ચોક્કસ આ અગાઉના સહીફાઓમાં પણ નોંધાયેલું છે. ઈબ્રાહીમ(અ.સ.) અને મૂસા(અ.સ.)ના સહીફાઓમાં પણ આવેલું છે.
ખુદાવંદે આલમે ઈન્સાનોના હિદાયત માટે ઘણા સ્ત્રોતો બનાવ્યા છે તેમાં બે પ્રકારની હુજ્જત છે, એક આંતરીક હુજ્જત છે જે ઈન્સાનનો નફસ છે, તેની બુદ્ધિ છે અને બીજી જાહેરી હુજ્જત અંબીયા(અ.મુ.સ.) છે. અલ્લાહે ઈન્સાનોના હિદાયત માટે આટલું જ મર્યાદિત ન રાખ્યું, પરંતુ તેણે પોતાના પયગંબરો દ્વારા ઈન્સાનોની હિદાયત માટે કિતાબો અને સહીફાઓ પણ નાઝીલ કર્યા. આમાંના કેટલાક સહીફાઓમાં હિદાયતો અને નસીહતો હતી, જ્યારે તેમાંના કેટલાકમાં હિદાયતો અને નસીહતો તેમજ શરીયતના એહકામો હતા. આ સહીફાઓનું મહત્વ એ હકીકતને કારણે છે કે તે બધા અલ્લાહના કલામ છે. પરંતુ તેની સાથે સાથે આ કિતાબો લોકોના માટે નબીની નબુવ્વત સાબિત કરવા માટે દલીલ પણ હતી. આ કિતાબો એ વાતનો નક્કર પુરાવો હતી કે અલ્લાહે તેમના પયગંબરને ખાસ ઈલ્મથી નવાજ્યા છે.
એટલું જ નહીં, પરંતુ પયગમ્બરની ગેરહાજરીમાં અથવા તેમના દુન્યાથી ગયા પછી, આ સહીફાઓ તેમની ઉમ્મત માટે વારસો અને નબુવ્વતની અમાનતો હતી , જેનો ઉપયોગ નેક લોકો કરશે.
ઉદાહરણ તરીકે, પવિત્ર કુરઆન આપણા પયગંબર(સ.)નો એક દુર્લભ મોઅજીઝો છે. કુરઆનની તાઅલીમાત કયામતના દિવસ સુધી ઈન્સાનો માટે પ્રકાશિત રસ્તો અને હિદાયત છે. આ કુરઆન મોહમ્મદ(સ.અ.વ.)ની અમાનતોમાંથી એક મહાન હીરો છે તેથી જ આપ હઝરત(સ.અ.વ.)એ કુરઆન વિશે ઘણી વાર કહ્યું કે હું તમારી વચ્ચે બે મૂલ્યવાન વસ્તુઓ છોડી રહ્યો છું, એક અલ્લાહની કિતાબ કુરઆન અને બીજી મારી અહલેબૈત(અ.મુ.સ.) છે, જો તમે બંનેને વળગી રહેશો તો મારા પછી તમે ક્યારેય ગુમરાહ નહીં થાવ.
તેવી જ રીતે, કુરઆને કરીમ અને અહલેબૈત(અ.મુ.સ.) આપણા માટે માર્ગદર્શક(હાદી) છે અને રસુલુલ્લાહ(સ.અ.વ.)નો વારસો છે. પરંતુ ખુદ પયગંબર(સ.)ની અહલેબૈત(અ.મુ.સ.)ના માટે અમુક ખાસ સહીફાઓ નાઝીલ કર્યા છે. તેમાંથી એક સહીફા એ ફાતેમા(સ.અ.) છે.
આ સહીફાની ફઝીલત માટે આ રિવાયત પુરતી છે કે શેખ કુલેની(ર.અ.)એ કાફી કિતાબના પેહલા ભાગમાં એક પ્રકરણમાં “فيه ذكر الصحيفة والجفر والجامعة ومصحف فاطمة عليها السلام” વર્ણવી હતી. ઇમામ સાદિક(અ.સ.)ની એક હદીસમાં આ વાક્ય જોવા મળે છે કે આપે ફરમાવ્યું:
“قال: وإن عندنا لمصحف فاطمة عليها السلام وما يدريهم ما مصحف فاطمة عليها السلام؟ قال: قلت: وما مصحف فاطمة عليها السلام؟ قال: مصحف فيه مثل قرآنكم هذا ثلاث مرات، والله ما فيه من قرآنكم حرف واحد.”
الکافی جلد 1 صفحہ ۲۳۹
અમારી પાસે ફાતેમા(સ.અ.)નો સહીફો છે લોકો શું જાણે કે ફાતેમા(સ.અ.)નો સહીફો શું છે? રાવી એ સવાલ કર્યો: સહીફા એ ફાતેમા(સ.અ.) શું છે? આપે ફરમાવ્યું: આ સહીફો તમારા કુરઆન કરતા ત્રણ ગણો મોટો છે જયારે કે તેમાં કુરઆનનો એક પણ શબ્દ નથી.
એટલું જ નહીં પરંતુ રિવાયતો કહે છે કે ઈલ્મે લદુન્નીના માલીક અઈમ્મા(અ.મુ.સ.) આ સહીફાને પઢયા કરતા હતા અને તેનાથી ફાયદો મેળવતા હતા. કાફીના આ પ્રકરણમાં એક રીવાયાતમાં આ વાક્ય જોવા મળે છે.
“قال: كنت أنظر في كتاب فاطمة عليها السلام ليس من ملك يملك الأرض الا وهو مكتوب فيه باسمه واسم أبيه۔”
મેં ફાતેમા(સ.અ.)ની કિતાબમાં જોયું છે કે કોઈ પણ રાજા જમીન પર (કોઈપણ ભાગમાં) શાસન કરી શકશે નહીં, સિવાય કે તેમાં તેનું નામ તેના પિતૃત્વ સાથે લખેલું હોય.
મુસહફ એ ફાતેમા શું છે?
મુસહફ એ ફાતેમા(સ.અ.)થી સંબંધિત હદીસો શિયા પુસ્તકોમાં વિગતવાર વર્ણવવામાં આવી છે. કિતાબ અલ-કાફી ઉપરાંત, બીજી વિશ્વસનીય કિતાબો જેમ કે બસાએરુજ દરજાતમાં પણ આ સહીફા વિશે સંપૂર્ણ પ્રકરણ છે.કાફી કિતાબમાં સકહલ ઈસ્લામ શેખ કુલેની(ર.અ.)એ મોઅતબર સનદ સાથે ઈમામ જાફર સાદિક(અ.સ.)થી રિવાયત કરવામાં આવી છે કે “જયારે રસુલુલ્લાહ(સ.અ.વ.) દુન્યાથી રેહલત પામ્યા ત્યારે જનાબે ફાતેમા(સ.અ.) એ રીતે ગમગીન થયા કે ખુદા સિવાય કોઈ પણ તેમના ગમની તીવ્રતાને જાણતું ન હતું. તેથી અલ્લાહે જીબ્રઈલ(અ.સ.)ને તેમની સાથે વાત કરવા માટે, તેમને દિલાસો આપવા અને તેમના દુઃખને હળવા કરવા માટે તેમની પાસે મોકલ્યો. જીબ્રઈલ(અ.સ.) દરરોજ તેમને સાંત્વના આપવા આવતા હતા અને તેમની સાથે વાત કરતા હતા, જીબ્રઈલ(અ.સ.) જે કઈ પણ કેહતા તે અમીરુલ મોઅમેનીન(અ.સ.) લખતા જતા હતા ત્યાં સુધી કે એક કિતાબ ભેગી થઈ ગઈ અને તેજ મુસહફે ફાતેમા(સ.અ.) છે અને તેમાં કયામતના દિવસ સુધીના બધા હાલાત સમાયેલ છે.
એક રિવાયતમાં એવું પણ જોવા મળે છે કે જ્યારે એક સહાબીએ હઝરત ઈમામ જાફર સાદિક(અ.સ.)ને ઈલ્મે જફર વિશે સવાલ પૂછ્યું તો આપ(અ.)એ કહ્યું: “આ ઈલ્મ ગાયની ચામડી પર લખાયેલું છે જેની લંબાઈ સિત્તેર હાથ છે.” પહોળાઈ બે ખૂંધવાળા ઊંટની જાંઘની ચામડી જેટલી છે, અને લોકોને જે સમાચારની જરૂર છે તે બધા તેમાં સમાયેલ છે. દરેક હુકમ અને દરેક વસ્તુ તેમાં લખેલી છે, ખંજવાળનો શું કફ્ફારો છે તેની પણ તફસીરનું તેમાં વર્ણન પણ છે.
રાવીએ પૂછ્યું: શું તે સહીફાએ ફાતેમા(સ.અ.) છે?
ઈમામ(અ.સ.) થોડીવાર મૌન રહ્યા. પછી આપે જવાબમાં ફરમાવ્યું: “… રસુલુલ્લાહ(સ.અ.વ.)ના મૃત્યુ પછી, જીબ્રઈલ(અ.સ.) જનાબે સય્યદા(સ.અ.)ની પાસે આવતા અને તેણીને દિલાસો અને સાંત્વના આપતા હતા. જનાબે ફાતેમા(સ.અ.)ને તેમના પિતા અને ખુદ તેમના મકામ અને મરતબાની ખબર આપતા અને તેમના પછી તેમની ઓલાદના હાલાતની ખબર આપતા.અલી(અ.સ.) આ બધાને લખતા જતા અને આજ તેહરીર મુસહફે ફાતેમા(સ.અ.) છે.
Be the first to comment