અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ની શહાદત… અને તેની ખરી પૂર્વભૂમિકા

વાંચવાનો સમય: 4 મિનિટ

ઓગણીસમી માહે રમઝાન હિજરી સન 40 માં સુબ્હની નમાઝના સમયે એક એવો દિલોને હલબલાવી નાખનાર બનાવ બન્યો કે મુસલમાનોનો ઈતિહાસ આજ સુધી ભુલાવી શકયો નથી. મસ્જીદે કુફાની મેહરાબમાં એક ખારજી મલ્ઉને મુસલમાનોના હાકીમે વકત, રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ખલીફા, અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના પવિત્ર માથા ઉપર નમાઝની હાલતમાં એક એવો વાર કર્યો કે આપનું સર મુબારક લોહીથી રંગીન થઈ ગયુ. તે મલ્ઉને પોતાની તલ્વારને એક એવા ખતરનાક ઝહેરમાં ડુબાડીને રાખી હતી કે આપ (અ.સ.)ના માથાના ઝખ્મ ઉપર બાંધેલો પાટો અને આપનો મુબારક ચહેરો બન્ને એક સરખા પીળા થઈ ગયા હતા. આપ (અ.સ.) ઉપર ઝહેરની એવી તીવ્ર અસર થઈ કે તેના પરિણામ સ્વરૂપ બે દિવસ પછી 21મી માહે રમઝાન હિજરી સન 40 માં આપ (અ.સ.)ની શહાદત થઈ. આ રીતે રસુલે અકરમ (સ.અ.વ.)ની તે આગાહી સાચી સાબિત થઈ કે જેમાં આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું હતુ કે: ‘અય અલી! તમને માહે રમઝાનમાં શહીદ કરવામાં આવશે.’

આ વાત ઉપર તમામ ઈતિહાસકારો એકમત છે કે હઝરત અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ને શકીન તરીન શખ્સ, અબ્દુર રેહમાન ઈબ્ને મુલ્જીમ મોરાદીએ શહીદ કર્યા. આ શખ્સના બારામાં ઈતિહાસ વર્ણવે છે કે તે એક ખારજી હતો કે જેણે એક સ્ત્રીની ઉશ્કેરણીમાં આવીને  જંગે નહેરવાનમાં કત્લ થનારા ખારજીઓના ખૂનનો બદલો લેવા માટે આ કાર્ય અંજામ આપ્યુ. જંગે નહેરવાનમાં અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ના લશ્કર વડે ઘણા બધા ખારજીઓ કત્લ થયા હતા અને ઘણા બધા મૈદાન છોડીને ભાગી ગયા હતા. તે ભાગેડુઓમાંથી એક ઈબ્ને મુલ્જીમ પણ હતો. આ બધી વાસ્તવિકતા તો ઈતિહાસનો એક સામાન્ય ભાગ છે અને તેને બધાજ સર્વસંમતિ સાથે સ્વીકારે છે, પરંતુ તેની સાથોસાથ અમૂક બીજી બાબતો પણ બયાન કરવામાં આવે છે કે ખારજીઓએ કંઈ ફકત અલી (અ.સ.)ને જ શહીદ કરવાની યોજના બનાવી ન હતી. બલ્કે તેઓના નિશાના ઉપર શામનો મોઆવીયા ઈબ્ને અબુ સુફીયાન અને તેના ખાસ સલાહકાર ઉમ્રૂ બિન આસ પણ શામેલ હતો. તે બન્નેને પણ કત્લ કરવાની યોજના ખારજીઓએ તે સમયે ઘડી કાઢી હતી. આ પ્રમાણે કુલ ત્રણ ખારજીઓએ તે યોજના ઘડી કાઢી કે માહે રમઝાનની 11, 13, 17 અથવા 19મી તારીખમાંથી કોઈ એક તારીખે મૌકો જોઈને પોતાની યોજના ઉપર અમલ કરીને હુમલો કરી દેવામાં આવે. આ રિવાયત અમૂક ફેરફારો સાથે ઈતિહાસની કિતાબોમાં નોંધવામાં આવી છે. તેમાં તારીખે તબરી, તારીખે યાકુબી અને તબ્કાત ઈબ્ને સઅદ વિગેરે ખૂબજ પ્રખ્યાત છે. તેનો ટૂંકસાર એ છે કે ‘અબ્દુર રેહમાન ઈબ્ને મુલ્જીમ મોરાદીએ મક્કામાં બીજા બે ખારજીઓ બર્ક ઈબ્ને અબ્દુલ્લાહ અને ઉમ્રૂ બિન બક્ર તમીમી સાથે મુલાકાત કરી. તે લોકોએ વર્તમાન સમયની ઈસ્લામી દુનિયાની ત્રણ મોટી શખ્સીય્યતો અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.), મોઆવીયા ઈબ્ને અબી સુફીયાન અને મિસ્રના ગર્વનર ઉમ્રૂ બિન આસને મુસલમાનોની પ્રવર્તમાન પરિસ્થિતિ માટે જવાબદાર ઠેરવ્યા અને પોતાના ઝમાનાની ‘અપ્રિય પરિસ્થિતિ’ના ઉકેલ માટે તેમજ પોતાના સાથીઓનો બદલો લેવા માટે  આ ત્રણેય લોકોને કત્લ કરવાનો નિર્ણય કર્યો. વાસ્તવમાં હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ઉપર હુમલો કરવાની અને તેમને શહીદ કરવાની ચળવળનું મુખ્ય કારણ નહેરવાનની તે સ્ત્રી બની કે જેની સાથે ઈબ્ને મુલ્જીમને મોહબ્બત હતી. આ સ્ત્રીના પિતા અને ભાઈ જંગે નહેરવાનમાં કત્લ થઈ ગયા હતા. તે સ્ત્રીએ એ શરતે શાદી કરવાની હા પાડી કે ઈબ્ને મુલ્જીમ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને શહીદ કરે. આથી મસ્જીદે કુફામાં ઈબ્ને મુલ્જીમે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ઉપર હુમલો કર્યો અને તેમાં તેઓ શહીદ થયા.

આ બાજુ શામમાં સુબ્હની નમાઝ પઢાવવા માટે મોઆવીયાએ પોતાની જગ્યાએ બીજા કોઈને મોકલ્યો હતો કે જે બર્ક બિન અબ્દુલ્લાહ ખારજીનો શિકાર બન્યો અને મોઆવીયા બચી ગયો. ત્રીજો વ્યક્તિ ઉમ્રૂ બિન બક્ર જે મિસ્રના ગર્વનર ઈબ્ને આસને કત્લ કરવા માટે ગયો હતો તે પણ પોતાના કામમાં નાકામ રહ્યો અને ઉમ્રૂ ઈબ્ને આસ પણ બચી ગયો.’ આ રિવાયત કેટલાય તાર્કીક અને ઈલ્મી કારણોના લીધે સ્વીકારવાને પાત્ર નથી.

પ્રથમ એ કે ઉમ્રૂ બિન આસના બચી જવાનું જે કારણ રજુ કરવામાં આવ્યું છે તે અત્યંત હાસ્યસ્પદ અને મુર્ખામીભર્યુ છે. (જેને અહિંયા બયાન કરવાની જરૂરત નથી).

બીજું એ કે બર્ક બિન અબ્દુલ્લાહે મોઆવીયાની બદલે બીજા કોઈને કત્લ કરી નાખ્યો તે વાત પણ શંકાથી દૂર નથી. એ કેવી રીતે શકય છે કે તેઓ મોઆવીયાને ઓળખવામાં ભૂલ કરી હોય. આ ત્યારે જ શકય છે કે જ્યારે મોઆવીયાએ હુબહુ પોતાની ચાલ-ચલગત જેવોજ વ્યક્તિ મસ્જીદમાં નમાઝ પઢાવવા માટે મોકલ્યો હોય કે જેથી તે તેના બદલે કત્લ થઈ જાય. તો બીજો સવાલ એમ ઉપસ્થિત થાય કે આવી સાવચેતીપૂર્વકની યોજના કયા આધારે પસંદ કરવામાં આવી. આ પ્રકારના ઘણા બધા સવાલો અને શંકાઓના કોઈ જવાબ ઈતિહાસ પાસે નથી.

આ બધી બાબતોને એક બાજુએ રાખીને એ સવાલ પણ ઉપસ્થિત થાય છે કે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની શહાદતની સાથોસાથ મોઆવીયા ઉપર પણ હુમલો થવાની વાત શા માટે બયાન કરવામાં આવી? શા માટે આવી મનઘડત કહાની રજુ કરવામાં આવી? તેમાં એ જ સાઝીશ નઝરે પડે છે જે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની શહાદતના સિલસિલામાં બયાન કરવામાં આવે છે કે આં હઝરત (સ.અ.વ.)ને એક યહુદી ઔરતે જંગે ખૈબર દરમ્યાન ઝહેર આપ્યુ હતું. જેના લીધે આપ (સ.અ.વ.)ની શહાદત થઈ. જ્યારે કે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. હકીકતમાં તે લોકોની યોજના એમ હતી કે એવી વાતો બયાન કરવામાં આવે કે જેનાથી વાસ્તવિક કાતીલ ઉપર પર્દો નાખી શકાય. આથી રિવાયતનો પ્રકાર અને સરખાપણુ દર્શાવે છે કે એક જ પ્રકારના કારખાનામાંથી બન્ને માલ બનાવીને લોકો સમક્ષ રજુ કરવામાં આવ્યા છે. જેથી અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ના વાસ્તવિક કાતિલો ઉપર પર્દો નાખી શકાય. તેમજ લોકો આ સમગ્ર બનાવમાં ફકત ખારજીઓને જ અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ના કત્લના જવાબદાર સમજે અને આવી રીતે વાસ્તવિક કાતિલ સુધી કોઈનું દિમાગ પહોંચે નહિં. અહિંયા સુધી તો લોકો માટે એ વાત સ્પષ્ટ છે કે અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ને કત્લ કરવાનું કાર્ય ઈબ્ને મુલ્જીમ (લ.અ.)એ અંજામ આપ્યુ છે. પરંતુ આ કત્લમાં એક મોટી તાકત પ્રત્યક્ષ રીતે જોડાએલી છે કે જેણે આ કત્લ માટે વાતાવરણને સાનુકૂળ બનાવ્યુ છે અને તે છે મોઆવીયા અને તેનો સલાહકાર ઉમ્રૂ બિન આસ બન્ને શામેલ છે. તે બન્નેના નામો અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ના કત્લમાં લોકો દરમ્યાન જાહેર ન થાય તે માટે આ પ્રકારની મનઘડત કહાનીઓ રચવામાં આવી.

આ વિષય ઉપર મર્હુમ અલ્લામા સૈયદ સઈદ અખ્તર રીઝવી (રીઝવાનુલ્લાહ તઆલા અલય્હ)એ પોતાના એક સંશોધન લેખમાં વિગતવાર ચર્ચા કરી છે. તેમનો આ લેખ કિતાબ ‘ઈત્મામે હુજ્જત’ના નામથી પ્રકાશિત થયો છે. આ લેખમાં તેમણે અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ના કત્લમાં મોઆવીયાની ભૂમિકા ઉપર ચર્ચા કરી છે. તેમાં તે વાત બયાન કરવામાં આવી છે કે મોઆવીયા એ જ પોતાના પાલતુ લોકો વડે અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ની શહાદત માટે રસ્તો સાનુકૂળ બનાવ્યો હતો. જેવી રીતે તેણે સિબ્તે અકબર ઈમામ હસન (અ.સ.)ને ઝહેર આપવા માટે ઈમામ (અ.સ.)ની પત્નિ જોઅદાહને ઉકસાવી હતી. તે મલ્ઉનાનો બાપ અશ્અસ બિન કૈસ અલ કીન્દી મોઆવીયાનું નમક ખાનારો પાલતુ અને મૌલા અલી (અ.સ.)નો દુશ્મન હતો. તેજ અશ્અસે ઓગણીસમી માહે રમઝાનની રાત્રે ઈબ્ને મુલ્જીમ (લ.અ.)ને અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ને કત્લ કરવા માટે તૈયાર કર્યો હતો.

  • (જલાઉન ઓયુન, ભા. 1, પા. 288)

ફકત એટલું જ નહીં, બલ્કે ઈતિહાસની કિતાબોમાં આ વાત પણ નોંધાએલી છે કે મોઆવીયા એ હઝરત અલી (અ.સ.)ની શહાદતની ખબર સાંભળીને ખુશી મનાવી અને પોતાના ઘરે નાચ-ગાન કર્યું. આજ મૌલા અલી (અ.સ.)નો તે દુશ્મન છે કે જેણે મિમ્બરો ઉપરથી અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.) ઉપર ભલુ-બુરૂ બોલાવાના સિલસિલાની શરૂઆત કરાવી જે સિલસિલો બની ઉમય્યાની હકુમતના ઝમાના સુધી શરૂ રહ્યો. શું આવા દુશ્મની મક્કારીઓ અને દુશ્મની અને અદાવતના કાવત્રાઓને અલી (અ.સ.)ને કત્લ કરવાની સાઝીશથી અલગ કરી શકાય છે?

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*