શું કુરઆન ઈમામ (અ.સ) વગર હિદાયત માટે પુરતું છે? – એક ચર્ચા

વાંચવાનો સમય: 4 મિનિટ

મુસલમાનોની માન્યતા છે કે ઈસ્લામીક ઉમ્મતને કોઈ માર્ગદર્શક કે ઈમામની જરૂર નથી. મુસલમાનોની માન્યતા છે કે પયગંબર (સ.અ.વ.)એ સંદેશો આપ્યો અને આપ (સ.અ.વ.) મુસલમાનોની વચ્ચે કુરઆન મૂકી ગયા. મુસલમાનોને કુરાન સિવાય અન્ય કોઈ વસ્તુની જરૂર નથી. વાસ્તવમાં આ અભિપ્રાય ખુદ પયગંબર (સ.અ.વ.)ના સમયમાં પણ પ્રચલીત હતો. જ્યારે પયગંબર (સ.અ.વ.) આખરી સમયે પથારી પર હતા અને તેમના ઉત્તરાધિકારીની નિમણૂક કરવાના હતા, ત્યારે અમુક સહાબીઓ અને ભાવી ખલીફાઓ સમજી ગયા કે આપ(સ.અ.વ) શું કરવાના છો અને આ લોકોએ પયગંબર (સ.અ.વ.)ને તેમની ઇચ્છા પૂરી કરતા અટકાવ્યા અને આ લોકો એ એવો દાવો કર્યો કે  – કુરાન આપણા માટે પૂરતું છે

(સહીહ બુખારી  9,468, 7,573; સહીહ મુસ્લિમ 1,637)

રસુલે ખુદા (સ.અ.વ.)ની શહાદત પછી ઉમ્મતના માર્ગદર્શનના વિષય પર એક શામી (સીરિયન) અને હીશામ બીન હકમ વચ્ચે  રસપ્રદ ચર્ચા થઇ છે. હીશામ બીન હકમ એ ઇમામ સાદિક (અ.સ.) ના ખુબજ ભરોસાપાત્ર સહાબી હતા. તેમની આ ચર્ચા સાબિત કરે છે કે ફક્ત કુરઆન મુસ્લિમો માટે પર્યાપ્ત માર્ગદર્શક હોવા અંગેના દાવામાં રસુલે ખુદા (સ.અ.વ.)ના કહેવાતા સહાબીઓ સંપૂર્ણ ખોટા હતા.

તે ઇમામ સાદિક (અ.સ.)નો સમયગાળો હતો જ્યારે સુન્ની મઝહબનો એક શામી શખ્સ (સીરિયન) મક્કા આવ્યો હતો.

શામી (સીરિયન) કહે છે કે હું ધર્મશાસ્ત્ર (કલામ) અને ન્યાયશાસ્ત્ર (ફીકહ)નો વિદ્વાન છું અને તમારા સહાબીઓ અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવા આવ્યો છું.

ઇમામ (અ.સ.): શું તમારી ચર્ચા અલ્લાહના રસુલ (સ.અ.વ.)ની રીવાયતો પર આધારીત છે કે તમારા પોતાના અભિપ્રાય પર આધારીત છે?

શામી (સીરિયન): મારી ચર્ચા મારા પોતાના અભીપ્રાય અને સાથે સાથે અલ્લાહના રસુલ (સ.અ.વ.)ની રીવાયતો પર આધારિત છે.

ઈમામ (અ.સ.): તો પછી તમે અલ્લાહના રસુલ (સ.અ.વ.)ના ભાગીદાર થયા ગણાશો.

શામી (સીરિયન) : ના, હું તેમનો ભાગીદાર નથી.

ઈમામ (અ.સ.): શું તમને અલ્લાહ તરફથી વહી મળે છે ?

શામી (સીરિયન): ના.

ઇમામ (અ.સ.): શું તમારી કહેલી વાતોનું માનવું ફરજીયાત (વાજીબ) છે જેવી રીતે અલ્લાહના રસૂલ (સ.અ.વ.)ની વાતોને માનવું ફરજિયાત છે?

શામી (સીરિયન): ના, હું મારા કહેણને અને અભિપ્રાયને માનવાને બીજા લોકો માટે ફરજિયાત માનતો નથી.

આ પછી ઇમામ (અ.સ.)એ તંબુમાંથી બહાર ડોકિયું કર્યું જે મક્કાના કિનારે પર્વતની ટોચ પર હતો . ઇમામ (અ.સ.)ની નજર એક ઉંટ સવાર વ્યક્તી પર પડી. આપ (અ.સ.) એ કહ્યું – કાબાના રબની કસમ, આ બીજું કોઈ નહીં પણ હીશામ છે.

હાજર રહેલા લોકો એવું સમજ્યા કે તે અકીલ (અ.સ.)ના પુત્રોમાંના એક હીશામ છે જેમને ઇમામ (અ.સ.) ખૂબ મોહબ્બત કરતા હતા. પરંતુ જેમ જેમ ઊંટ નજીક આવ્યુ તો લોકોએ જોયું કે તે તો હીશામ બીન હકમ છે.  હીશામ બીન હકમ તે વખતે હજી માંડ માંડ યુવાનીમાં પ્રવેશ્યા હતા અને તેમના ચહેરા પર વાળના દોરા હજી ફૂટ્યા હતા. ત્યાં હાજર અન્ય લોકો તેમના કરતા વયમાં ઘણા મોટા હતા.

જેવી ઇમામ (અ.સ.)ની નજર હીશામ પર પડી, આપ (અ.સ.)એ તે નવયુવાનનુ સ્વાગત કર્યું અને તેમના માટે પોતાની બાજુમાં જગ્યા બનાવી અને કહ્યું – આ તે છે જે તેના હૃદય, તેની જીભ અને તેના હાથો વડે અમારી મદદ કરે છે.

ઇમામ (અ.સ.) પછી શામી (સીરિયન) તરફ વળ્યા અને કહ્યું: તમે આ નવયુવાન સાથે ચર્ચા કરો.

શામી (સીરિયન) હીશામ સાથે ચર્ચા કરવા સંમત થયો અને ચર્ચા આ રીતે શરૂ થઈ:

શામી (સીરિયન) કહે છે અય નવયુવાન!! મને આ માણસ (ઇમામ સાદિક (અ.સ.))ની ઇમામત વિશે પુછો, હું ફક્ત આ વિષય પર તમારી સાથે ચર્ચા કરવા માંગુ છું.

આ અભદ્ર ટિપ્પણીથી હીશામ એટલા ગુસ્સે થયા કે તેઓ ગુસ્સાથી ધ્રૂજવા લાગ્યા, તેમણે શામી (સીરિયન) તરફ વળી અને તેને પૂછ્યું: શું અલ્લાહ તેની મખ્લુક માટે વધારે ભલાઈ અને ખુશી ઈચ્છે છે કે પછી ઇન્સાન પોતે અલ્લાહ કરતા વધારે ઈચ્છે છે?

શામી સીરિયન: અલ્લાહ માણસ માટે તેના કરતાં વધારે ભલાઈ અને ખુશી – સુખની ઇચ્છા રાખે છે.

હીશામ: અલ્લાહે તેની રહેમતના કારણે ઇન્સાનના માર્ગદર્શન માટે શું કર્યું છે?

શામી (સીરિયન) : તેણે તેના બંદાઓ પર તેની સાબિતી (હુજ્જત) સ્થાપિત કરી છે અને તેમના માટે ઇમામને  નિયુક્ત કર્યા છે, જેથી તેઓ શંકા અને અસંમતિનો શિકાર ન બને. ઇમામ તેમની બાબતોનું નિયમન કરે છે અને તેમને અલ્લાહ પ્રત્યેની તેમની જવાબદારીઓથી વાકેફ કરે છે.

હીશામ : તે ઈમામ કોણ છે?

શામી (સીરિયન) : અલ્લાહના રસુલ (સ.અ.વ.) તે ઇમામ છે.

હીશામ : અને તેના પછી કોણ ઇમામ અને માર્ગદર્શક છે?

શામી (સીરિયન) : અલ્લાહનું પુસ્તક – કુરઆન અને રસુલે ખુદા (સ.અ.વ.)ની સુન્ન્ત.

હીશામ : શું કુરઆન અને સુન્ન્ત આજે આપણા મતભેદો દૂર કરવામાં ઉપયોગી થઇ છે જેથી કરીને આપણે કોઈ એક બાબત પર સહમત થઈ શકીએ?

શામી (સીરિયન) : ચોક્કસ થાય છે .

હીશામ : તો પછી આપણી વચ્ચે અટલા બધા મતભેદ કેમ છે અને કેમ તમે આ મતભેદો વીષે અમારી સાથે ચર્ચા અને વીવાદ (ડિબેટ) કરવા માટે સીરિયાથી મક્કા સુધીનો આટલો લાંબો સફર કર્યો ?

આ સાંભળીને શામી (સીરિયન )ચૂપ થઈ ગયો. તેની પાસે બોલવાના શબ્દો ન હતા.

આ જોઈને ઈમામ (અ.સ.)એ શામી (સીરિયન)ને પૂછ્યું કે તે શા માટે ચૂપ થઈ ગયો અને જવાબ નથી આપી રહ્યો?

શામી (સીરિયન): જો હું કહું કે અમારી વચ્ચે કોઈ મતભેદ નથી તો તે જૂઠ હશે. બીજી બાજુ, જો હું કહું કે કુરઆન અને સુન્ન્ત આપણા મતભેદોનું નિરાકરણ કરવા માટે કાફી છે તો પણ હું ખોટો સાબિત થઈશ કારણ કે આપણી વચ્ચે ઘણા મતભેદો છે અને દરેક મુસ્લિમ કુરઆન અને સુન્ન્તનું અર્થઘટન તેની ઇચ્છાઓને અનુરૂપ કરે છે. જો હું કહું કે મતભેદો છે અને છતાં આપણે બંને સત્ય પર છીએ, તો તેનો અર્થ એ છે કે કુરઆન અને સુન્નત મતભેદોને દૂર કરવામાં ફાયદાકારક નથી. જો કે હું તેની (હીશામ) વિરુદ્ધ પણ આજ દલીલ નો ઉપયોગ કરી શકું છુ કે કુરઆન અને સુન્ન્ત હોવા છતાં આપણી વચ્ચે આટલા મતભેદ કેમ છે.

ઈમામ (અ.સ.): તમે આ વીષે હીશામને પૂછી શકો છો જેથી તમને તમારા જવાબ મળે.

શામી (સીરિયન) હીશામ તરફ વળ્યો અને આ પ્રશ્ન પૂછ્યો: શું અલ્લાહ તેની ખીલકત પર ઇન્સાન કરતાં વધુ દયાળુ છે?

હીશામ : હા, અલ્લાહ તેની ખીલકત પર ઇન્સાન કરતા વધુ દયાળુ છે.

શામી (સીરિયન): શું અલ્લાહે તેની ખીલકત માટે કોઈ એવી વ્યક્તિની નિમણુંક કરી છે જે તેમના મઝહબને સહીહ કરે અને તેમના મતભેદોને દૂર કરે અને સત્યને અસત્યથી અલગ કરે ?

હીશામ : શું તમે અલ્લાહના રસૂલ (સ.અ.વ.)ના યુગ વિશે પૂછો છો કે આજના યુગ વિશે?

શામી (સીરિયન): અલ્લાહના રસુલ (સ.અ.વ.)તો પોતાના જમાનામાં પોતે હાજર હતા, પરંતુ આજના જમાનામાં એવું કોણ છે?

હીશામ : ઇમામ સાદિક (અ.સ.)ની તરફ ઈશારો કરીને કહે છે કે આ માણસ અલ્લાહ (સુ.) તરફથી લોકો પર નિયુક્ત છે જે લોકોને આસમાન અને ધરતીની ખબર આપે છે અને આ તેમને તેમના પીતા (અ.સ.) અને તેમના પરદાદાઓ પાસેથી વારસાંમાં મળેલ છે.

શામી (સીરિયન): હું કેવી રીતે માનું કે આ માણસને આ ઈલ્મ અને હોદ્દો વારસામાં નબી (સ.અ.વ.) પાસે થી મળ્યો છે ?

હીશામ : તમે તેમને જે ઈચ્છો તે પૂછી શકો છો.

શામી (સીરિયન): હવે તમે મારા માટે કોઈ બહાનું બાકી રાખ્યું નથી

અલ કાફી વો.1 પેજ.171

અલ-ઇર્શાદ વો. 2 પેજ. 194

અલ-એહતેજાજ વો. 2 પેજ. 122

ઇબ્ને શહર આશોબની અલ-મનાકીબ વો. 3 પેજ 368

મદીનતો અલ-મઆજીઝ વો. 5 પેજ 265

બેહર અલ-અનવાર વો.. 23 પેજ 9, વો. 8 પેજ 203

અઅલામ- અલ-વરાઅ વો. 1 પેજ 530

કશ્ફ અલ-ગુમ્માહ વો. 2 પેજ 387

આ ચર્ચા પરથી એ વાસ્તવિકતા સ્પષ્ટ થાય છે કે મુસલમાનોને હંમેશા એક ઇલાહી માર્ગદર્શકની જરૂર છે. હકીકતમાં આ પવિત્ર કુરઆનની પણ સ્પષ્ટ એલાન છે – ‘તમે માત્ર એક ચેતવણી આપનાર છો અને દરેક લોકો માટે એક માર્ગદર્શક છો.’ પહેલા તે પવિત્ર પયગંબર (સ.અ.વ.) હતા, પછી તેમણે દરેક યુગમાં મુસલમાનોને માર્ગદર્શન આપવા માટે ઇલાહી હુકમ પર ઈમામો (અ.સ.)ને નિયુક્ત કર્યા હતા. જેથી ઇસ્લામનો એક પણ યુગ ઇમામ વિના બાકી ન હોય. પવિત્ર કુરઆન એક સંપૂર્ણ હાદી (માર્ગદર્શક) છે પરંતુ ત્યારેજ જયારે ઇમામ સાથે હોઈ અન્યથા ઇમામ વગર ફક્ત કુરઆન મુસલમાનો માટે અપૂરતું છે અને લોકોની સમજ શક્તિ અને અકલના અભાવે ગેર માર્ગે દોરી શકે છે જેવી રીતે જંગે સિફફીનમાં બન્યું હતું.

Be the first to comment

Leave a Reply