શા માટે અમીરૂલ મોઅમેનીન(અ.સ.)એ કહેવાતા ખલીફાઓ સાથે ખિલાફત મેળવવા માટે જંગ ન કરી?

વાંચવાનો સમય: 3 મિનિટ

પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ની શહાદત પછી, ખિલાફત અને જાનશીનીનો હક્ક ઈમામ અલી(અ.સ.)નો હતો, જેઓએ ખિલાફત ફકત તેમનો જ હક્ક છે તે સાબીત કરવા ઘણા પ્રયત્નો કર્યા. અલબત્ત, પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ની શહાદત પછી અલી(અ.સ.)એ પોતાની જાતને એકલા પામ્યા અને પવિત્ર પયગમ્બર(સ.અ.વ.) દ્વારા તેમને જે ખિલાફત સોંપવામાં આવી હતી તેની ઈતાઅત માટે લોકોને જમા ન કરી શકયા. અલબત્ત આપ(અ.સ.)એ દરેક મળતી તક ઉપર આપના હક્કને ગેરકાયદેસર રીતે છીનવી લેવા ઉપર નારાઝગી જાહેર કરી હતી. પછી ચાહે તે લોકોની બેઠક હોય અથવા આપના ખાસ ભરોસાપાત્ર લોકો અથવા ખલીફાઓ સામે પણ આપે આપનો વિરોધ જાહેર કરેલ છે. દરેક જગ્યાએ આપ(અ.સ.)એ મજબુતાઈથી એ હકીકત ઉપર ભાર મૂકયો કે ખિલાફતનો હક્ક તેમનો છે અને બીજાઓનો તેના ઉપર કોઈ હક્ક નથી. આપ(અ.સ.)એ તે વાત ઉપર વધારે ભાર આપ્યો કે આ નિયુક્તિ અલ્લાહ તરફથી પવિત્ર પયગમ્બર(સ.અ.વ.) હસ્તે લોકો માટે છે. તેથી આપ(અ.સ.)એ પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ના ખલીફાની નિયુક્તિ માટે બીજા બધા જ સિધ્ધાંત અને કાયદાને રદ કર્યા છે.

 

આના સમર્થનમાં શ્રેષ્ઠ ઉદાહરણ એ છે કે આપ(અ.સ.) આપના ઘરમાં જ રહેવા લાગ્યા. પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ની શહાદત પછી આપ(અ.સ.) આપના ઘરમાં રહેતા અને આપે બયઅત ન કરી જેના પરિણામે આપના ઘરને આગ લગાવવામાં આવી. આપની પત્નિ, પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ની એક માત્ર દુખ્તરને ઈજાઓ આપવામાં આવી અને આપના ફરઝંદ જનાબે મોહસીન(અ.સ.)ને શહીદ કરી દેવામાં આવ્યા જ્યારે કે આપ હજુ આપની માતાના શિકમમાં હતા. તેથી અલી(અ.સ.)એ પોતાનો હક્ક સ્પષ્ટ કરી દીધો અને પોતાની દલીલો તેઓ ઉપર પૂર્ણ કરી દીધી કે જેઓ અલ્લાહ દ્વારા પોતાની ખિલાફત માટે પસંદ કરવામાં આવેલ અને પવિત્ર પયગમ્બર(સ.અ.વ.) દ્વારા નિયુકત કરેલ ખલીફાથી ફરી ગયા. અગર આપ(અ.સ.) તેમની તાકત અને વિરોધના અન્ય પ્રકારના જાહેર થવા પહેલા અદાલતમાં ગયા હોત તો આપની દલીલ પૂર્ણ ન થાત.

 

તેથી, કોઈ પણ રીતે એમ ન કહી શકાય કે આપ(અ.સ.)એ સચ્ચાઈ સાબીત કરવા અને પોતાનો હક્ક મેળવવા માટે કોઈ પગલાઓ નથી લીધા. અલબત્ત્ બીજો એક સવાલ જેની સમજૂતી અહીં જવાબમાં રજુ કરી શકાય તે એ છે કે શા માટે આપ(અ.સ.)એ આપનો હક્ક મેળવવા માટે બળજબરી ન કરી. આના અમુક કારણો નીચે મુજબ છે:

 

1) ઉમ્મતનો ફરી જવાનો ભય:

અમીરૂલ મોઅમેનીન(અ.સ.) ને ડર હતો કે અગર તેમણે ખિલાફત અંગેની સ્પષ્ટ દલીલ ઉપર ભાર મૂકયો તો નવા બનેલા મુસલમાનો દીનથી ફરી જશે. આ એટલા માટે હતું કારણ કે મુનાફીકો પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ની શહાદત પછી સત્તા ઉપર આવી ગયા હતા અને તેઓની સત્તા વધી ગઈ હતી. દિવસેને દિવસે મુસલમાનોના દિલો કમઝોર થતા જતા હતા. દીનના મુળમાં મોટાપાયે ફેરફારો કરવામાં આવી રહ્યા હતા. પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ની શહાદત પછી મુસલમાનોની પરિસ્થિતિ એક એવી બકરી જેવી થઈ ગઈ હતી જે વરસાદમાં પલળીને ઠંડી અંધારી રાતમાં ચારાની શોધમાં હોય અને ચારેય તરફથી જંગલી વરૂઓથી ઘેરાયેલ હોય જે તેને ચીરી ફાડવા માટે તૈયાર હોય. અમૂક અરબ કબીલાઓ તો દીનથી ફરી જ ગયા હતા જ્યારે અમૂક લોકો ફરી જવાનું વિચારી રહ્યા હતા.

 

2) મુસલમાન ઉમ્મતમાં મતભેદનો ભય:

અમીરૂલ મોઅમેનીન(અ.સ.)એ પોતાની તાકતનો ઉપયોગ ન કરવાના કારણો પૈકી એક કારણ હતું મુસલમાન ઉમ્મતમાં મતભેદ અને ભાગલા પડવાનો ભય. કાફીરો અને મુનાફીકો માટે મુસલમાનોની તે સમયની પરિસ્થિતિ એ શ્રેષ્ઠ તક હતી કે તેઓ પોતાની જુની યોજનાઓને જાહેર કરે. અન્સારો (મદીના રહેવાસીઓ) અને મોહાજીરો (મક્કાના રહેવાસી) દરમ્યાન વિવાદો ઉભા થયા અને દરેક એક અથવા બીજા કારણસર ખિલાફતનો તાજ હાસીલ કરવા ચાહતુ હતું. બીજી બાજુ જ્યારે અબુ સુફિયાને અમીરૂલ મોઅમેનીન અલી(અ.સ.)ને મદદ અને સમર્થન આપવાની રજુઆત કરી પરંતુ આપ(અ.સ.)એ એમ કહીને ઈન્કાર કરી દીધો કે તું (અબુ સુફિયાન) કયારથી ઈસ્લામનો સમર્થક અને મદદગાર બની ગયો?

 

3) ઈસ્લામના બાકી રહેવા માટે:

અમીરૂલ મોઅમેનીન(અ.સ.) કોઈ પણ કિંમતે ઈસ્લામને બાકી રાખવા ચાહતા હતા. તે નાજુક ક્ષણે ઈસ્લામનો ખ્યાલ રાખવા માટે આપ(અ.સ.)ને બળપૂર્વક ખિલાફત મેળવવી યોગ્ય ન લાગી. અગર આપ(અ.સ.)એ હથિયારો લઈ લીધા હોત અને થોડા મદદગારોથી બળવો કર્યો હોત તો તેનાથી પવિત્ર પયગમ્બર(સ.અ.વ.)ની શહાદત બાદ ઈસ્લામનો નાશ થાત. લોકોમાં તોફાન અને વિનાશ પ્રચલિત થઈ જાય અને બધી જ કુરબાનીઓ અને નિષ્ઠા જે અત્યાર સુધી આપી હતી તે એળે જાત. તેથી, ઈસ્લામના અસ્તિત્વ માટે અને સામાન્ય મુસલમાનોની કામ્યાબી માટે આપ(અ.સ.)એ પોતાના હક્ક માટે ઉભા ન થવાનું નક્કી કર્યું અને કયારેય એવું કરવાનો ઈરાદો પણ જાહેર કર્યો ન હતો. અને આ છેલ્લું કારણ ઉપર દર્શાવેલ બધા જ કારણો ઉપર શ્રેષ્ઠતા ધરાવે છે, જેના કારણે ન તો અમીરૂલ મોઅમેનીન(અ.સ.)એ પોતાની તાકત બતાવી છે ન તો ખિલાફત મેળવવા માટે પોતાની તલ્વાર બહાર કાઢી છે કે જેના માટે તેઓ અલ્લાહ તરફથી નિયુકત હતા.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*