ગદીરના એલાન બાદ અલી (અ.સ.) માટે ખિલાફતનો દાવો કરવો જરૂરી હતો?

વાંચવાનો સમય: 3 મિનિટ

ઘણા મુસલમાનો માને છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) રસુલ (સ.અ.વ.)ના નિયુક્ત થયેલ ખલીફા નથી. અગર તેઓ સાચા ખલીફા હોત તો એવું હોત તો તેમણે ખિલાફત માટે પોતાનો દાવો રજુ કરવો જોઈતો હતો. આ બાબતે તેમની ચુપકીદી બતાવે છે કે તેમણે અબુબક્રની ખિલાફતનો સ્વીકાર કર્યો હતો.

જવાબ:

પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની શહાદત પછી તરત જ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ પોતાની ખિલાફતના હક્કનો દાવો ઘણા બધા મૌકાઓ ઉપર કર્યો હતો ત્યાં સુધી કે આપ ઉસ્માનના કત્લ બાદ મુસલમાનો માટે જાહેરી ઈમામ બન્યા. ન ફક્ત અલી (અ.સ.) બલ્કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ના ભરોસાપાત્ર સહાબીઓ જેમકે સલમાને મોહમ્મદી (અ.ર.) અને અબુઝર (અ.ર.)એ પણ આપની ખિલાફતના હક્કની દીફા કરી છે.

આપ (અ.સ.)એ દાવો કર્યો એ પહેલા પણ, ખિલાફતના હક્કને  છીનવી લેનારાઓ સારી રીતે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના ખિલાફતના હક્કથી માહિતગાર હતા. કહેવાતા ખલીફાઓએ પોતાની પુરતી કોશીશો અને અવરોધો ઉભા કર્યા જેથી અલી (અ.સ.) પોતાની અફઝલીય્યત અને પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) સાથે પોતાના સંબંધથી મુસલમાનોને આગાહ ન કરી શકે. તેઓએ આપના ઘર ઉપર હુમલો કર્યો અને દરવાજો સળગાવી દીધો એ છતાં કે તે ઘરમાં અલી (અ.સ.), જનાબે ફાતેમા ઝહરા (સ.અ.), ઈમામ હસન (અ.સ.) અને ઈમામ હુસૈન (અ.સ.) અને બીજા લોકો મૌજુદ હતા. તેઓએ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ને અબુબક્રની બયઅત કરવામાં માટે તેમના ઘરેથી બહાર કાઢ્યા.

આ અને બીજું ઘણું ફક્ત કરવાનો ફક્ત એક જ મકસદ હતો કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના ખિલાફતના હક્કનો ઇન્કાર કરવો. એહલે તસન્નુનની સૌથી ભરોસાપાત્ર કિતાબમાં આ બનાવો વિસ્તૃતથી બયાન કરવામાં આવ્યા છે.

અલબત્ત, ખુદ તેમની કિતાબો તેમના દાવાઓનો વિરોધ કરતી હોવા છતાં, મુસલમાનો એવો આગ્રહ રાખે છે કે આવું કઈ થયું જ નથી અને અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ ક્યારેય પોતાની ખિલાફતનો દાવો પેશ કર્યો જ નથી.

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) માટે ખિલાફતનો દાવો કરવો જરૂરી ન હતો:

આ વિષય ઉપર હિશામ ઇબ્ને હકમ (અ.ર.)નો એક ખુબજ રસપ્રદ બનાવ છે કે જે ચર્ચા/વાર્તાલાપ (ડીબેટ)ના નિષ્ણાત અને એહલેબેત (અ.મુ.સ.)ની દીફા કરનાર હતા. આ બનાવ સાબિત કરે છે કે ભલે આપણે મુસલમાનોની એ દલીલ કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ ખિલાફતનો દાવો નથી કર્યો તેને માની લઈએ તો પણ અલી(અ.સ)  હક્ક ઉપર છે. અલબત્ત, તેઓ માટે ખિલાફતનો દાવો કરવો જરૂરી પણ ન્હોતો.

ઝોરારહએ હેશામ ઇબ્ને હકમ (ર.અ.)ને પૂછ્યું: શા માટે હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)એ લોકોને પોતાની ઇમામત તરફ દઅવત ન આપી જયારે કે તેઓ રસુલ (સ.અ.વ.)ના જાનશીન હતા?

હેશામ (ર.અ.)એ કહ્યું: તેઓ માટે તેમ કરવું જરૂરી ન હતું કારણ કે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ મુસલમાનોને ગદીરના દિવસે, તબુકના દિવસે અને બીજા અનેક મૌકાઓ ઉપર તેમની  ઇમામત અને ખિલાફત તરફ પહેલા જ દઅવત આપી દીધી હતી. પરંતુ મુસલમાનોએ આપ (સ.અ.વ.)ની દઅવત ઉપર ધ્યાન ન આપ્યું.  અગર દઅવત દેવાની પરવાનગી હોત તો બેશક અલ્લાહ સજદાના હુકમ પછી આદમ (અ.સ.)એ ઇબ્લીસને સજદાની દઅવત આપી હોત.

તેથી આપ (અલી અ.સ.)એ સબ્ર કરી… “જેવી રીતે અગાઉના ઉલુલ અઝમ રસૂલોએ સબ્ર કરી હતી.”

(સુરએ અહકાફ (૪૬): આયત ૩૫)

  • ઇબ્ને શહરે આશુબની મનાકીબે આલે અબી તાલિબ (અ.સ.) ભા. ૧, પા. ૨૭૦

નોંધ: અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)એ ખિલાફત અને ઇમામતનો પોતાનો દાવો રસુલે ખુદા (સ.અ.વ.)ની શહાદત પછી પોતાની જાહેરી ખિલાફતના સમય સુધી ઘણા બધા પ્રસંગોએ કર્યો છે. અહી હેશામ (અ.ર.) ફક્ત ધારણાના આધારે દલીલ કરી રહ્યા છે કે અગર એમ ધારી લેવામાં આવે કે અલી (અ.સ.)એ કોઈ દાવો નથી કર્યો તો પછી તેમની મિસાલ નબી આદમ (અ.સ.) જેવી હોત કે જયારે અલ્લાહ અઝ્ઝ વ જલ્લ એ ઇબ્લીસને હુકમ કર્યો પરંતુ તેણે નાફરમાની કરી, ત્યારબાદ આદમ (અ.સ.)એ ઇબ્લીસને પોતાની સામે સજદો કરવા ન કહ્યું. જયારે કોઈએ અલ્લાહના હુકમનો ઇન્કાર કરી દીધો હોય તો પછી આદમ (અ.સ.)નો હુકમ માનવો એવું થાય કે માલિકની નાફરમાની કરવી જયારે કે નોકરની તાબેદારી કરવી!! આવી જ રીતે પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ અલી (અ.સ.)ને ઘણા બધા મૌકાઓ ઉપર પોતાના જાનશીન તરીકે પેશ કર્યા, તેથી અલી (અ.સ.) માટે પોતાનો દાવાની તકરાર કરવાની કોઈ જરૂર રહેતી ન હતી. તેમ છતાં લોકો સમક્ષ પોતાની દલીલ સંપૂર્ણ કરવા અને કયામતના દિવસે લોકો માટે કોઈ બહાનુ બાકી ન રહે તે માટે આપ (અ.સ.)એ પોતાના દાવાની ઘણા બધા મૌકાઓ અને અલગ અલગ લોકો સામે પોતાનો દાવો પેશ કર્યો હતો.

તદઉપરાંત બીજી ઘણી દલીલો છે જે સાબિત કરે છે કે હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) હક્ક ઉપર હતા ચાહે તેઓ પોતાની ખિલાફતનો દાવો કરે કે ન કરે.

દા.ત. પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)ની એક હદીસ છે કે જે તમામ મુસલમાનો કબુલ કરે છે:

“અલી (અ.સ.) હક્ક સાથે છે અને હક્ક અલી (અ.સ.) સાથે છે. અય અલ્લાહ! હક્કને એ તરફ ફેરવ જે તરફ અલી (અ.સ.) ફરે.”

તેથી ચાહે અલી (અ.સ.)એ રસુલ (સ.અ.વ.) પછી પોતાની ઇમામતનો દાવો કર્યો હોય કે ન કર્યો હોય તેઓ  હક્ક ઉપર છે.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*