શા માટે લોકો ઈમામને ચુંટી નથી શકતા?

વાંચવાનો સમય: 2 મિનિટ

એક મહત્વનું પાસુ જે મુસલમાનોને અલગ કરે છે તે હાદીઓ (ઈમામો)ને ચુંટવામાં છે. મોટાભાગના માને છે કે લોકો પાસે ક્ષમતા અને અધિકાર છે કે તેઓ પોતાની હિદાયત માટે ઈમામ / ખલીફાને ચુંટે. લઘુમતી કે જેઓ શીઆ ઈમામીયા છે એવો અકીદો ધરાવે છે કે અઈમ્મા (અ.મુ.સ.)ની પસંદગી એક ઈલાહી જવાબદારી છે અને તે લોકોની ક્ષમતાની બહાર છે.

કયો અકીદો સાચો છે?

એક આંખ ઉઘાડતી ચર્ચા:

સાદ ઈબ્ને અબ્દીલ્લાહ અલ અશરી અલ કુમ્મીને એહમદ ઈબ્ને ઈસ્હાક અલ કુમ્મી (ર.અ.) કે જેઓ ઈમામ હસન અસ્કરી (અ.સ.)ના નાએબ હતા, તેમની સાથે સામર્રામાં ઈમામ હસન અસ્કરી (અ.સ.) અને ઈમામ મહદી (અ.ત.ફ.શ.)ની મુલાકાતની ખાસ તવફીક મળી હતી.

સાદે ઈમામ મહદી (અ.સ.)ને ઘણા બધા સવાલો કર્યા. તેમાંનો એક સવાલ ઈમામની પસંદગીના બારામાં હતો, જે આ મુજબ હતો:

પછી મેં (સાદે) પુછયું: અય મારા મૌલા! શા માટે લોકો પોતાના માટે ઈમામ પસંદ કરી શકતા નથી.

ઈમામ (અ.ત.ફ.શ.)એ ફરમાવ્યું: નેક કે દ્રુષ્ટ ઈમામ?

મેં કહ્યું: નેક.

આપ (અ.ત.ફ.શ.)એ ફરમાવ્યું: શું એવી શકયતા છે કે તેઓ એક ગુનેહગારની પસંદગી કરી નાખે જ્યારે કે તેઓ જાણતા નથી કે તેના દિમાગમાં શું છે, શું તે નેક છે અથવા દ્રુષ્ટ?

મેં કહ્યું: હા.

આપ (અ.ત.ફ.શ.)એ ફરમાવ્યું: આ કારણ છે. હું તમને એક તાર્કીક દલીલથી સમજાવીશ.

મેં કહ્યું: હા, જરૂર.

આપ (અ.ત.ફ.શ.)એ ફરમાવ્યું: ચાલો આપણે માનીએ કે અંબીયા (અ.મુ.સ.)ની અલ્લાહે નિમણુંક કરી છે કે જેઓ ઉપર તેણે આસમાની કિતાબો નાઝીલ કરી છે અને તેઓને વહી અને ઈસ્મતથી મદદ કરી છે. તેઓ ઉમ્મતના સરદારો હતા જેમકે હઝરત મુસા (અ.સ.) અને હઝરત ઈસા (અ.સ.) અને પસંદગીના માપદંડથી સૌથી વધુ હિદાયત પામેલા. શું એ શકય છે કે તેમની પાસે પુષ્કળ અકલ અને સંપૂર્ણ ઈલ્મ હોવા છતાં તેઓ મુનાફીકોની પસંદગી કરે જ્યારે કે તેઓ તેમને નેક માનતા હોય?

મેં કહ્યું: નહિ, તેઓ હંમેશા નેકને પસંદ કરશે.

ઈમામ (અ.ત.ફ.શ.)એ ફરમાવ્યું: આપણે પાસે હઝરત મુસા કલીમુલ્લાહ (અ.સ.) છે જેમની પાસે વિશાળ અકલ, સંપૂર્ણ ઈલ્મ અને જેમના ઉપર વહી નાઝીલ થતી હતી, તેમણે તેમની કૌમમાંથી અને લશ્કરની પહેલી હરોળમાંથી 70 લોકોને પસંદ કર્યા, જેમના ઈમાન અને ઈખ્લાસમાં તેમને કોઈ શંકા ન હતી. તેમ છતાં તેઓ મુનાફીકોની પસંદગી કરી બેઠા.

અલ્લાહ ફરમાવે છે:

وَاخْتَارَ مُوسَى قَوْمَهُ سَبْعِينَ رَجُلاً لِّمِيقَاتِنَا

અને મુસા (..) પોતાની કોમમાંથી સિત્ત્ોર માણસોને ચૂંટી કાઢયા…”

(સુરએ અઅરાફ-7: 155)

અલ્લાહ ફરમાવે છે:

وَإِذْ قُلْتُمْ يَا مُوسَى لَن نُّؤْمِنَ لَكَ حَتَّى نَرَى اللَّهَ جَهْرَةً فَأَخَذَتْكُمُ الصَّاعِقَةُ وَأَنتُمْ تَنظُرُونَ

અને જ્યારે તમોએ કહ્યું કે અય મુસા! જ્યાં સુધી અમે અલ્લાહને નરી આંખે જોઈ લઈએ ત્યાં સુધી તમારા પર હરગીઝ ઈમાન લાવશું નહિ, ત્યારે જોત જોતામાંજ તમને વીજળીએ પકડી પાડયા.”

(સુરએ બકરહ-2:55)

ઈમામ (અ.ત.ફ.શ.): જ્યારે આપણે જોઈએ છીએ કે નબુવ્વત માટે પસંદ કરાએલા સૌથી દ્રુષ્ટની પસંદગી કરે છે કે જેને તેઓ સૌથી નેક માનતા હતા, આપણને એહસાસ થાય છે કે અઈમ્મા (અ.મુ.સ.)ને પસંદ કરવા શકય નથી સિવાય તેના માટે કે જે દીલો અને અંતરના ભેદોની વાતોથી વાકીફ હોય.

  • કમાલુદ્દીન, ભાગ. 2, પા. 416-462
  • દલાએલે ઈમામહ, પા. 514-515
  • અલ એહતેજાજ, ભાગ. 2, પા. 464: 234
  • તફસીરે સાફી, ભાગ. 2, પા. 234 સુરએ આઅરાફ (7):143 માં અને ભાગ. 4, પા. 100 સુરએ કસસ (28):68 ની તફસીર હેઠળ
  • તફસીરે બુરહાન, ભાગ. 2, પા. 591, સુરએ આઅરાફ (7):143 ની તફસીર હેઠળ
  • મદીનતુલ મઆજીઝ, ભાગ. 8, પા. 59
  • બેહારૂલ અન્વાર, ભાગ. 23, પા. 69, ભાગ. 52, પા. 77

હિદાયત માટે ઈમામ / ખલીફાની પસંદગી લોકોની ક્ષમતા બહારની વાત છે. જ્યારે લોકો પોતાની દુન્યવી બાબતો માટે એક મુખ્લીસ સરદાર (રાષ્ટ્રપતિ / પ્રધાન મંત્રી)ની પસંદગી કરવાને કાબીલ નથી તો પછી આખેરત માટે એક યોગ્ય હાદી કેવી રીતે પસંદ કરી શકે? ઉલુલ અઝમ નબીઓ પણ આ પસંદગી કરવામાં અક્ષમ રહ્યા. તેથી રસુલુલ્લાહ (સ.અ.વ.)ની શહાદત પછી કહેવાતા ખલીફાની પસંદગી હકીકતે બાતીલ છે અને અને તેને એક ‘ઉતાવળ્યો નિર્ણય’કહી શકાય.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*