.મુ.સ.)ને પોતાના મુબારક પગ પાસે બેસાડયા. આપ (સ.અ.વ.)એ આ ચાદર વડે તેઓને ઢાંકી દીધા. આપે ડાબા હાથ વડે મઝબુતાઈથી ચાદર પકડી રાખી અને જમણો હાથ આસમાન તરફ બલંદ કર્યો અને ત્રણ વખત ફરમાવ્યું:

અય અલ્લાહ! આ મારા એહલેબૈત છે, મારા નઝદીકના કુટુંબીજનો. અય અલ્લાહ! તેમનાથી દરેક અપવિત્રતાને દૂર રાખ અને તેમને એવા પાકો પાકીઝા રાખ જેવા પાકો પાકીઝા રાખવાનો હકક છે. હું તેની સાથે જંગ ઉપર છે જે તેઓ સાથે જંગ કરે અને તેની સાથે સુલેહ ઉપર છું જે તેઓ સાથે સુલેહ કરે. હું તેનો દુશ્મન છું જે તેઓ પ્રત્યે દુશ્મની દાખવે.

આ રિવાયતના આધારે સુન્ની અને શીઆ આલીમો એકમત છે કે ઈમામ હુસૈન (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.)ના કુટુંબીજનોના એક સભ્ય છે કે જેમના માટે તત્હીરની મુબારક આયત નાઝીલ થઈ છે. આ આયત ખાસ પાંચ સભ્યો માટે નાઝીલ થઈ છે જેમનો ઝીક્ર રિવાયતમાં કરવામાં આવ્યો છે અને આમના સિવાય આ કુરઆનની આયતના મિસ્દાક માટે કોઈ દાવો ન કરી શકે. આજ કારણે ઈમામ હુસૈન (અ.સ.)ને કીસાઅના બનાવના પાંચમાં સભ્ય તરીકે સંબોધન કરવામાં આવે છે.

એહલે સુન્નતના બે મોટા બુઝુર્ગ આલીમો એહમદ બિન હમ્બલ અને તીરમીઝીએ પોતાની મુસ્નદ અને સોનનમાં એ હકીકતની નોંધ કરી છે કે આ આયતે તત્હીર (સુરએ અહઝાબ 33:33) નાઝીલ થવાના છ મહીના બાદ, રસુલુલ્લાહ (સ.અ.વ.) મસ્જીદમાં જતી વખતે, રસ્તામાં અલી (અ.સ.) અને જનાબે ઝહરા (સ.અ.)ના ઘરે ઉભા રહેતા અને ફરમાવતા:

‘સલામ થાય તમારા ઉપર અય મોહમ્મદ (સ.અ.વ.)ના એહલેબૈત! અલ્લાહનો ફકત એજ ઈરાદો છે કે તમારાથી દરેક અપવિત્રતાને દૂર રાખે, અય એહલેબૈત, અને તમને એવા પાકો પાકીઝા રાખે જેવા પાકો પાકીઝા રાખવાનો હકક છે.’

ઈમામ હુસૈન (અ.સ.) અને આયએ મુબાહેલા:

મુબાહેલાના બનાવ અંગે, બન્ને શીઆ અને સુન્ની આલીમોએ નોંધ્યુ છે કે ઈસાઈ આલીમોની સામે લઅનત કરવાના પ્રસંગે, રસુલુલ્લાહ (સ.અ.વ.) કુરઆનના હુકમ ‘અમારા ફરઝંદો, અમારી ઔરતો અને અમારા નફસો’ મુજબ કોઈને ન લઇ ગયા સિવાય હસન, હુસૈન, અલી અને ફાતેમા (અ.મુ.સ.).

પ્રખ્યાત સુન્ની આલીમ હાકીમ નેશાપુરી તેમની કિતાબ મઅરેફતો ઉલુમુલ હદીસમાં આ બનાવને રાવીઓના સિલસિલા પ્રમાણે મુતવાહીર (સતત) અને ભરોસાપાત્ર ગણ્યો છે.

લઅનત કરવાનો બનાવ નજરાનના પાદરીઓ, ઈસાઈ આલીમોના બારામાં હતો કે જેઓ મદીનામાં રસુલુલ્લાહ (સ.અ.વ.)ને મળવા આવ્યા હતા. રસુલુલ્લાહ (સ.અ.વ.)એ તેઓ સમક્ષ ઈસ્લામને રજુ કર્યો. અલબત્ત તેઓએ તેનો ઈન્કાર કર્યો. પરિણામે મુબાહેલાનો ઈલાહી હુકમ નાઝીલ થયો:

પછી તમારી પાસે ઈલ્મ આવી ગયુ કે ઈસા ખુદાના બંદા છે પછી પણ કોઈ એ સંબંધે તમારાથી ઝગડો કરે તો તમે કહી દો આવો અમે અમારા ફરઝંદોને બોલાવીએ તમે તમારા ફરઝંદોની બોલાવો, અમે અમારી ઔરતોને બોલાવીએ તમે તમારી ઔરતોને બોલાવો, અમે અમારા નફસોને બોલાવીએ તમે તમારા નફસોને બોલાવો અને ખુદાની સામે કરગરીએ અને જુઠા ઉપર ખુદાની લઅનત કરીએ.

(સુરએ આલે ઈમરાન 3:61)

નિશ્ર્ચિત દિવસે, રસુલુલ્લાહ (સ.અ.વ.) નક્કી કરેલી જગ્યા ઉપર પોતાના નઝદીકના કુટુંબીજનો સાથે આવ્યા. જ્યારે ઈસાઈઓએ આ જોયું તો તેઓ રસુલુલ્લાહ (સ.અ.વ.)અને તેમના કુટુંબીજનો ઉપર લઅનતની બદદોઆ કરવાથી ડરી ગયા અને અને જઝીયો (ટેક્ષ) ભરવાનું કબુલ કર્યું.

દુશ્મનો વડે ઈમામ હુસૈન (અ.સ.)ની ફઝીલતનો સ્વિકાર:

અરક્માહ, ઈબ્ને ઈબ્બાસનો ગુલામ નકલ કરે છે કે ‘એક દિવસ ઈબ્ને અબ્બાસ મુસલમાનો માટે મસ્જીદમાં એક હદીસ બયાન કરી રહ્યા હતા. તે સમયે, નાઅફે બિન અરઝકે વિનંતી કરી, ઈબ્ને અબ્બાસ! કીડીઓ અને મચ્છરોના બારામાં શું હુકમ છે તે જણાવો? અગર તમને ઈલ્મ હોય તો એ બતાવો કે હું કયા ખુદાની ઈબાદત કરૂં છું?

ઈબ્ને અબ્બાસે બીજી દિશામાં નઝર કરી અને ઈમામ હુસૈન (અ.સ.)ને અલી (અ.સ.) સાથે મસ્જીદના ખુણામાં બેઠા પામ્યા. પછી ઈબ્ને અબ્બાસે નાઅફે તરફ નઝર કરી અને કહ્યું: મારી પાસે આવો નાઅફે, જેથી આપણે તમારા સવાલોના જવાબ મેળવીએ.

નાઅફે એ વિરોધ કર્યો, હું મારા જવાબો તમારી પાસેથી મેળવીશ (ન કે બીજા કોઈ પાસેથી). ઈબ્ને અબ્બાસે તેના નિર્ણયનો વિરોધ કર્યો અને કહ્યું: તે (હુસૈન અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.)ના એહલેબૈતમાંથી છે અને અને આપ (સ.અ.વ.)ના ઈલ્મના વારસદાર છે.

નાઅફે ઈમામ હુસૈન (અ.સ.) તરફ જવાબો લેવા આગળ વધ્યો. ઈમામ (અ.સ.)એ તેના સવાલોના જવાબો આપ્યા. નાઅફે એ કહ્યું: અય હુસૈન! તમારા શબ્દો હક્ક અને માનનીય છે.

ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું: મેં સાંભળ્યું છે કે તું મારા પિતા, મારા ભાઈ અને મારા ઉપર દીનથી ફરી જવાનો આરોપ મુકો છો.

નાઅફે કહ્યું: અલ્લાહની કસમ! આ અગાઉ મેં તમારા બારામાં જે સાંભળ્યું છે તેનો ઈન્કાર કરૂં છું. તમે ઈસ્લામના શ્રેષ્ઠ મીનારા છો અને ઈલાહી હુકમોના માર્ગદર્શક છો.

ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું: શું હું તને સવાલ કરૂં?

નાઅફે એ કહ્યું: પુછો રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ફરઝંદ.

ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું: શું તે કુરઆનની આ આયત વાંચી છે:

અને તે દિવાલ,  તે ગામના બે યતીમ બાળકોની હતી અને તેની નીચે તેમનો એક ખઝાનો હતો, અને તેઓના પિતા એક નેક માણસ હતા.”

(સુરએ કહફ 18:82)

ઈમામ (અ.સ.)એ આગળ ફરમાવ્યું: અય નાઅફે! કોણ છે જેમણે તે બે યતીમ બાળકોનો ખઝાનો તે દિવાલની નીચે છુપાવ્યો, જેથી આગળ ચાલીને તેઓ તેને વારસામાં મેળવે?

નાઅફે એ જવાબમાં કહ્યું: તે યતીમોના પિતા.

ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું: તે સાચુ છે. શું તે પિતા તે યતીમો ઉપર વધુ મહેરબાન છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)? શું તું એમ માનો છો કે રસુલુલ્લાહ (સ.અ.વ.) પોતાનું ઈલ્મ પોતાના ફરઝંદોને નહી આપે અને તેઓને તેમનાથી વંચિત રાખશે?

ઈમામ હુસૈન (અ.સ.) રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ફૂલ છે:

જાબીર બિન અબ્દુલ્લાહ અન્સારી નકલ કરે છે: એક દિવસ હું રસુલુલ્લાહ (સ.અ.વ.) સાથે બેઠો હતો ત્યારે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) દાખલ થયા. રસુલુલ્લાહ (સ.અ.વ.)એ તેમને મુખાતબ થઈને ફરમાવ્યું: તમારા ઉપર સલામ થાય! અય બે ફુલોના પિતા. હું તમને નસીહત કરૂં છું કે મારા બે ફુલો સાથે આ દુનિયામાં સારો વર્તાવ કરો. નઝદીકમાં જ તમો તમારા બે પાયાઓથી વંચિત થઈ જશો અને આ બન્ને તમારા ખલીફાઓ બનશે.

જ્યારે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની શહાદત થઈ, અલી (અ.સ.)એ જણાવ્યું કે આં હઝરત (સ.અ.વ.) પહેલા પાયા હતા જેનો ઝીક્ર તેમણે કર્યો હતો. જ્યારે જનાબે ફાતેમા (સ.અ.)ની શહાદત થઇ ત્યારે આપ (અ.સ.)એ ફરમાવ્યું આપ (સ.અ.) બીજા પાયા હતા જેનો રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ઝીક્ર કર્યો હતો.

આવીજ એક હદીસ અબ્દુલ્લાહ બિન ઉમરના હવાલાથી નોંધવામાં આવી છે, જેમાં ઈમામ (અ.સ.) અને આશુરાના બનાવનું વર્ણન છે.

અબ્દુલ્લાહ બિન ઉમર એક વખત બેઠા હતા ત્યારે તેમની પાસે એક શખ્સ આવે છે અને તેમને મચ્છરના ખૂનના બારામાં સવાલ કરે છે.

અબ્દુલ્લાહ બિન ઉમર તેને પુછે છે: તમે કયાંના છો? તે કહે છે કે હું ઈરાકનો છું. અબ્દુલ્લાહ કહે છે: આ માણસને જુઓ. તે મચ્છરના ખૂનના બારામાં સ્પષ્ટતા ઈચ્છે છે જ્યારે કે તેણે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના નવાસાના શહીદ કરી દીધા અને આં હઝરત (સ.અ.વ.) જે કાંઈ ઈમામ હુસૈન (અ.સ.)ના બારામાં કહ્યું છે તેનાથી ગાફીલ છે. મેં રસુલુલ્લાહ (સ.અ.વ.)ને ફરમાવતા સાંભળ્યા છે: હસન અને હુસૈન આ દુનિયામાં મારા ફુલો છે.

ઈમામ હુસૈન (અ.સ.)ની મહેરબાની:

એક દિવસ ઈમામ હુસૈન (અ.સ.) અમૂક બાળકો પાસેથી પસાર થયા જેઓ રોટી અને ગોશ્ત ખાઈ રહ્યા હતા. જ્યારે તેઓએ ઈમામ (અ.સ.)ને જોયા તો આપને તેઓની સાથે જોડાવવા દઅવત આપી. ઈમામ (અ.સ.)એ તેઓની દઅવત કબુલ કરી અને તેમના ખાવામાં શરીક થઈ ગયા. જ્યારે ઈમામ (અ.સ.)એ જમી લીધું તો તેઓને પોતાના ઘરે લઈ ગયા અને તેઓને ખોરાક અને નવા કપડાના તોહફાઓ આપ્યા. ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું: મને આ બક્ષીશ સૌથી માયાળુ તરફથી મળી છે. હું તમને તેમાંથી ફકત એક ભાગ જ આપી રહ્યો છું.

ઈમામ હુસૈન (અ.સ.)ની બહાદુરી અને ઉદારતા:

ઝયનબ બિન્તે અબી રાઅફે નકલ કરે છે. રસુલુલ્લાહ(સ.અ.વ)ની શહાદત બાદ જનાબે ફાતેમા (સ.અ.)નું દીલ ટૂટી ગયુ હતું અને આપ સતત રડયા કરતા હતા. એક દિવસ, આપે હસન અને હુસૈન (અ.મુ.સ.)ને સાથે લઈ આપના પિતા (સ.અ.વ.)ની કબ્ર મુબારક ઉપર પહોંચ્યા. આપે ત્યાં ખૂબજ રૂદન કર્યું અને મુસલમાનોની વર્તણુંકના બારામાં શિકાયત કરી. આપે આપના પિતાને સંબોધીને ફરમાવ્યું: આપે આપના આ બન્ને ફરઝંદો માટે વારસામાં શું રાખ્યું છે?

કબ્રમાંથી જવાબ આવ્યો: હસન માટે, તેણે વારસામાં મારો દબદબો મેળવ્યો અને હુસૈન માટે, તેણે વારસામાં મારી બહાદુરી અને ઉદારતા મળી.

જનાબે ફાતેમા (સ.અ.)એ ફરમાવ્યું: યા રસુલુલ્લાહ! હું આથી સંતુષ્ટ છું.

ઈમામ હુસૈન (અ.સ.)ની અલ્લાહ અલ્લાહ સામે વિન્રમતા:

ઈમામ હુસૈન (અ.સ.) 25 વખત પગપાળા હજ્જ બજાવી લાવ્યા છે. આ તે સમયે હતું જ્યારે આપની પાસે હજ્જ માટે સવારીનો વિકલ્પ અને તેની ઉપલબ્ધતા હતી. પગપાળા હજ્જ બજાવી લાવવી ફકત અલ્લાહ સામે પોતાના વિન્રમતા અને ઓબુદીય્યત બતાવવા માટે હતું. આપ હજ માટે આપની સાથે સવારી લઈ જતા હતા પરંતુ તેના ઉપર સવાર થતા નહિ. આ બે કારણોથી શકય હતું. એક કારણ એ છે કે હજથી પરત ફરતી વખતે તેનો ઉપયોગ કરી શકાય અને બીજું કારણ એ છે કે સવારી સાથે રાખી ચાલવું તે આપની વિન્રમતા અને ઓબુદીય્યતની એક મોટી નિશાની હતી.

ઈમામ હુસૈન (અ.સ.)ની મુનાજાત:

ઈમામ હુસૈન (અ.સ.) મદીનામાં મસ્જીદે નબવીમાં જોવા મળ્યા જ્યારે કે આપનો ચહેરો માટીથી ઢંકાએલ હતો અને આપ અલ્લાહથી મુનાજાત કરી રહ્યા હતા:

અય અલ્લાહ! અગર તું મને મારા ગુનાહો માટે હિસાબ માટે બોલાવીશ, તો હું તારી બક્ષીશ તલબ કરીશ અને અગર તું મને ગુનેહગારો સાથે જમા કરીશ તો હું તેઓને કહીશ કે હું તારાથી મોહબ્બત કરૂં છું. અય મારા આકા! મારી ઈતાઅતથી તને કંઈ ફાયદો નહિ થાય, મારી નાફરમાનીથી તારૂં કંઈ નુકશાન નહિ થાય. અગર મારી ઈતાઅતથી તને કંઈ ફાયદો નથી થતો તો પછી અગર હું તારી ઈતાઅત કરવામાં પાછો પડયો હોવ તો મને માફ કરી દે. અગર મારી નાફરમાનીથી તને કંઈ નુકશાન નથી તો પછી મારી ખતાઓને દરગુઝર કર કારણકે તું રહેમ કરનારાઓમાં સૌથી વધારે રહમ કરનાર છો.

સંદર્ભો:

1) ઈબ્ને અસાકીરની તારીખે દમીશ્ક, તરજેમતો ઈમામ હુસૈન (અ.સ.)

2) સહીહ બુખારી, તરજેમતો ઈમામ હુસૈન (અ.સ.)

3) ખ્વારઝમીની મકતલે હુસૈન

4) ફરાએદુસ્સીમતૈન, તરજેમતો ઈમામ હુસૈન (અ.સ.)

5) સોનને તીરમીઝી

6) અસદુલ ગાબાહ ફી મારેફાહ અલ સાઅદબાહ

7) હાકીમ નેશાપુરીની અલ મુસ્તદરક અસ્સહીહૈન

8) ક્ન્ઝુલ ઉમ્માલ

9) તફસીરે જામેઉલ બયાન

10) અબુ નઈમ ઈસ્ફહાનીની હિલ્યતુલ અવલીયા

નોંધ: ઉપરના બધા સંદર્ભો સુન્નીના ભરોસાપાત્ર સ્ત્રોતો છે.