સુરએ માએદાહ આયત નં. ૬૭નો આ હિસ્સો અત્યંત ઘ્યાન આ૫વા લાયક છે. એટલા માટે કે રસુલે અકરમ (સ.અ.વ.) પોતાની (ત્રેપન વર્ષની) તબ્લીગી ઝીંદગી દરમ્યાન ઇલાહી રિસાલતના પયગામને ૫હોંચાડવા માટે ખૂબજ સખત સમય તકલીફદાયક ઝમાનાનો સામનો કરવો ૫ડયો. તેમજ પોતાની જાનને હથેળી ઉ૫ર કરીને દુશ્મનોની દરમ્યાન મક્કા અને તાએફમાં તથા હિજરત ૫છી જંગોંમાં અલ્લાહના દીનની તબ્લીગ કરી. પરંતુ હવે જયારે આં હઝરત (સ.અ.વ.) હજારો મુસલમાનોની દરમ્યાન છે અને લગભગ સમગ્ર અરબસ્તાનનો ટાપુ ઇસ્લામી હુકુમત હેઠળ આવી ચૂકયો છે. ખુદાવંદે આલમ હઝરત રસુલે અકરમ (સ.અ.વ.) ને એ વાયદો કરે કે ‘અમે આ૫ને લોકોના ત્રાસથી સુરક્ષિત રાખીશું !’ તો હવે જોવાનું એ રહયું કે આમ કહેવાાનો ભેદ અને કારણ શું છે.?
તેનો જવાબ ખુદ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની ઝમાનથી સાંભળીએ કે જેને આપ (સ.અ.વ.) એ ખુત્બે ગદીરની શરૂઆતમાં જ ફરમાવ્યો છે :
ખુદાવંદે આલમે મને આગાહ કર્યો છે કે અગર હું તે ચીઝ (પૈગામ) ન પહોંચાડુ જે અલીના હક્કમાં નાઝીલ કરવામાં આવ્યો છે, તો જાણે કે મેં રિસાલતનો કોઈ પૈગામ ૫હોંચાડયો જ નથી. અને તેણે મને લોકોના ત્રાસથી સુરક્ષિત રાખવાની જવાબદારી લીધી છે. ખુદા પુરતો અને કરીમ છે.
ખુદાવંદે કરીમે મારી ઉ૫ર આ રીતે વહી નાઝીલ કરી,
‘અય પયગમ્બર! જે કંઇ તમારા પરવદિગાર તરફથી તમારી ઉ૫ર નાઝીલ કરવામાં આવ્યું છે તેને ૫હોંચાડી દયો. અને અગર તમે તેમ ન કર્યું તો જાણે તમે રિસાલતનું કોઇ કાર્ય જ અંજામ આપ્યું નથી અને અલ્લાહ તમને લોકોના ત્રાસથી સુરક્ષિત રાખશે.’
અય લોકો ! ખુદાવંદે આલમે જે કંઇ મારી ઉપર નાઝીલ કર્યું છે તેને ૫હોંચાડવામાં મે કોઇ કોતાહી નથી કરી, હવે આયત નાઝીલ થવાનું કારણ તમને જણાવી રહયો છું.
જનાબે જીબ્રઇલ(અ.સ.) ત્રણ વખત મારી ઉ૫ર નાઝીલ થયા અને ખુદાવંદે આલમ તરફથી મને હુકમ આપ્યો કે આ મજમામાં હું ઉભો થઇને તમામ કાળા અને ગોરાની દરમ્યાન એ એલાન કરી દઉં કે અલી ઇબ્ને અબી તાલીબ(અ.સ.) મારા ભાઇ, મારા વસી, મારી ઉમ્મત ઉ૫ર મારા જાનશીન અને ખલીફા છે તેમજ મારા પછી તેઓ જ ઇમામ છે. તેમની નિસ્બત મારી સાથે એવી જ છે જેવી જનાબે હારૂન (અ.સ.)ને જનાબે મુસા(અ.સ.) સાથે હતી, ફર્ક ફકત એટલો જ છે કે મારા પછી કોઇ નબી નથી, અને તેઓ જ અલ્લાહ અને તેના રસુલની તરફથી તમારી ઉ૫ર અઘિકાર ધરાવનારા (વલી) છે. ખુદાવંદે આલમે તે સંબંધમાં પોતાની કિતાબ (કુરઆને મજીદ) માંથી એક આયત મારી ઉ૫ર નાઝીલ કરી છે.
તમારો વલી (અઘિકાર ધરાવનાર) ખુદા છે અને તેનો રસુલ છે અને તે લોકો છે કે જેઓ ઇમાન લાવ્યા છે અને નમાઝ કાયમ કરે છે અને રૂકુઅની હાલતમાં ઝકાત આપે છે.
( સુર માએદાઅ(પ) આયત નં.૫૫)
અલી ઇબ્ને અબી તાલીબ(અ.સ.) જ છે કે જેઓએ નમાઝ કાએમ કરી અને રૂકુઅની હાલતમાં ઝકાત આપી છે. અને તેઓ જ દરેક પરિસ્થિતિમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને નજર સમક્ષ રાખે છે.
અય લોકો ! મેં જીબ્રઇલને અરજ કરી કે તે ખુદાને દરખ્વાસ્ત કરે કે મને આ મહત્વના કાર્યની તબ્લીગથી માફ કરે. એટલા માટે કે ભરોસાપાત્ર અને ૫રહેઝગાર લોકોની સંખ્યા ઓછી છે અને મુનાફીકોની સંખ્યા વધારે છે. હું ફસાદ ફેલાવનારાઓ, બહાના બનાવનારાઓ અને દીને ઇસ્લામની મજાક ઉડાવનારાઓની વધારે સંખ્યાથી માહિતગાર છું. તે લોકો કે જેઓના બારામાં ખુદાવંદે આલમે પોતાની કિતાબ કુરઆને કરીમમાં તેઓની સિકતો (તેઓના ગુણો) આ રીતે બયાન કરમાવ્યા છે કે : તે લોકો પોતાની જીભથી તે વાતો બયાન કરી રહયા છે કે જે તેઓના દિલમાં નથી અને તેઓ તે કાર્યને ખૂબજ સરળ ગણે છે.
આથી રસુલે અકરમ (સ.અ.વ.) મુનાફીકોના ત્રાસથી ખૂબજ વધારે ભયભીત હતા. આ ડર આં હઝરત (સ.અ.વ.)ની જાનનો ન હતો બલ્કે દીને ઇસ્લામ પ્રત્યેનો ડર હતો, અર્થાત પયગમ્બરે અકરમ(સ.અ.વ.) મુનાફીકોની સાજીશો, કાવા-દાવા અને પ્રપંચોથી ભયભીત હતા. એટલા માટે કે મુનાફીકોની સંખ્યા વધારે હતી અને હઝરત અલી(અ.સ.)ની ખિલાફત અને જાનશીનીના વિરૂધ્ધ કોઇ ચળવળ તેઓ માટે અસહય અને કોઇ ૫ણ સંજોગોમાં સાંખી ન શકાય તેવી હતી.
આ લોકો (મુનાફીકો) તેવા હતા કે અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ની ખિલાફતનાં એઅલાનની સામે શકય હતું કે તેઓ પોતાની સહન શક્તિ ખોઇ બેસે અને પોતાના ચહેરાઓ ઉ૫ર નાખેલી નિફાકની નકાબને પલ્ટાવી નાખે અને આં હઝરત (સ.અ.વ.)ની રિસાલત અને અમીરૂલ મોઅમેનીન અલી(અ.સ.)ની ખિલાફત અને જાનશીનીનો ઇન્કાર કરી બેસે તથા ૫રિસ્થિતને એકમદ બગાડી નાખે.
ઘ્યાન આપો કે દીને ઇસ્લામ તેના શરૂઆતના વર્ષોમાંજ સમગ્ર અરબસ્તાન ઉપર પ્રભુત્વ મેળવી ચૂકયો હતો. તેમજ હકીકતમાં મુનાફીકો કે જે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના સહાબીઓની દરમ્યાન હતા તેઓ અગર તમામ બાબતોનો ઇન્કાર કરી દેત તો દીને ઇસ્લામની હાલત શું થાત ?
જી હા, મુનાફીકોથી આજ ડર રસુલ અકરમ(સ.અ.વ)ના સમગ્ર અસ્તિત્વને ચિંતિત કરી રહયો હતો. એટલા માટે કે જે હુકમ ખુદાવંદે આલમ દ્વારા નાઝીલ થયો હતો તે બાબત રસુલે અકરમ(સ.અ.વ.)ને ૫રિસ્થિતી સાનુકુળ લાગતી ન હતી. પરંતુ વહીનો ફરિશ્તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી રસુલે અકરમ (સ.અ.વ.) માટે હિફાઝતનો ઇલાહી વાયદો લઇને આવ્યા અને આ રીતે ખુદાવંદે આલમનો ઇરાદો મોહકમ (સંપૂર્ણ) થયો.
ઇસ્લામના ઇતિહાસમાં અને ખાસ કરીને રસુલે અકરમ (સ.અ.વ.)ની પવિત્ર ઝીંદગીમાં નિફાક અને તેની મહત્વતાનો મસઅલો ઘણા ખરા લોકો ઉ૫ર છુપો છે અને ઘણાખરા તેનાથી માહિતગાર નથી. તેમજ મજાની વાત તો એ છે કે કુરઆને કરીમે અંદાજે ત્રણસો જેટલી આયતોમાં તે મક્કારો, બહાનાબાજો અને કાવતરાખોર સમૂહોની ખાસિયતો અને ગુણોની સ્પષ્ટતા સાથે તેઓની ખતરનાક અને છુપી ચાલો ઉ૫રથી પર્દો હટાવ્યો છે.
આ સમૂહ એટલી તાકત ધરાતો હતો કે તેણે જંગે તબુક એટલેકે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની ઝીંદગીની છેલ્લી જંગમાં રસુલે અકરમ (સ.અ.વ.)ના લશ્કરથી વધારે અને રસુલે અકરમ(સ.અ.વ)ના લશ્કરથી અલગ નવુ ત્રીસ હજાર લોકોનું લશ્કર બનાવ્યું હતું.
(સિરતે ઇબ્ને હીશામ ભાગ-૪ પાના નં. ૬૨, તારીખે દમીશ્ક ભાગ-૧ પાના નં. ૪૧૦-૪૧૧)
તેઓએ એક મસ્જીદ બનાવી અને આપ હઝરત (સ.અ.વ.)ને અરજ કરી કે તબુકના રસ્તામાં તે મસ્જીદનું ઉદઘાટન કરે. પરંતુ ખુદાવંદે આલમે આયત નાઝીલ કરીને તેને મસ્જીદે ઝરાર તથા ગુમરાહી, વિરોધાભાસ, ફાટફુટ અને ખુદાના દુશ્મનોનું કેન્દ્ર નું નામ દીધુ. સુરએ તૌબામાં આ સમૂહ સંબંઘિત આ રીતે બયાન થયું છે.
‘આ લોકો પોતાની વાતોમાં અલ્લાહની કસમ ખાય છે કે અમે તેમ કર્યું નથી. જયારેકે તેઓએ કુફ્રથી ભરેલી વાતો કહી છે. તેમજ ઇસ્લામ લાવ્યા ૫છી કાફીર થઇ ગયા છે અને તેઓએ તે કામનો ઇરાદો કર્યો કે જેને તેઓ અંજામ ન આપી શકયા.’
(સુરએ તૌબા(૯) આયત નં. ૭૪)
શીયા તથા સુન્ની તફસીરકારોએ આ વિષયમાં લખ્યું છે કે મુનાફીકો જે કાર્ય અંજામ આપવા ચાહતા હતા અને તેમાં તેઓ સફળ ન થઇ શકયા તે કાર્ય રસુલુલ્લાહ(સ.અ.વ.) નું કત્લ હતુ.
(તફસીરે કશ્શાફ સુરએ તૌબાની આયત નં. ૭૪ હેઠળ, બેહારૂલ અન્વાર ભાગ ૨૧ પાના નં. ૨૨૩)
ઇતિહાસના બનાવોમાં એ નોંધાયેલુ છે કે આં હઝરત (સ.અ.વ.)ના કત્લની યોજનામાં આ લોકોને સફળતા ન મળી તે ગદીરે ખુમથી મદીના તરફ પરત ફરતા હરશી નામના એક પહાડીમાં આ બનાવ બન્યો હતો.
જયારે જંગે ઓહદમાં રસુલ અકરમ (સ.અ.વ.)કત્લ થઇ ગયાની અફવા ફેલાણી અને ઘણાખરા મુસમાનો જંગનાં મૈદાનમાંથી ભાગી ગયા તે લોકોની કુરઆને કરીમ ટિકા અને નિંદા કરી રહયું છે.
‘અને મોહમ્મદ (સ.અ.વ.) તો ફકત એક રસુલ છે કે જેમની આગાઉ ઘણાબધા રસુલો પસાર થઇ ચુકયા છે. શું અગર તે મરી જાય અથવા કત્લ થઇ જાય તો શું તમે લોકો ઉલ્ટા પગે જાહેલીય્યતના ઝમાનાના તરફ પાછા ફરી જશો ? જે કોઇ આમ કરશે તે અલ્લાહનું કોઇ નુકસાન કરશે નહીં.’
(સુરએ આલે ઇમરાન(૩) આયત નં. ૨૪૪)
એક બાજુ કુરઆને કરીમની આ ચેતવણી આપણું એ તરફ ઘ્યાન દોરી રહયું છે કે શું મુસલમાનો માટે જાહેલીય્યતના ઝમાના તરફ પરત ફરવાની શકયતા હતી ?
બીજી બાજુ ઘણી બધી રિવાયતો શીઆ અને સુન્ની કિતાબોમાં પયગમ્બરે અકરમ (સ.અ.વ.)થી આજ વિષય ઉ૫ર નોંધાયેલી જોવા મળે છે.
‘તે ખુદાની કસમ કે જેણે મને રસુલ બનાવીને અને રિસાલત અતા કરીને મબઉસ કર્યો, મારી ઉમ્મત એ જ રસ્તો ઇખ્તેયાર કરશે જે રસ્તો અગાઉની ઉમ્મતોએ ઇખ્તેયાર કર્યો હતો. ત્યાં સુધી કે બની ઇસ્રાઇલની દરમ્યાન અગર કોઇ કાણાંમાં સાપ દાખલ થયો હશે તો આ ઉમ્મતમાં ૫ણ એક સાંપ કાણામાં દાખલ થશે.’
(કમાલુદીન પાના નં. ૫૭૨, મજમઉલ બયાન ભાગ-૧૦ પાના નં. ૪૬૨)
આ રિવાયતમાં તે બાબત તરફ ઇશારો કરવામાં આવ્યો છે કે આ ઉમ્મત ૫ણ બની ઇસ્રાઇલનો રસ્તો અને પધ્ધતિ ઇખ્તેયાર કરશે અને તેઆોના જ નકશે કદમ ઉપર ચાલશે.
‘(અય મારી ઉમ્મતના લોકો !) તમે આગઉની ઉમ્મતોની સુન્ન્તોનું જ અનુકરણ કરશો અને તે લોકોએ જે રસ્તો ઇખ્તેયાર કર્યો હતો તે જ રસ્તો તમે ૫ણ ઇખ્તેયાર કરશો અને તેઓના નકશે કદમ ઉ૫ર ચાલશો.’
લોકોએ સવાલ કર્યો કે જેવી રીતે યહુદીઓ અને નસ્રાનીઓ ?
આપ હઝરત (સ.અ.વ.)એ જવાબ આપ્યો: તે સિવાય બીજા કોનું કહી રહયો છું ?
(મુસ્નદે એહમદ બિન હમ્બલ ૮૪/૯૪૩, સહીલ મુસ્લીમ ભાગ-૧૬ પાના નં. ૨૧૯, સહીહ બુખારી ભાગ-ર પાના નં. ૧૭૧)
આવો હવે એ જાણવાની કોશિશ કરીએ કે યહુદીઓ અને નસ્રાનીઓએ શું કર્યુ હતુ ? અને કયો રસ્તો ઇખ્તેયાર કર્યો હતો?
કુરઆને કરીમના કીસ્સાઓ, તે ઉમ્મતોની પરિસ્થિતિએ આ૫ણા સવાલનો જવાબ આપે છે. જેમકે બની ઇસ્રાઇલના પતનનો કિસ્સો, ઉદાહરણ તરીકે અલગ અલગ મોઅજીઝાઓ જેમકે લાકડીનું અજગર બનવું અને દરીયાએ નીલમાં રસ્તો બનવો વિગેરે મોઅજીઝાઓ તે ઉમ્મતે પોતાના ઝમાનાના નબી પાસેથી જોયા. પરંતુ જેવી રીતે હઝરત મુસા (અ.સ.) એ તેઓને ફીરઔનના આંતક અને અઝાબથી છુટકારો અપાવ્યા ૫છી અમૂક દિવસો બાદ જનાબે મુસા (અ.સ.)એ તેઓને કહયુ કે ખુદાવંદે આલમે ત્રીસ દિવસો માટે મુનાજાતની ૫રવાનગી આપી છે અને મિકાત ઉ૫ર જવાનું છે ૫છી જયારે તે ત્રીસ દિવસ વધીને ચાલીસ થઇ ગયા તો બધા એકમત છે કે તેમની કૌમના ઘણાખરા લોકો વાછરડાની પૂજા કરવા લાગ્યા, આ ફેરફાર અને ગુમરાહી ફકત એક જ વ્યક્તિની મક્કારી અને કાવતરાને લીધે હતી. જે ખુદ હઝરત મુસા(અ.સ.)ના હવારીઓમાંથી હતો એટલે કે સામરી.
આ બનાવથી એ સ્પષ્ટ થાય છે કે લોકો દ્વારા પોતાના નબીની નાફરમાની કરવી અને ત્યાં સુધી કે અમુક લોકોનું ઇમાનમાંથી નિકળીને કુફ્ર ઇખ્તેયાર કરી લેવું તે કંઇ નવી બાબત નથી. તેમજ આ બધુ તે સમયે થયુ છે કે જયારે તેઓ નબીની સામે હતા અને અસંખ્ય મોઅજીઝાઓ નિહાળી ચૂકયા હતાં. ૫રિણામ સ્વરૂપ રસુલે અકરમ (સ.અ.વ.)ના ૫ણ ઘણા બધા સહાબીઓ આપ હઝરત (સ.અ.વ.)ની ૫છી મુનાફીકોની મક્કારીઓ અને કાવતરાઓના શિકાર બની ગયા અને હઝરત અમીરૂલ મોઅમેનીન અલી(અ.સ.)ની ઇમામતથી મોઢું ફેરવીને તેનો ઇન્કાર કરી બેઠા અને અલી(અ.સ.)ની ખિલાફત અને ઇમામતને કબુલ ન કરી.
Be the first to comment