સુન્ની તફસીરોની રોશનીમાં આયતે વિલાયતની તફસીર – પ્રથમ ભાગ

વાંચવાનો સમય: 3 મિનિટ

મૌલાએ કાએનાત, અમીરૂલ મોઅમેનીન હઝરત અલી બિન અબી તાલિબ (અ.સ.) ની વિલાયત અને બિલા ફસ્લ ખિલાફત અને ઈમામત ઉપર કુરઆને કરીમથી ઘણી દલીલો રજુ કરવામાં આવી છે. પરંતુ અમુક આયતો એવી છે જેની હૈસિયત ઈમામત અને ખિલાફતના વિષય ઉપર ચાંદના બે ભાગ થવાના મોઅજીઝાથી વધારે મજબુત છે. એટલેકે આ એ આયતો છે જે આપણાં મૌલાની શાનમાં નાઝિલ થઈ છે અને તેમની વિલાયત, ઈમામત અને ખિલાફતની સાબિતી છે અને તમામ શીઆ અને સુન્ની ઓલમા તેના ઉપર એકમત છે. સિવાય કે અમુક પૂર્વાગ્રહી અને ઘમંડી લોકો કે જેમના ઈન્કારનો પાયો ભેદભાવ, દુશ્મની અને જીદ ઉપર છે. આવી આયતોમાંથી એક આયત આયએ વિલાયત છે.

તમારો વલી ફકત અલ્લાહ છે, તેના રસુલ છે અને તે લોકો છે કે જેઓ નમાઝ કાએમ કરે છે અને રૂકુઅની હાલતમાં ઝકાત આપે છે.

(સુરએ માએદાહ, આયત નં. ૫૫)

આવો આપણે આ વિષે એહલે સુન્નતની તફસીરોમાંથી અમુક રિવાયતો વર્ણવીએ જે આ આયતની હેઠળ આવેલી છે.

પ્રથમ હદીસ:-

કુરઆનના પ્રખ્યાત તફસીરકર્તા એહમદ બિન મોહમ્મદ સોઅલબી પોતાની તફસીર “અલકશફો વલ બયાન” માં લખે છે કે સદી, અતબા બિન અબી હકીમ અને ગાલિબ બિન અબ્દુલ્લાહથી નકલ કર્યુ છે કે અલ્લાહનો કૌલ

ઈન્નમા વલીય્યોકોમુલ્લાહો વ રસુલોહુ વલ્લઝીન આમનુલ્લઝીન યોકીમુનસ્સલાત વ યુઅતુનઝ્કાત વ હુમ રાકેઉન

થી મુરાદ હઝરત અલી બિન અબી તાલિબ (અ.સ.) છે. કારણકે જ્યારે મસ્જીદમાં આપ રૂકુઅની હાલતમાં હતા એક સાઈલ આપની પાસેથી પસાર થયો, તો આપ (અ.સ.) એ પોતાની અંગુઠી તેને અતા કરી દીધી. પછી સોઅલબી લખે છે ‘અમને અબુલ હસન મોહમ્મદ બિન કાસિમ અલફર્કી એ ખબર આપી છે કે અબ્દુલ્લાહ બિન અહમદ અશ્ શઅરાનીથી, તેણે અબુ અલી અહમદ બિન અલી બિન રઝીનથી તેણે મુઝફ્ફર બિન હસન અલ અન્સારીથી, તેણે અસ્સરી બિન અલી અલવર્રાકથી, તેણે યાહ્યા બિન અબ્દુલ હમીદ અલ હમાનીથી, તેણે કયસ બિન રબીઅથી તેણે અઅમશથી તેમણે અમાયા બીન રબઈથી અને તેણે અબ્દુલ્લાહ બિન અબ્બાસ (ર.અ.)થી વર્ણવ્યું છે કે જ્યારે તેઓ ઝમઝમની પાસે બેઠા હતા અને કહી રહ્યા હતા કે રસુલુલ્લાહ (સ.અ.વ.) એ ફરમાવ્યું

ઈન્નમા વલીય્યોકોમુલ્લાહો વ રસુલોહુ વલ્લઝીન આમનુલ્લઝીન યોકીમુનસ્સલાત વ યુઅતુનઝ્કાત વ હુમ રાકેઉન

ત્યારે એક માણસ જેણે અમામો પહેર્યો હતો અને તેણે પોતાના ચહેરાને અમ્મામાથી છુપાવેલો હતો તે ઊભો થયો. હવે જ્યારે જ્યારે ઈબ્ને અબ્બાસ કહેતા હતા ‘કાલ રસુલુલ્લાહ” તો તે માણસ તેને દોહરાવતો હતો કે હાં ખરેખર આ હદીસ રસુલુલ્લાહ (સ.અ.વ.) એ ફરમાવી છે. (એટલેકે ઈબ્ને અબ્બાસ (અ.ર.)ની વાતનું સમર્થન કરતો હતો. કે હા, ખરેખર આ હદીસ રસુલુલ્લાહ (સ.અ.વ.) એ ફરમાવી છે)

ઈબ્ને અબ્બાસે પુછયંુ: ‘હું તમને અલ્લાહની કસમ આપું છું. બતાવો કે તમે કોણ છો?” તેમણે પોતાના મોઢા ઉપરથી નકાબ હટાવી અને કહેવા લાગ્યા: ‘અય લોકો! જે મને ઓળખે છે તે ઓળખે છે અને જે મને નથી ઓળખતા તે જાણી લે કે હું જુન્દબ બિન જુનાદા અલ બદરી, અબુઝર અલગફ્ફારી છું. મેં રસુલુલ્લાહ (સ.અ.વ.), ને રૂબરૂ સાંભળ્યા છે, નહિંતર મારા બન્ને કાનો બહેરા થઈ જાય. મેં રસુલુલ્લાહ (સ.અ.વ.) ને જોયા છે, નહિંતર મારી બન્ને આંખો આંધળી થઈ જાય. મેં સાંભળ્યું કે આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું:

‘અલી (અ.સ.) નેકી કરનાર લોકોના રહેબર છે, કાફિરોના કાતિલ છે. જે અલી (અ.સ.) ની મદદ કરશે, તેની મદદ કરવામાં આવશે અને જે અલી (અ.સ.) ને છોડી દેશે તેને છોડી દેવામાં આવશે.”

જાણી લો કે એક દિવસ મેં રસુલુલ્લાહ (અ.સ.) ની સાથે નમાઝે ઝોહર પઢી. એક સાઈલે મસ્જીદમાં આવીને સવાલ કર્યો. પરંતુ કોઈએ તેને કાંઈ આપ્યું નહિં. સાઈલે પોતાના હાથોને આસ્માન તરફ ઉંચા કર્યા અને કહેવા લાગ્યો.

પરવરદિગાર! તું ગવાહ રહેજે કે મેં રસુલુલ્લાહ (સ.અ.વ.) ની મસ્જીદમાં સવાલ કર્યો પરંતુ મને કોઈએ કંઈ આપ્યું નહિં.

તે સમયે હ. અલી (અ.સ.) રૂકુઅની હાલતમાં હતા. આપ (અ.સ.) એ પોતાના જમણા હાથને સાઈલ તરફ આગળ વધાર્યો અને તે હાથની આંગળીમાં વીંટી હતી. સાઈલ આપ (અ.સ.) પાસે આવ્યો અને આપ (અ.સ.) ની આંગળીમાંથી વીંટી ઉતારી લીધી. આ બનાવ રસુલુલ્લાહ (સ.અ.વ.) ની હાજરીમાં બન્યો હતો. જ્યારે આપ (સ.અ.વ.) એ નમાઝ પઢી લીધી તો નબી (સ.અ.વ.) એ પોતાના પાકીઝા સરને આસમાન તરફ બુલંદ કર્યુ અને ફરમાવ્યું:

પરવરદિગાર! મુસા (અ.સ.) એ તારી પાસે સવાલ કર્યો. અય મારા રબ! મારી છાતીને મારી માટે વિશાળ કરી દે અને મારા કાર્યને મારા માટે સરળ કરી દે અને મારી જીભની ગાંઠ ખોલી નાખ કે જેથી આ લોકો મારી વાતને સમજી શકે અને મારા કુટુંબમાંથી મારા ભાઈ હારૂનને મારો વઝીર બનાવી દે. તેમના થકી મારી પીઠને મજબુત કરી દે અને તેને મારા કાર્યોમાં ભાગીદાર બનાવ.

(સુરએ તાહા, આયત નં. ૨૫-૩૨)

આના ઉપર તેં તેમના જવાબમાં વહી મોકલાવી

નઝદીકમાંજ અમે તમારા ભાઈ થકી તમારા હાથોને મજબુત કરીશું અને અમે તમો બન્નેને એવું વર્ચસ્વ અતા કરીશું કે અમારી નિશાનીઓને લીધે તેઓ તમારા સુધી ઈજા પહોંચાડી શકશે જ નહિં.

(સુરએ કસસ, આયત નં. ૩૫)

‘પરવરદિગાર! હું મોહમ્મદ (સ.અ.વ.), તારો નબી અને તારો ચુંટાએલો બંદો છું. પરવરદિગાર! મારી છાતીને મારા માટે વિશાળ કરી દે અને મારા કાર્યોને સરળ કરી દે. મારા ખાનદાનમાંથી અલી (અ.સ.) ને મારો જાનશીન બનાવી દે અને તેના થકી મારી પીઠને મજબુત કરી દે.”

જનાબે અબુઝર (ર.અ.) વર્ણવે છે કે હજી રસુલુલ્લાહ (સ.અ.વ.) ની વાત સંપૂર્ણ પણ થઈ ન હતી કે જીબ્રઈલ (અ.સ.) નબી (સ.અ.વ.) પાસે આવ્યા અને ફરમાવ્યું! ‘અય મોહમ્મદ! પઢો”, આપ (સ.અ.વ.) એ પુછયુ શું? ‘શું પઢું” જીબ્રઈલ (અ.સ.) એ કહ્યું: ‘પઢો”

ઈન્નમા વલીય્યોકોમુલ્લાહો વ રસુલોહુ વલ્લઝીન આમનુલ્લઝીન યોકીમુનસ્સલાત વ યુઅતુનઝ્કાત વ હુમ રાકેઉન

(તફસીરે શીબલી, સુરએ, માએદાહ, આયત નં. ૫૫)

 

બીજો ભાગ

 

Be the first to comment

Leave a Reply