પયગમ્બર (સ.અ.વ.)ના નફ્સ હોવું તે અલી (અ.સ.)ને તમામ મખ્લુકમાં શ્રેષ્ઠ બનાવે છે.

વાંચવાનો સમય: 3 મિનિટ

કેટલાક શંકાખોરો શિઆઓની એ માન્યતા ઉપર વાંધો ઉઠાવે છે કે તેઓ એવું માને છે અલી (અ.સ) રસુલે ખુદા (સ.અ.વ) સિવાય દરેક મખ્લુકમાં શ્રેષ્ઠ (અફઝલ) છે તેમજ તેઓ (શંકાખોરો) દાવો કરે છે કે શિઆઓની આ માન્યતા કુફ્ર છે અને શીઆઓ વિરુદ્ધ્દ કુફ્રનો (ફતવો) હુકમ આપે છે

જવાબ

શિઆઓ વિરુદ્ધ આવા નિરર્થક દાવાઓ કરવા એ તેઓની કુરઆન અને સુન્નત વિશેની નબળી સમજણ દર્શાવે છે. આ શંકાખોરોએ પોતાની ધારણા અને અનુમાન મુજબના તારણો કાઠયા છે જે કુરઆન અને સુન્નત વિરુદ્ધ છે

પવિત્ર અઈમ્મા (અ.મુ.સ.) અને ખાસ કરીને અમીરુલ મોઅમેનીન અલી (અ.સ)નું પવિત્ર પયગંબર (સ.અ.વ ) સિવાય દરેક પયગંબરો કરતા અફઝલ (શ્રેષ્ઠ)હોવા વિષે કુરઆનની સ્પષ્ટ આયત છે:

فَمَنْ حَآجَّكَ فِيهِ مِن بَعْدِ مَا جَاءكَ مِنَ الْعِلْمِ فَقُلْ تَعَالَوْاْ نَدْعُ أَبْنَاءنَا وَأَبْنَاءكُمْ وَنِسَاءنَا وَنِسَاءكُمْ وَأَنفُسَنَا وأَنفُسَكُمْ ثُمَّ نَبْتَهِلْ فَنَجْعَل لَّعْنَةُ اللّهِ عَلَى الْكَاذِبِينَ

તથાપિ તે (ઈસા) વિષે જે જ્ઞાન તને મળી ચૂકયું છે તે પછી પણ જે કોઈ તારી સાથે તે (ઈસા)ના સબંધમાં તકરાર કરે તો તું કહે કે આવો અમે અમારા પુત્રોને બોલાવીએ અને તમે તમારા પુત્રોને બોલાવો અને અમે અમારી બેટીઓને બોલાવીએ અને તમે તમારી બેટીઓને (બોલાવો) અને અમે પોતાના નફસોને બોલાવીએ તથા તમે તમારા નફસોને બોલાવો; પછી આપણે (અલ્લાહ પાસે) કરગરીને દુઆ કરીએ અને જૂઠું બોલનારાઓ પર અલ્લાહની ફિટકાર કરીએ.

(સુ.આલે ઇમરાન – ૬૧)

અહીં પવીત્ર કુરઆનના બધા મુફ્સ્સેરીન (તફસીરકારો) એકમત છે કે આ આયતમાં શબ્દ “નફ્સ” અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નો ઉલ્લેખ કરે છે.

અહેમદ ઇબ્ને હમ્બલ તેની મુસ્નદમાં રીવાયત કરે છે કે – જ્યારે આ આયત પવીત્ર પયગમ્બર (સ.અ.વ.) ઉપર નાઝીલ થઇ, આપ (સ.અ.વ)એ ઇમામ અલી (અ.સ.), જ. ફાતેમા (સ.અ.), ઇમામ હસન (અ.સ.) અને ઇમામ હુસૈન (અ.સ.)ને બોલાવ્યા અને જાહેર કર્યું, “અય મારા પાલનહાર! આ મારા અહલેબૈત (અ.મુ.સ.) છે.”

  • મુસ્નદે એહમદ ભાગ ૧ પેજ ૧૮૫

આ મુબારક આયતમાં વપરાએલા શબ્દ “નફ્સ”થી કોઇપણ સ્પષ્ટ  તારણ કાઢી શકે છે કે આ આયતમાં ઇમામ અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)નું પયગમ્બર (સ.અ.વ.) સાથે હોવાનું વર્ણવવામાં આવ્યું છે. અને રીવાયતો પણ એકમત છે કે પવીત્ર પયગમ્બર (સ.અ.વ.) બઘા જ પયગમ્બરો અ.મુ.સ) કરતા અફઝલ શ્રેષ્ઠ છે, તો પછી ઇમામ અલી (અ.સ.) પણ બધા જ પયગમ્બરો (અ.મુ.સ) કરતા શ્રેષ્ઠ છે.

સહીહ બુખારીમાં પવીત્ર પયગમ્બર (સ.અ.વ.)થી રીવાયત છે કે આપ (સ.અ.વ.) ફરમાવે છે કે – હું બધા જ લોકોનો સરદાર છું. (સહીહ બુખારી ભાગ ૬ પેજ ૨૨૩)

અને હું આદમ અ.સ.ની ઔલાદનો સરદાર છું

  • સહીહ મુસ્લીમ – ફઝાએલની કીતાબ, પયગમ્બર (સ.અ.વ.)ની બધી જ મખ્લુક ઉપર શ્રેષ્ઠતાનું પ્રકરણ
  • સહીહ તીરમીઝી ભાગ ૨ પેજ ૮૯૫

આ મુજબ તેનો સ્પષ્ટ અર્થ એ છે  કે રૂહાની રીતે અલી (અ.સ.)એ નફ્સે રસુલ (સ.અ.વ.) છે. આમ  તેઓ પણ દરેક લોકોના સરદાર અને આદમ (અ.સ.)ની ઔલાદના સરદાર છે.

અલ્લામા હીલ્લી (ર.અ.) કીતાબ શર્હે તજરીદમાં વર્ણવે છે – આ મુબારક આયતમાં (શબ્દ) “નફ્સ” ઇમામ અલી (અ.સ.) તરફ ઇશારો કરે છે અને એ કહેવું શક્ય નથી કે પવીત્ર પયગમ્બર (સ.અ.વ.) અને અલી (અ.સ.)નો નફ્સ સરખો છે. તેથી ત્યાં એક જ શક્યતા રહે છે તે એ કે આ આયત પવીત્ર પયગમ્બર (સ.અ.વ.) અને ઇમામ અલી (અ.સ.)ને સરખી રીતે લાગુ પડે છે. અને જ્યારે પવીત્ર પયગમ્બર (સ.અ.વ.)ની બધા જ લોકો ઉપર શ્રેષ્ઠતામાં કોઇ શંકા નથી, તો પછી ઇમામ (અ.સ.) માટે પણ તે જ સાચુ છે.

  • શર્હે તજરીદ પેજ ૨૧૮

ફખરૂદ્દીન રાઝી આયતે મુબાહેલા ઉપર ટીપ્પણી કરતા કહે છે, રય (અત્યારનું તહેરાન) શહેરમાં મહમુદ ઇબ્ને હસન હમાસી નામનો વ્યક્તિ હતો જે ઇશ્નાઅશરી શીયાઓનો શીક્ષક હતો. તે માને છે કે ઇમામ અલી (અ.સ.) બધા જ પયગમ્બરો (અ.મુ.સ) કરતા શ્રેષ્ઠ છે, સીવાય કે પવીત્ર પયગમ્બર (સ.અ.વ.)

અહી તે કહે છે કે, તેના દાવાની સાબીતી એ છે કે અલ્લાહ ફરમાવે  છે, કે  “અને અમારા નફ્સો અને તમારા નફ્સો” અને અહીં “અમારા નફ્સો” પવીત્ર પયગમ્બર (સ.અ.વ.)ની તરફ સંદર્ભ નથી આપતુ, કારણ કે માણસ પોતાની જાતને કોઇ કામ કરવાનો હુકમ નથી આપતો. તેના બદલે અહી “અમારા નફ્સો” પવીત્ર પયગમ્બર (સ.અ.વ.) સીવાય બીજા માટે છે. અને અહી આલીમો એકમત છે કે “અમારા નફ્સો” એ ઇમામ અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ). સીવાય બીજુ કોઇ નથી. તેથી આ આયતથી સાબીત થાય છે કે ઇમામ અલી (અ.સ.)નો નફસ એ પવીત્ર પયગમ્બર (સ.અ.વ.)ના નફ્સની બરાબર છે અને એમ નથી કે ઇમામ અલી (અ.સ.)નો નફ્સ અને પવીત્ર પયગમ્બર (સ.અ.વ.)નો નફ્સ એક જ છે. બલ્કે આ આયત સુચવે છે કે ઇમામ અલી (અ.સ.)નો નફ્સ એ પવીત્ર પયગમ્બર (સ.અ.વ.)ના નફસ જેવો છે. તે કારણ કાઢવુ યોગ્ય છે કે ફઝાએલ અને સંપૂર્ણતાના તમામ પાસાઓમાં ઇમામ અલી (અ.સ.) અને પવીત્ર પયગમ્બર (સ.અ.વ.) સરખા છે. આ સમાનતામાં માત્ર નબુવ્વત બાકાત છે, કારણ કે તેમાં બધા એકમત છે અને હદીસોમાં પણ આવ્યું છે કે પવીત્ર પયગમ્બર (સ.અ.વ.) પછી કોઇ નબી નથી….”

  • ફખ્રે રાઝીની તફસીરે કબીર ભાગ ૮ પેજ ૮૧

અગર જો કોઇ એમ તારણ કાઢે કે કુરઆનની આયતની અંદર શબ્દ “અમારા નફ્સો અને તમારા નફ્સો” એ અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.)ને કોઇ ખાસ શ્રેષ્ઠતા નથી આપતુ, તો પછી આપણે બીજી ભરોસાપાત્ર અને સતત રીવાયત થયેલી (મુતવાતીર) પયગમ્બર (સ.અ.વ.)ની મશહુર હદીસે નુર તરફ ધ્યાન દોરીએ છીએ જ્યાં આપ (સ.અ.વ.) જાહેર કરે છે કે – ચોક્કસ અલી મારાથી છે અને હું અલીથી છુ.

જેમ આ હદીસમાં દર્શાવામાં આવ્યું, કુરઆનની આયતનો શબ્દ “અમારા નફ્સો” પયગમ્બર સ.અ.વ. અને અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ)ની વચ્ચે ફઝીલતની હકીકી સામ્યતા (સરખાપણું) દેખાડે છે.

પવીત્ર કુરઆન અને મુસ્લીમ આલીમોના મંતવ્યોના પુરાવાના આધારે અલી (અ.સ.) એ પવીત્ર પયગમ્બર (સ.અ.વ.)ના નફ્સ છે અને આપ (સ.અ.વ.)ની જેમ દરેક મખલુકમાં શ્રેષ્ઠ છેમુસ્લિમ ઉમ્મતમાં આ ફઝીલ્ત બીજા કોઈને પણ હાસિલ નથી, આમ અલી (અ.સ.) પવીત્ર પયગમ્બર (સ.અ.વ.)ના શ્રેષ્ઠ જાનશીન છે. આ વાત ગદીરના એલાન, હદીસે સકલૈન, હદીસે મનઝેલત, હદીસે નુર, હદીસે મદીનતુલ ઇલ્મ વગેરે જેવા અલી (અ.સ.)ના જાનશીન હોવાના સ્પષ્ટ પુરાવાઓ પણ છે.

Be the first to comment

Leave a Reply